ફિલ્મ સ્ટાર્સની મમ્મીઓ અને તેમની ઉટપટાંગ માગણીઓ સામે નિર્માતાઓ લાચાર

- નરગીસની માતા જદ્દનબાઇથી માંડી અનન્યા પાંડેની માતા ભાવના પાંડે સુધીની સ્ટારમોમ પરંપરા પહેલાં તો હિરોઇન બેબીની મમ્મીઓનો જ ત્રાસ હતો પણ હવે ફિલ્મસ્ટાર બાબાની મમ્મીઓનો ત્રાસ પણ વધી ગયો છે.
- ભારત જેવા પરંપરાગત રીતે પરિવારલક્ષી સમાજમાં સિનેમા જેવા માધ્યમમાં પુત્રી કારકિર્દી બનાવવા નીકળે ત્યારે તેમની માતાઓ પણ તેમની સાથે ફિલ્મના સેટ પર તેમની પ્રતિભાના દર્શન કરાવે છે. આખી દુનિયામાં એક માત્ર ભારતમાં જ ફિલ્મ સ્ટારની મમ્મીઓ અને તેમના નખરાં જોવા મળે છે. રસપ્રદ બાબત તો એ છે કે જમાનો બદલાઇ ગયો છતાં ફિલ્મસ્ટારની મમ્મીઓની ધોંસ તો એવીને એવી જ રહી છે. ઘણી હિરોઇનને સ્ટારડમ અપાવવામાં તેમની માતાઓનો ફાળો સવિશેષ રહ્યો છે.
સૌ પ્રથમ આવી માતાનું શ્રેય નરગીસની માતા જદ્દનબાઇને જાય છે. નરગીસ એટલે સુનીલ દત્તની પત્ની અને સંજુબાબાની માતા. જદ્દનબાઇ તેમની નાની થાય. એક જમાનામાં બેબી નરગીસ ફિલ્મમાં કામ કરવા જતી ત્યારે જમાનાની ખાધેલ જદ્દનબાઇ પણ બેબી પર કોઇ નજર ન બગાડે તે માટે તેની સાથે ફિલ્મના સેટ પર જતા હતા. જદ્દનબાઇ એ ભારતીય સિનેમાની એવી હસ્તી હતી જેણે ફિલ્મ નિર્માણ, લેખન અને અભિનય એમ ત્રણે ક્ષેત્રોમાં એ જમાનામાં પોતાની ધાક જમાવી હતી. જદ્દનબાઇએ તેમના ત્રીજા લગ્ન રાવલપિંડીના મોહનચંદ ઉત્તમચંદ ત્યાગી સાથે કર્યા હતા. મોહનચંદ લગ્ન બાદ ઇસ્લામ અપનાવી અબ્દુલ રશીદ બની ગયા હતા. ફાતિમા રશીદ એટલે કે નરગીસ એ તેમની પુત્રી હતી. ૧૯૩૫માં જદ્દનબાઇની નિર્માણ કંપની સંગીત ફિલ્મ્સ દ્વારા તલાશ-એ-હક બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં જદ્દનબાઇએ તેમની પુત્રી નરગીસને બેબી રાની તરીકે બાળકલાકાર તરીકે રજૂ કરી હતી. જદ્દનબાઇએ ૧૯૪૯માં તેમનું અવસાન થયું ત્યાં સુધીમાં તો નરગીસને મોટી હિરોઇન બનાવી દીધી હતી.
આવી જ રીતે તમિલ આયંગર બ્રાહ્મિન જયા લક્ષ્મી અને વીએસઆર ચક્રવર્તિ આયંગરની પુત્રી હેમા માલિનીની કારકિર્દી પણ તેમની માતા જયાલક્ષ્મી ચક્રવર્તિને આભારી છે. માત્ર અગિયાર ધોરણ પાસ હેમામાલિનીને મદ્રાસની તમિળ ફિલ્મોમાંથી ૧૯૬૮માં સપનોં કા સૌદાગર ફિલ્મ દ્વારા હિન્દી ફિલ્મોમાં લોન્ચ કરવામાં આવી હતી. રસપ્રદ બાબત એ છે કે આ ફિલ્મમાં હેમામાલિનીનો હીરો રાજકપૂર હતો જેણે ૫૦ના બ્લેક એન્ડ વ્હાઇટ જમાનામાં નરગીસ સાથે જોડી જમાવી અફલાતૂન રોમેન્ટિક ફિલ્મો આપી હતી. જયા લક્ષ્મીએ પુત્રી હેમા પર એવો જાપ્તો રાખ્યો હતો કે ધર્મેન્દ્રને હેમામાલિનીને પરણવા માટે ૧૯૮૦ સુધી દસ વર્ષ રાહ જોવી પડી હતી.હેમામાલિનીએ ડ્રીમ ગર્લ બની હિન્દી ફિલ્મોમાં રાજ કર્યું એ પછી હેમામાલિની ૫૬ વર્ષની થઇ ત્યારે તેની માતા જયાલક્ષ્મીનું ૨૦૦૪માં અવસાન થયું હતું. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં આ બંને માતાઆએે તેમની પુત્રીઓની સફળ કારકિર્દી ઘડવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
જો કે, ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં ફિરોઝખાન, સુભાષ ઘઇ અને સંજય લીલા ભણશાળી તથા યશરાજ ફિલ્મ્સ દ્વારા ફિલ્મ સ્ટાર્સ સાથે કરવામાં આવતાં કોન્ટ્રેક્ટમાં એક કલમ ખાસ ઉમેરાવવા માંડયા કે ફિલ્મના સેટ પર કોઇ મમ્મીઓને હાજર રહેવા દેવામાં આવશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો આ નવી પેઢીના ફિલ્મ સર્જકોએ સ્ટાર મધર્સ પર જાણે પ્રતિબંધ જ મુકી દીધો હતો. પણ આ જ અરસામાં શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદાની ફિલ્મના સેટ પર ધાક હતી એ નકારી ન શકાય એવી હકીકત છે. પોતાની પુત્રીનો શોટ બરાબર ન હોય તો માતા સુનંદાના નાક પર પડેલી કરચલીઓ જોઇ શિલ્પા શેટ્ટી એ શોટ કેન્સલ કરાવી નાંખતી. પણ સુનંદા ફિલ્મના સેટ પર બધાંની કુંડળીઓ મેળવીઆપતી એટલે તે બધાંની પ્રિય આન્ટી બની રહી હતી. આ જ અરસામાં એક ઓર મારફાડ હિરોઇન માધુરી દિક્ષિત સફળ થઇ. મજાની વાત એ છે કે માધુરીની માતા સ્નેહલતા પણ આઇ તરીકે સેટ પર આવતી હતી પણ તેમણે કદી ફિલ્મના શૂટિંગમાં કોઇ દખલ કરી હોવાનું જણાયું નથી. તેમને કોઇએ ઉંચા અવાજે બોલતાં પણ સાંભળ્યા નથી. ફિલ્મ સ્ટારની માતાઓમાં એક અલગ જ ઇમેજ માધુરીની માતાની રહી છે.
એ પછી કરિશ્મા કપૂર અને તેને પગલે શો બિઝનેસમાં આવેલી કરીના કપૂરની કારકિર્દી પણ તેમની માતા બબિતાને આભારી છે. બબિતા પોતે ૬૦ દાયકામાં ફિલ્મ સ્ટાર રહી ચૂકી હોઇ તે ફિલ્મલાઇનની આંટીઘૂંટીઓથી વાકેફ હતી. બબિતા પોતે ફિલ્મોના સેટ પર જતી નહીંં પણ તેની પુત્રીઓની ફિલ્મ કારકિર્દીમાં મહત્વના નિર્ણયો તે જ લેતી હતી. ખાસ કરીને કરિશ્મા કપૂરના ફિલ્મના કોશ્યુમ્સ માટે ટેલર પણ બબિતા જ પસંદ કરતી. કરિશ્માના હેર ડ્રેસર, મેક અપ મેન, સેક્રેટરી અને અન્ય સ્ટાફની ભરતી બબિતા જ કરતી. નોંધપાત્ર બાબત એ છે કે કરિશ્મા અને કરીના બંનેએ તેમની માતા બબિતાના નિર્ણયોને માથે ચડાવ્યા છે. રણધીર કપૂરે એકવાર મજાકમાં સત્ય કહી દીધું હતું કે બંને મામા'સ ગર્લ્સ છે. બબિતાએ તેમનો બંનેનો ઉછેર સારો કર્યો છે.
આજની હોટ ગર્લ ગણાતી અનન્યા પાંડેએ કાર્તિક આર્યન સાથે બ્રેક અપ કરી નાંખ્યું હતું. તેને કારણે તે કરણ જોહરની ફિલ્મ તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરીમાં કાર્તિક સાથે કામ કરતાં અચકાતી હતી. જો કે એ સમયે અનન્યાની માતા ભાવના પાંડેએ તેની પુત્રીને કાર્તિક સાથે કામ કરવા માટે સમજાવી હતી. તો મુદ્દો એ છે કે હિરોઇનની માતા ધારે તો હિરોઇનને સમજાવી કોઇની પણ સાથે કામ કરવા તેને રાજી કરી શકે છે. મોમ સ્ટાર પાવર આજના જમાનામાં પણ અકબંધ છે.
એક જમાનામાં હિરોઇન બેબીની પાછળ સતત જ્યુસ લઇને ફર્યા કરતી સ્ટાર મોમ હવે ઘરેથી ઓપરેટ કરવા માંડી છે. તાજેતરમાં એક પ્રોડકશન કન્ટ્રોલરે એક કિસ્સો જણાવ્યો હતો. જેમાં એક દુબળી પાતળી હિરોઇન મઢ આઇલેન્ડમાં શૂટિંગ કરતી હતી. એ સમયે તેની માતાએ ફોન કરી જણાવ્યું કે બેબીનું ફૂડ તો બાન્દ્રાની ફાઇવસ્ટાર હોટલ લેન્ડઝ એન્ડમાંથી જ આવવું જોઇએ. હવે બાન્દ્રાથી મઢ આયલેન્ડ ૩૦ કિમી દૂર ફૂડ પહોંચાડવાનું કામ જહેમતભર્યું બની રહે પણ તે સ્ટાર મોમ કરાવીને જ જંપે છે.
આજે તો સુપરસ્ટાર પણ પોતાને મામા'ઝ બોય ગણાવવામાં ગર્વ અનુભવે છે. ૨૦૨૪માં એન્ગ્રીયંગ મેન નામની ડોક્યુમેન્ટરી બની ત્યારે સલીમખાનની સાથે સ્ટેજ પર ગયેલાં સલમાનખાને ગર્વથી જાહેરાત કરી હતી કે મેરે પાસ દો દો મા હેૈં.
પોતાની માતા સલમા અને અપર મા હેલન બંનેને પોતે માતા તરીકે ચાહે છે તેનો આ જાહેર એકરાર હતો. સલમાન ખાનની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં હેલને રૂપેરી પડદે પણ તરછોડાયેલાં પ્રેમી સલમાનની માતાની ભૂમિકા ભજવી હતી. આમ જુઓ તો વાસ્તવિક જીવનમાં પણ હેલન-સલમાનની ભૂમિકાઓમાં કોઇ અંતર નથી. પણ નવી પેઢીના હીરો વરૂણ ધવનની માતા લલ્લી એકદમ અલગ જ મિજાજની માતા છે.જુહુ બાન્દ્રાના પટ્ટામાં સેલિબ્રિટી વાઇવ્ઝ કલબની બિનસત્તાવાર લીડર ગણાતી લલ્લી ધવન મોજમાં હોય તો તેના પતિ ડેવિડ ધવન અને સ્ટાર પુત્ર વરૂણ વિશેના હળવા જોક્સ કહેવામાં છોછ અનુભવતી નથી. ફિલ્મ વાઇવ્ઝ દ્વારા યોજવામાં આવતી જગરાતાઓ અને જમ્બુરીઓમાં તેની હાજરી ચાર ચાંદ લગાવી દે છે.
ગમે તે કહો પણ સ્ટાર મોમની કહાની અલગ જ બની રહે છે. એક પત્રકાર પ્રમોશનલ ટૂર દરમ્યાન સ્ટાર મોમની નજીક જઇ ગોસિપ કરવા માંગતો હતો પણ સ્ટાર મોમે તેને મોં પર ચોપડાવી દીધું કે નો. થેન્ક યુ આ ડોન્ટ વોન્ટ ગોસિપ ફ્રોમ યુ. આ હેવ મોર ગોસિપ ધેન યુ! પત્રકારે બે હાથ જોડી કહ્યું હશે, જય સંતોષી માતા!








