Get The App

ભૂલો / ક્ષતિઓ સ્વમેળે સુધારવા માટે મામલતદાર દ્વારા અનુસરવાની કાર્યપધ્ધતિ

- મહેસૂલી રેકર્ડનું કૉમ્પ્યુટરાઝેશન કરવાથી થયેલ

- લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)

Updated: Jan 4th, 2021

GS TEAM

Google News
Google News
ભૂલો / ક્ષતિઓ સ્વમેળે સુધારવા માટે મામલતદાર દ્વારા અનુસરવાની કાર્યપધ્ધતિ 1 - image


- સબંધિત મામલતદારે ક્ષતિ સુધારવાનો હુકમ કરી ઈ-ધરામાં મહેસૂલી રેકર્ડમાં હુકમી નોંધ પાડવાની છે 

(ગતાંકથી ચાલુ)

મહેસૂલ વિભાગના તા.૧૦-૩-૨૦૧૬ના પરિપત્ર ક્રમાંક : સીએમપી / ૧૦૨૦૦૯ / ૨૪ હ-૨ અન્વયે કૉમ્પ્યુટરાઝેશન કરવાથી મહેસૂલી રેકર્ડમાં જે ક્ષતિઓ / ભૂલો કરવામાં આવી છે તે અરજદારને રીવીઝન / અપીલ ફાઈલ કરવાનું જણાવવાને બદલે સ્વમેળે (Suomoto) સુધારવા માટે સબંધિત તાલુકાના મામલતદારને સત્તાઓ આપવામાં આવેલ છે અને તે અંતર્ગત સબંધિત પક્ષકારે મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રમાં / એટીવીટીના જનસેવા કેન્દ્રમાં અથવા ગ્રામ કક્ષાએ પણ ઈ-ગ્રામ કેન્દ્રમાં અરજી આપવાની છે અને તે અંગેની સબંધિત કચેરી પાસેથી અરજી મળ્યા બદલની પહોંચ આપવાની છે. આમ તો જે ભૂલ થઈ હોય તેના પુરાવા તરીકેનું રેકર્ડ આપવાનું છે, પરંતુ જે રેકર્ડ સબંધિત મહેસૂલી કચેરીમાં હોય તે રેકર્ડ આપવાનો આગ્રહ રાખવાનો નથી. આમ તો આ બાબતો રેકર્ડ આધારિત હોવાથી અરજી મળ્યાની તારીખથી ૩૦ દિવસમાં સબંધિત મામલતદારે ક્ષતિ સુધારવાનો હુકમ કરી ઈ-ધરામાં મહેસૂલી રેકર્ડમાં હુકમી નોંધ પાડવાની છે અને આ અંગેની જાણ સબંધિત અરજદારને અને જરૃર જણાયે ફેરફાર કરવાના ભાગરૃપે ડીઆઈએલઆરને પણ કરવાની રહેશે. આ હુકમી નોંધ પ્રમાણિત થયા બાદ સબંધિત અરજદારને સુધારેલ ૭/૧૨ તેમજ હક્કપત્રકની નોંધ નં. ૬ની નકલ દિવસ-૩માં અરજદારને આપવાની છે. આવા પ્રકારની અરજીઓ સમયમર્યાદામાં નિકાલ થાય તે માટે ઈ-ધરા કેન્દ્રમાં આ અંગેનું ખાસ કંટ્રોલ રજીસ્ટર નિભાવવાનું છે અને તેમાં તેની નોંધ કરવાની છે. 

જેથી પ્રાન્ત અધિકારી અને કલેક્ટર દ્વારા જ્યારે ઈ-ધરા કેન્દ્રની મુલાકાત લેવામાં આવે ત્યારે તપાસણી કરવાની છે અને ક્ષતિ સુધારણા બાબતમાં કોઈની ભૂલ અથવા નિષ્કાળજી સેવવામાં આવે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. કોઈ સંજોગોમાં ડેટા એન્ટ્રી કરનાર કર્મચારીની ભૂલ થઈ હોય તો વેરીફીકેશન કરનાર અમલદાર પણ નિયત નોંધ જનરેટ થાય તે પહેલાં સુધારા કરી શકે તેવી જોગવાઈ કરેલ છે.

આ જોગવાઈઓ જાહેર જનતાના ધ્યાન ઉપર લાવવી એટલે જરૃર લાગી કે, આજે પણ કૉમ્પ્યુટરાઝેશન થયા બાદ મહેસૂલી રેકર્ડમાં ઘણી ભૂલો થવા પામેલ છે અને સબંધિત પક્ષકારો અને કબજેદારોની અજ્ઞાાનતાને કારણે અને જ્યારે મહેસૂલી રેકર્ડ જોવામાં આવે ત્યારે જ ધ્યાન ઉપર આવે છે. જેથી કોઈપણ જમીન / મિલ્કતના કબજેદારને તેઓ ધારણકર્તા જમીનમાં કૉમ્પ્યુટરાઝેશન બાદ જો કોઈ ભૂલ થયેલ હોય અને ખાસ કરીને ખાતેદારના નામો / ક્ષેત્રફળ વિગેરે જે અગત્યની બાબત છે તેમાં ભૂલ જણાય તો - અપીલ / રીવીઝન અરજી કર્યા વગર ઉક્ત જણાવેલ સબંધિત મામલતદાર / એટીવીટી તેમજ ગ્રામ કક્ષાએ રજૂઆત કરવાથી કૉમ્પ્યુટરાઝેશનમાં થયેલ ભૂલો / ક્ષતિઓને સુધારી શકાય છે.

Tags :