Get The App

કાયદેસરના વીલ યાને વસિયતનામાના અમલીકરણ ઉપર પ્રોબેટ મેળવવું ફરજીયાત નથી

Updated: Aug 1st, 2021

GS TEAM


Google News
Google News
કાયદેસરના વીલ યાને  વસિયતનામાના અમલીકરણ ઉપર પ્રોબેટ મેળવવું ફરજીયાત નથી 1 - image


- લોકાભિમુખ : માર્ગદર્શન

- એચ.એસ. પટેલ IAS (નિ.)

- વીલથી ખેડૂત થતા બિનખેડૂત અંગે સુપ્રિમકોર્ટના ચૂકાદા અન્વયે કાયદામાં સુધારો કરવો અનિવાર્ય

દરેક જીવંત વ્યક્તિ અમર નથી (Immortal) એટલે જીવનકાળ દરમ્યાન સંપ્રાપ્ત કરેલ મિલ્કત અથવા વારસાઈરૂપે મળેલ મિલ્કતના વ્યવસ્થાપન અથવા તો બિન વસિયત (Intested) વ્યક્તિઓના મિલ્કતની વહેંચણી Devolution હિન્દુ વારસા અધિનિયમ પ્રમાણે થાય છે. ભારતીય વારસા અધિનિયમમાં વીલ યાને વસિયતનામાની જોગવાઈ કરવામાં આવી છે અને વસીયતનામાની વ્યાખ્યા પ્રમાણે કોઈપણ પુખ્તવયની વ્યક્તિ સાવધ અવસ્થામાં સ્વપાર્જીત મિલ્કતની વ્યવસ્થા માટે વસિયતનામું કરી શકે છે. આ વસીયતનામું બે સાક્ષીઓની હાજરીમાં કરવાનું હોય છે અને વસીયત કરનાર વ્યક્તિના અવસાન બાદ વસિયતનામું અમલમાં આવે છે. વીલના આ પાયાના તત્વો છે (Ingredient) વીલનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાની જરૂરિયાત નથી. સાદા કાગળ ઉપર પણ થઈ શકે છે.

તાજેતરમાં અમદાવાદના એક વકીલ જાનીએ મને જણાવ્યું કે કાયદેસરનું વીલ છે તેમ છતાં મામલતદાર તે અંગેની નોંધ પાડવા માટે પ્રોબેટ માંગે છે તો આ અંગે માર્ગદર્શન આપવા જણાવ્યું. આ પ્રશ્ન એવો છે કે ઘણા લોકોને વીલથી વસીયતનામાને આધારે મિલ્કત આપી હોય તેવા લોકોને સ્પર્શતો મુદ્દો છે. આ ઉપરાંત આ અંગે ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રિમકોર્ટ સુધી વસિયત અંગેની તકરારો ગઈ છે અને ચુકાદા આવ્યા છે. મહેસૂલી રેકર્ડની હક્કપત્રકની નોંધોને (Record of Rights) લાગે વળગે છે ત્યાં સુધી મહત્વનો સિધ્ધાંત એ છે કે વિરૂધ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી (Unless Contrary Proved) વ્યવહાર માન્ય રાખવાનો છે અને જે પક્ષકારને માલિકી હક્ક અંગે તકરાર હોય તો તે નક્કી કરવાની સત્તા દિવાની કોર્ટને છે એટલે હક્કપત્રકની નોંધોની Presumptive Value માન્યતા આધારિત છે આ પાયાના સિધ્ધાંતો આ લેખને ધ્યાનમાં રાખી કેન્દ્ર સ્થાને છે.

વારસા અધિનિયમ - ૧૯૨૫માં ભાગ-૬ વસિયતી વારસાહક્કના (Testamentary Succession) પ્રકરણ-૨માં વીલ અને કોડીશીલ અંગેની જોગવાઈઓ છે. વીલ અંગે ઉપર જણાવ્યા પ્રમાણેની વ્યાખ્યા છે. કોડીસીલનો અર્થ ફક્ત વીલમાં દર્શાવેલ મિલ્કતની વિગતો અને વીલથી કરેલી વ્યવસ્થાની સમજૂતી આપતું તેમજ ફેરફાર અને ઉમેરો કરતું લખાણ અને તે વીલનો ભાગ બને છે. જ્યારે પ્રોબેટ એટલે વીલ કરનારની એસ્ટેટ મિલ્કતનો વહીવટ પરવાનગી સાથેની અને સત્તા ધરાવતી કોર્ટ (ડિસ્ટ્રીકટ કોર્ટ) દ્વારા આપવામાં આવતું પ્રમાણપત્ર. આ કાયદાની જોગવાઈઓનું વિશ્લેષણ કરીએ તો પ્રોબેટ અંગેની જોગવાઈઓ વારસા અધિનિયમના ચેપ્ટર ચારમાં કરવામાં આવી છે. આમ વસીયતનામું અને પ્રોબેટ બંને અલગ પ્રકારના Instrument છે. પરંતુ પુરક છે (Complimentary) વસીયતનામામાં પણ મિલ્કતના વહીવટ અંગે તેમજ કોને મિલ્કત આપવામાં આવે છે તે વીલની વ્યાખ્યા પ્રમાણે શરતો સંતોષાય તો વીલને પડકારવામાં ન આવે ત્યાં સુધી તેનો અમલ કરવાનો છે એટલે કે જ્યારે સક્ષમ કોર્ટ દ્વારા પ્રોબેટ આપવામાં આવ્યું હોય ત્યારે જ્યાં સુધી પ્રોબેટ આપતો હુકમ રદ ન કરવામાં આવે ત્યાં સુધી વસિયતનું કાયદેસર ગણાય.

આમ પ્રોબેટ કોર્ટનો વસિયતનામાના ખરાપણા અંગે જ સબંધ છે તે મિલ્કતની માલિકી બાબત પ્રશ્ન તપાસી શકે નહી. જો પ્રોબેટની કાર્યવાહી દરમ્યાન મિલ્કતની માલિકી અંગે કોઈ વિવાદ હોય તો પ્રોબેટ / વહીવટીપત્રની કાર્યવાહી ઉપર અસર થતી નથી. પરંતુ કોઈ વ્યક્તિ પ્રોબેટ કે વહીવટીપત્રની કાર્યવાહી અંગે માલિકીની તકરાર લઈ વાંધો લે તો તેણે અલગ રીતે દાવો કરવાનો રહે છે. આમ પ્રોબેટ એટલે વસીયતનામા પ્રમાણે વહીવટ કરવાનું એક પ્રકારનું અધિકારપત્ર ગણાય છે. વસીયતનામા બાદ પ્રોબેટ મેળવવું ફરજીઆત નથી. વસીયતનામામાં કોને મૃત્યુ બાદ મિલ્કત મળવાની છે તે સ્પષ્ટ છે એટલે વસીયતનામા અંગે કોઈ વાંધો કે તકરાર ન હોય તો વસીયત કરનારની ઈચ્છા મુજબ મિલ્કતનો વહીવટ તેમજ અધિકાર પ્રાપ્ત થાય છે. તાજેતરમાં જે વકીલમિત્રે પૃચ્છા કરેલ તે હતી કે તેઓને વીલ આધારે ખેતીની જમીનમાં ગામ દફતરે હક્કપત્રકમાં નોંધ પાડવા બાબતની હતી. આ સંદર્ભમાં પણ હકીકતને મુલવીએ તો વીલ આધારે પ્રોબેટ મેળવ્યા સિવાય પણ હક્કપત્રકે નોંધ પાડી શકાય છે. મહેસૂલી અધિકારીઓને પ્રોબેટ મેળવવાનો આગ્રહ કાયદાની જોગવાઈઓ પ્રમાણે રાખવાનો નથી. સિવાય કે વીલ સામે કોઈને કાયદેસરનો વાંધો હોય અને નોંધ સામે વાંધો હોય તો પક્ષકાર કાયદાની પ્રક્રિયા અનુસરીને વીલના ખરાપણા તેમજ કાયદેસરતા અંગે પડકારી શકે છે. મહેસૂલી અધિકારીઓએ જોવાનું છે કે વીલના આધારે બિનખેડુત વ્યક્તિઓ ખેડુત ન બની જાય તે જોવાનું છે.

સુપ્રિમકોર્ટે વિનોદચંદ્ર કાપડિયા સુરતના કેસમાં મહત્વનો ચુકાદો આપી જણાવ્યું છે કે જે વ્યક્તિ ગણોતધારાની કલમ-૬૩ પ્રમાણે ખેતીની જમીન ધારણ કરવાને લાયક નથી તે વ્યક્તિ વારસાઈ એટલે કે વીલ અન્વયે પણ ખેડુત ન બની શકે. રાજ્યમાં ગેરકાયદેસર રીતે 'વીલ' આધારે બિનખેડુત વ્યક્તિઓ ખેડુત બની ગયા છે અને આ વીલનું માધ્યમ ગણોતધારાની કલમ-૬૩ ની જોગવાઈઓ નિષ્ફળ બનાવવાના ભાગરૂપે થયું છે એટલે સુરતના ગભેલી ગામના બિનખેડુત વ્યક્તિ વિનોદચંદ્ર કાપડિયા બિનખેડુત - ખેડુત વીલથી થયેલ તે સુપ્રિમકોર્ટે તે વ્યવહાર રદ કરેલ છે અને સમગ્ર દેશ માટે શકવર્તી ચુકાદો આપ્યો છે તેનું સાચા અર્થમાં પાલન રાજ્યના મહેસૂલી અધિકારીઓ કરે તે જરૂરી છે અને રાજ્ય સરકાર પણ ગણોતધારાની કલમ-૬૩માં વીલથી થતા બિનખેડુત - ખેડુત ન થાય તે માટેની ઉપરવટ જોગવાઈ કરતો (overriding effect) કાયદો ઘડે તે જરૂરી છે. જો સાચા વડીલોપાર્જીત ખેડુત હોય અને વીલથી ખેતીની જમીન ખેડુતની તરફેણમાં કરે તો તે કાયદેસર છે અને આવા વીલમાં પ્રોબેટનો આગ્રહ રાખ્યા વગર ગામ દફતરે હક્કપત્રકમાં નોંધ પાડી શકાય છે સિવાય વીલ અંગે કોઈ પક્ષકારે વાંધો લીધો હોવો જોઈએ નહી.

Tags :