પ્રિયા બેનરજીઃ બોલિવુડમાં તો લગ્ન એટલે રાત ગઇ બાત ગઇ

- પ્રતીક કહે છે, 'મેં અમારાં લગ્નમાં પિતા રાજ બબ્બર સહિત આખા પરિવારને આમંત્રણ ન આપ્યું એટલે આખો સમાજ અમારી પર જાણે કે તૂટી પડયો હતો.'
હિન્દી ફિલ્મ જગતનો ઝળહળાટ અને અમીરી વૈભવ સામાન્ય નાગરિકને બહુ બહુ આકર્ષક અને ગમતીલો લાગે છે. જોકે સાવ સાચુકલું ચિત્ર જુદં જ હોય છે. ફોડ પાડીને કહીએ તો ફિલ્મના પડદે રૂપકડાં લાગતાં હીરાહીરોઇનના અને પતિ-પત્ની બનેલાં કલાકારોનાં જીવનના રંગરૂપ કદરૂપાં હોવાનાં ઉદાહરણ પણ મળે છે.
ફિલ્મોમાં સાથે કામ કરતાં કરતાં હીરો-હીરોઇન વચ્ચે લીલુંછમ ઇલુ ઇલુ થઇ જાય.સમય જતાં બંને જીવન સાથી બની જાય. શરૂઆતના દિવસોમાં તો બધું રૂડું રૂડું અને મજેદાર લાગે. બંનેના ચહેરા હસતા રહે . એકબીજાંને મોંઘી અને આકર્ષક ભેટ સોગાદ આપતાં રહે. જોકે એકાદ -બે વર્ષમાં તો બંને વચ્ચેનું પેલું લીલુંછમ ઇલુ ઇલુ કોઇ અદ્રશ્ય અને રહસ્યમય કારણોથી સૂકાઇ જાય.
વાત જાણે એમ છે કે થોડા સમય પહેલાં પ્રતીક સ્મિતા પાટીલે (પ્રતીકે ૨૦૨૫ના માર્ચમાં પોતાનું નામ પ્રતીક પાટીલ બબ્બર બદલીને પ્રતીક સ્મિતા પાટીલ કર્યું છે) ૨૦૨૫ના ફેબુ્રઆરીમાં પ્રિયા બેનરજી નામની અભિનેત્રી સાથે બીજાં લગ્ન કર્યાં છે. પ્રતીક એટલે બોલીવુડના રંગીન મિજાજી રાજ બબ્બર અને આલા દરજ્જાનાં અભિનેત્રી સ્મિતા પાટીલનો દીકરો. આમ તો પ્રતીકે અગાઉ ૨૦૧૯માં ફિલ્મ પ્રોડયુસર સાન્યા સાગર સાથે લગ્ન કર્યાં હતાં. જોકે ગમે તે બન્યું, ફક્ત ચાર જ વર્ષ બાદ પ્રતીક અને સાન્યા બંનેએ છૂટાછેડા લઇ લીધા.
પ્રતીકે તેના બીજાં લગ્નના પ્રસંગે તેન પિતા રાજ બબ્બર સહિત આખા પરિવારને આમંત્રણ આપ્યું નહોતું. પરિણામે પ્રતીકની ઘણી ટીકા -ટીપ્પણી થઇ હતી. અમુક લોકોએ પ્રતીકને સોશિયલ મિડિયા પર જબરો ટ્રોલ કર્યો હોવાના સમાચાર વહેતા થયા હતા. આમ છતાં લોકોની ટીકા -ટીપ્પણી છતાં પ્રતીકની બીજી પત્ની પ્રિયા બેનરજીએ સાફ શબ્દોમાં કહ્યું હતું, અરે હું કાંઇ નવરાધૂપ ટ્રોલર્સની જરાય પરવા નથી કરતી. મારી અને મારા પતિ પ્રતીક સ્મિતા પાટીલના અંગત જીવનમાં દખલગીરી કરનારા તેઓ વળી કોણ છે ?
કેનેડાની નાગરિક પ્રિયા બેનરજી બહુ સાફ શબ્દોમાં કહે છે , ખરું કહું તો બોલીવુડમાં ૯૦ ટકા લગ્ન જીવન બસ, ફક્ત દેખાડો હોય છે. નરી બનાવટ હોય છે. મેં બોલીવુડની અજાણી અને આંતરિક કહેવાતી દુનિયા બહુ સાચી રીતે અને નજીકથી જોઇ હોવાથી જ આવી રોકડી ખણખણતી વાત
કહું છું. પત્ની પ્રિયા બેનરજીની વાતનું સંપૂર્ણ સમર્થન કરતાં પ્રતીક સ્મિતા પાટીલે ટ્વિંકલ ખન્ના(અભિનેતા અક્ષય ખન્નાની પત્ની) એ પોતાના ટોક શો માં કહ્યું હતું , પરણેલાં લોકો રાત ગઇ બાત ગઇ કહેતાં હોય તો તમે સમજી શકો છો કે હકીકત શું છે. બોલીવુડની જૂની પેઢીનાં કલાકારો આવી વાત કહેતાં હોય તો તો હું કેનેડાની નાગરિક તરીકે કહીશ કે અહીં તો લોકો લગ્ન જેવા પવિત્ર સંબંધને મજાક સમજે છે.લગ્ન કાંઇ પોતાની સામાજિક પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને ન કરાય.
પ્રતીકે પણ સમજદારીપૂર્વકની વાત રજૂ કરતાં કહ્યું હતું કે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે કોઇ બીજી વ્યક્તિ સાથે દગો કરવો, બેવફાઇ કરવી, એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે સંબંધ રાખવો વગેરે જાણે કે આજના નવા જમાનાની ફેશન છે. ઘણા પુરુષ પત્ની અને ગર્લફ્રેન્ડ ,એમ બંને સંબંધ રાખતા હોય છે. આ વ્યવહાર જરાય યોગ્ય નથી.
જાને તુ યા જાને ના (૨૦૦૮) ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરીને ધોબીઘાટ, દમ મારો દમ, આરક્ષણ, એક દિવાના થા, ઇશ્ક, બાગી -૨, મુલ્ક, સિકંદર વગેરે ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવનારા પ્રતીક સ્મિતા પાટીલ ખુલાસો કરતાં કહે છે, મેં મારાં લગ્ન (બીજાં) પ્રસંગે પિતા રાજ બબ્બર સહિત આખા પરિવારને આમંત્રણ નહીં આપવાનો નિર્ણય કર્યો ત્યારે મારા અને મારી પત્ની પ્રિયા બંને પર આખો સમાજ જાણે કે તૂટી પડયો હતો. અમારા પર ચારેય દિશામાંથી આકરી ટીકા -- ટીપ્પણીનાં તાતાં તીરનું આક્રમણ થયું હતું. જોકે અમે શા માટે આવો અણગમતો નિર્ણય લીધો તેનું સત્ય તો મારા સિવાય કોઇ જ જાણતું નથી. અમારી ઉગ્ર ટીકા કરનારાં લોકોને પણ કાંઇ કરતાં કાંઇ ખબર કે જાણકારી નથી. હા, હિન્દી ફિલ્મ જગતનાં બહુ જ ઓછાં લોકોને સાચુકલી વાતની ખબર છે. આમ છતાં જે લોકોએ અમારી પ્રત્યે ભારોભાર નારાજી વ્યક્ત કરી છે તેઓને સમય જતાં સાચી વાતની જાણ પણ થશે અને સમજાશે પણ ખરી. હું તો ત્યાં સુધી કહું છું અમારા જીવનની સચ્ચાઇ ભવિષ્યમાં કોઇ ફિલ્મ કે પુસ્તક અથવા કોઇ ઇન્ટર્વ્યુ દ્વારા બહાર આવશે.
પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત તમિલ ફિલ્મ કીસ(૨૦૧૩)થી કરીને જઝબાં,બાર બાર દેખો, દિલ જો ના કહા સકા, રેઇન, હમેં તુમસે પ્યાર કિતના, ભંવર, અધુરા વગેરે હિન્દી ફિલ્મોમાં જુદી જુદી ભૂમિકાઓ કરનારી પ્રિયા બેનરજી બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, જુઓ, અમને જે કાંઇ અનુભવ થયા છે તેનાથી અમે દંપતિ તરીકે વધુ મજબૂત થયાં છીએ. હા, લગ્ન પહેલાં અમારી જબરી પરીક્ષા થઇ હતી. અમે લગ્નના પવિત્ર સંબંધને હૃદયથી સ્વીકારી શકીએ તેમ છીએ કે કેમ ? અમે પતિ -પત્ની તરીકે સતત સાથે રહી શકીએ છીએ કે કેમ ? વગેરે સવાલ થયા હતા. જોકે અમારા છેવટે અમારા પ્રેમનું ઝરણું ખળખળ વહ્યું અને આજે અમે વ્હાલાં અને પ્રેમાળ યુગલ તરીકે જીવી રહ્યાં છીએ.
પ્રિયા બેનરજી તો ખુશી વ્યક્ત કરતાં કહે છે, ખરું કહું તો હું અને પ્રતીક બંને પતિ-પત્ની તરીકે એકબીજાંને બહુ સારી અને સાચી રીતે સમજી શકીએ છીએ. બસ, વધુ શું જોઇએ ?









