Magazines

જંગલમાં જેલ .

By GS TEAM
21 Nov 20252 mins read
જંગલમાં જેલ                                      .

- દોઢડાહ્યું નટુ શિયાળ બોલ્યું, 'રાજાજી! તમારા નિયમ પ્રમાણે હિંસા કરવાની નથી. તો અમારે શું ભૂખે મરવાનું?' 

- ક્લેરા ક્રિશ્ચિયન

શેરુસિંહ રાજાએ શાંતિ જાળવવાના હેતુથી અદાલતની સ્થાપના તો કરી, પણ ગુનેગારોને પૂરવા ક્યાં? બીરબલ જેવો ચતુર શિયાળ પાસે હોય તો ગમે તેવો પ્રશ્ન તરત ઉકલી જાય.

ઘણી ચર્ચા કર્યા પછી નક્કી થયું કે નાનાંમોટાં પશુપંખીઓ માટે જેલ તો મોટી જ હોવી જોઇએ. ચર્ચાના અંતે જેલના બાંધકામનું કાર્ય હેમુ હાથી, જોરાવર જિરાફ અને કલ્લુ કાગડો એ ત્રણેની ટીમને સોંપવામાં આવ્યું.

હાથીની ટીમ જંગલનાં નકામાં થઈ ચૂકેલાં વૃક્ષ તથા વાંસને પાડવાનું કામ કરવા લાગી. 

જિરાફની ટીમ પાડેલા વૃક્ષની નકામી ડાળીઓ તોડીને તેમાંથી દીવાલ તૈયાર કરવા લાગી. 

કલ્લુ કાગડાની ટીમે તો થાક્યા વિના તારના કટકા શોધી શોધીને ઢગલો કરી દીધો.

ત્યારપછી બે જાડી દીવાલની વચ્ચે ચાર-પાંચ વાંસ બેસાડયા. કાગડાની ટીમ તેને ઝટપટ તારથી બાંધવાનું કામ કરવા લાગી. કામમાં જુસ્સો લાવવા સૌ ગાવા લાગ્યા-

'કામ કરો ભાઈ કામ કરો,

પૂરા મનથી કામ કરો,

કામ કરે તે પામે મેવો,

નહીં કરે તે રહેશે ભૂખ્યો.

હાથી ભાઈઓ દોડી આવો,

લાકડાં ઉંચકી ઉંચકી લાવો,

જિરાફ તેને પકડી રાખો,

કાગડાઓ તમે તાર બાંધો.'

પૂર ઝડપે ઉત્સાહથી કાર્ય થતું જોઇને રાજાને ખૂબ આનંદ થયો.

જેલનો ગેટ પણ બનાવવામાં આવ્યો. ગેટ ઉપર 'ઁિૈર્જહ ર્ક ર્ખિીજા' નું બોર્ડ લગાવી દીધું. 

વિશાળ વડના વૃક્ષ નીચે ન્યાયાધીશ માટે બેઠક બનાવવામાં આવી. આસપાસ કેટલીક પાટલીઓ પણ મૂકવામાં આવી. જેલનું ઉદ્ધાટન પણ શાનદાર રીતે કરવામાં આવ્યું.

અચાનક દોઢડાહ્યું નટુ શિયાળ વચ્ચે બોલ્યું, 'રાજાજી! તમારા નિયમ પ્રમાણે હિંસા કરવાની નથી. તો અમારે શું ભૂખે મરવાનું?' 

રાજાએ કહ્યું, 'અરે, એવું નહીં. કુદરતી રીતે કોઇ મૃત્યુ પામશે ત્યારે તેની જાહેરાત કરવામાં આવશે. બધાંએ ત્યાં પહોંચી જવાનું અને પછી સમૂહભોજનમાં ભાગ લેવાનો. કોઈ દિવસ કોઈ પ્રાણી ન મરે ને જાહેરાત ન થાય તો સૌએ સમજી લેવાનું કે આજે ઉપવાસ કરવાનો છે.'

પોતાને કોઈ મારવાનું નથી, કોઈ અમારો શિકાર કરવાનું નથી તેવી ખાતરી મળવાથી બધાં પ્રાણીઓ આનંદિત થઈ ગયાં. 

હવે નાનાં પશુપંખીઓ વાઘમામા સાથે મસ્તી કરવામાં ડરતા ન હતાં. સસલું, કાચબો, નોળિયો અને વાંદરાનાં બચ્ચાં તો મગરમામાની પીઠ પર બેસીને નદીમાં પ્રવાસ કરતાં.

 બગલા, દેડકાં, માછલાં તો કિનારે આવીને ગેડીદડો રમતા. તેમની ધમાલ અને કિલકારીઓથી વાતાવરણ ગૂંજી ઊઠતું. 

આવાં સુંદર દ્રશ્યોઅને ખાસ તો શાંતિનું વાતાવરણ જોઈને  રાજા શેરુસિંહની તમામ ચિંતાઓ દૂર થઇ ગઈ.