રૂમાં પાકના પલટાતા અંદાજો વચ્ચે ભાવ ઉંચકાયા

- આગામી ચોમાસા પર અલનીનોની અસરની ભીતિ વચ્ચે બજારમાં અજંપો
દેશમાં તથા વિશ્વ બજારમાં કોટન બજાર તથા ટેક્સટાઈલ ક્ષેત્રે તાજેતરમાં સમીકરણો પલ્ટાતા જોવા મળ્યા છે. ઈરાન-અમેરિકાના યુદ્ધની અસર ક્રૂડતેલ બજાર પર પડતાં તેના પગલે પોલીયેસ્ટર યાર્ન તથા સિન્થેટિક યાર્નની બજારમાં પ્રવાહો બદલાતા તેની અસર પણ રૂ તથા સુતર બજાર પર દેખાઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે તાજેતરમાં રૂના ભાવ વધતા જોવા મળ્યા છે. રૂના બજાર ભાવ ખાંડીના (૩૫૬ કિલો) વધી ઉંચામાં રૂ.૬૦ હજાર પાર કરી ગયાના વાવડ મળ્યા હતા. વિશ્વ બજારમાં ભાવ ઉંચકાતાં ઘરઆંગણાની બજાર વિશ્વ બજારને અનુસરતી જોવા મળી છે. વિશ્વ બજારમાં તાજેતરમાં રૂના જુલાઈ વાયદાના ભાવ વધી રતલના ૭૩ સેન્ટની ઉપર જતાં બે વર્ષની ટોચ દેખાઈ હોવાનું વિશ્વ બજારના જાણકારોએ જણાવ્યું હતું. ઘરઆંગણે કોટન કોર્પોરશન ઓફ ઈન્ડિયા દ્વારા પણ ભાવમાં છાશવારે વૃદ્ધી કરાતી જોવા મળી છે. સીસીઆઈ દ્વારા આવી વિવિધ ભાવ વૃદ્ધીમાં ખાંડીદીઠ કુલ આશરે રૂ.૪થી ૫ હજારની ભાવવૃદ્ધી તાજેતરમાં કરાઈ હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.
દરમિયાન, ભારતમાં રૂના વર્તમાન મોસમના પાકનો નવો અંદાજ અગાઉના અંદાજ કરતા હવે ઊંચો મૂકાતો થયાના વાવડ પણ મળ્યા હતા. કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ દેશમાં ૨૦૨૫-૨૬ની વર્તમાન રૂ મોસમમાં પાકનો અંદાજ જે અગાઉ ૩૨૦ લાખ ૫૦ હજાર ગાંસડીનો મૂકાયો હતો તે અંદાજ હવે વધારીને ૩૨૪ લાખ ગાંસડીનો મૂકાયો છે. ૨૦૨૫-૨૬ની પાછલી રૂ મોસમમાં દેશમાં રૂનું ઉત્પાદન આશરે ૩૧૨થી ૩૧૩ લાખ ગાંસડી થયું હતું. દરમિયાન, વર્તમાન રૂ મોસમમાં હવે મહારાષ્ટ્રમાં રૂનો પાક અગાઉના અંદાજ કરતા વધુ આવવાની શક્યતા બતાવાતી થઈ છે જ્યારે ગુજરાત તથા મધ્ય પ્રદેશમાં રૂનું ઉત્પાદન અગાઉના અંદાજ કરતા હવે ઓછું થવાની શક્યતા વચ્ચે કુલ પાકનો અંદાજ હવે બદલાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા. મહારાષ્ટ્રમાં ૨૦૨૪-૨૫ની પાછલી મોસમમાં રૂનું ઉત્પાદન આશરે ૯૧ લાખ ગાંસડી થયું હતું. દેશમાં રૂનું ઉત્પાદન કરતા વિવિધ વિસ્તારો તથા રાજ્યોના આશરે ૨૦થી ૨૧ પ્રતિનિધિઓની તાજેતરની મળેલી મિટિંગમાં હવે રૂના ઉત્પાદનના નવા અંદાજાઓ બહાર પાડવામાં આવ્યા હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. ગુજરાતમાં આ વર્ષે રૂના પાકનો પ્રાથમિક અંદાજ ૭૫ લાખ ગાંસડીનો મૂકાયો હતો તે અંદાજો હનો ઘટાડી ૭૨ લાખ ગાંસડીનો કરાયો છે. ગુજરાતમાં પાછલી મોસમમાં રૂનો પાક ૭૭ લાખ ગાંસડી આવ્યો હતો.
દરમિયાન, મધ્ય-પ્રદેશમાં આ વર્ષે રૂના ઉત્પાદનનો અંદાજ જે અગાઉ ૧૮ લાખ ગાંસડી મૂકાયો હતો તે હવે ૧૭.૫૦ લાખ ગાંસડી મૂકાયો છે. મધ્ય પ્રદેશમાં ગયા વર્ષે રૂનો પાક ૧૯ લાખ ગાંસડી નોંધાયો હતો. દરમિયાન, પંજાબ, હરિયાણા તથા રાજસ્થાન મળીને નોર્થ ઝોનમાં રૂના આ વર્ષના પાકનો અંદાજ ૨૯ લાખ ગાંસડી બતાવાયો છે જ્યારે સેન્ટ્રલ ઝોનમાં આ અંદાજ ૧૯૪.૫૦ લાખ ગાંસડી તથા સાઉથ ઝોનમાં ૯૫ લાખ લાખ ગાંસડીનો બતાવાયો છે. દરમિયાન, ૨૦૨૫-૨૬ની રૂની નવી મોસમ જે ગયા વર્ષે ઓકટોબરમાં શરૂ થઈ હતી તેમાં માર્ચ અંત સુધીમાં રૂની આશરે ૨૯૨થી ૨૯૩ લાખ ગાંસ ડી નવા માલોની આવકો બજારમાં આવી ગઈ હોેવાનું અનુમાન નિષ્ણાતો બતાવી રહ્યા હતા. દરમિયાન, ભારતમાં હાલ ઉનાળો સખત બન્યો છે. ત્યારે આગામી ચોમાસાની આગાહી પણ શરૂ થઈ છે તથા દેશમાં આગામી ચોમાસા પર અલ-નીનોની અસર દેખાશે તથા વરસાદ નોર્મલ કરતા ઓછો આવવાની આગાહી જાણકારો કરતા થયા છે.








