ભોજન માટે મહેમાન ઘેર પધારે તે પૂર્વેની તૈયારી

કેટલીક બાબતો એવી હોય છે, જેમનો અનુભવ આપણને મહેમાનો આવી ગયા પછી જ થાય છે અને ત્યારે આપણે વિચારીએ છીએ કે, 'આપણે પહેલા આ બધાનું ઘ્યાન કેમ ન રાખ્યું? ભવિષ્યમાં આ બાબતનું ધ્યાન ચોક્કસ રાખીશું.' પરંતુ દરેક વખતે એનું એ જ પરિણામ આવે છે.
આથી તમે જ્યારે મહેમાનોને પાર્ટી માટે ઘેર બોલાવો, ત્યારે સૌ પ્રથમ નીચે લખેલી બાબતો પર અવશ્ય ઘ્યાન આપો.
* સૌ પ્રથમ તો ભોજનમાં જે જે બનાવવાનું હોય તે વાનગીઓની સૂચિ લગભગ એક અઠવાડિયા અગાઉ અથવા શક્ય તેટલી વહેલી તૈયારી કરી નાંખો.
* જો તમે નોકરી કરતાં હો તો સૂચિ બનાવ્યા બાદ તરત જ બજારમાંથી બધી જરૂરી સામગ્રીની ખરીદી કરી નાખો તે વધારે સારું રહેશે, કેમ કે કદાચ કોઈ વસ્તુ બજારમાં ન મળે, તો એ મેળવવા માટે તમારે હેરાન થવું પડે અથવા મેનુમાં ફેરફાર કરવો પડે.
* તમારું કાર્ય માત્ર રસોઈ બનાવીને જમાડી દેવાથી જ પતી જતું નથી. રસોડું સ્વચ્છ રાખવાનું અને તેમાં દરેક ચીજ વ્યવસ્થિત ગોઠવીને રાખવાનું કામ પણ તમારું જ છે. આથી રસોઈ તૈયાર થઈ ગયા બાદ તરત જ રસોઢું સાફ કરી નાખો.
* આવનાર મહેમાનોની સંખ્યા તો તમે જાણતા જ હશો, આથી ડિશો તથા ચમચીઓની વ્યવસ્થા ગણીને કરી નાખવી, જેથી જમતી વખતે તે ઓછી ન પડે.
* ભોજન પછી જો સ્વીટ ડિશ કેડેઝર્ટડીશ રાખી હોય અને તે ચમચીથી ખાવા માટેની હોય, તે માટે પણ જુદી ચમચીઓ રાખો.
* બાળકો જમતાં જમતાં વચ્ચે પાણી માગે જ છે અને ટેબલ પર પાણી ઢોળે પણ છે, આથી એક મોટા જગમાં પાણી ભરીને રસોડામાં અથવા ડાઈનિંગ ટેબલ પાસે ઊંચા સ્કૂલ ૫૨ ગ્લાસ સાથે રાખી મૂકો.
* વૉશ બેઝિન પાસે નવો સાબુ અને સ્વચ્છ નેપકિન અવશ્ય રાખો.
* મીઠું, મરચું, લીંબુ વગેરે અગાઉથી જ ટેબલ પર ગોઠવી રાખો.
* જો જમીન પર ગાલીચો બિછાવેલો હોય, તો ભોજન પીરસતા અગાઉ તેના પર ચાદર પાથરી દો, જેથી ગાલીચો ગંદો ન થાય. અથવા ગાલીચો વાળી એકબાજુએ મૂકી દો.
* આજકાલ બુફે પઘ્ધતિથી એટલે કે ઊભા- ઊભા જમવાનું પ્રચલન વધારે છે, તેમ છતાં મહેમાનો બેસી શકે એ માટે થોડી ખુરશીઓની વ્યવસ્થા પણ જરૂર કરો. ઘરમાં મીની પાર્ટી રાખી હોય ત્યારે આવી સગવડ જરૂરી બને છે.
* ભોજનમાં માત્ર ચારેક વાનગીઓ બનાવી નાખવી એટલું જ પૂરતું નથી, પરંતુ એ વાનગીને કેવી રીતે પીરસવામાં આવે છે અને આસપાસનું વાતાવરણ કેવા પ્રકારનું છે, તેનો પણ આવનાર મહેમાનો પર પ્રભાવ પડતો હોય છે.
* તમારી કામગીરી એવી રીતે ગોઠવો, જેથી મહેમાનોને બોલાવ્યા હોય તે સમયથી બે કલાક અગાઉ તમારું બધું કાર્ય પૂરું થઈ ગયું હોય.
* સ્વચ્છ, આકર્ષક રીતે સજાવેલું ટેબલ અને જરૂર મુજબની દરેક વસ્તુ મૂકેલી હોય, તમે પણ જો મેલી-ગંધાતીસાડીમાં અસ્તવ્યસ્તવાળ રાખી થાકેલા ફરતા હો, તો બધી સાજસજાવટ પર પાણી ફરી વળે છે. આથી મહેમાનો આવે તે અગાઉ તમે તથા ઘરનાં બધા સભ્યો સ્વચ્છ, વ્યવસ્થિત તૈયાર થયેલાં અને સ્ફતલા દેખાવ તે જરૂરી છે.
* એલચી, વરિયાળી, સોપારી વગેરે મુખવાસ માટેના ડબ્બામાં અગાઉથી જ કાઢી રાખો પાછળથી મહેમાનો માગે ત્યારે ડબ્બો શોધવા બેસવું, એ ઘણું ખરાબ લાગે છે. તમને ઘરમાં મુખવાસ ખાવાની ટેવ ન હોય તો પણ મહેમાનો માટે મુખવાસની વ્યવસ્થા જરૂર કરો.
* જો બાળકો ખૂબ નાનાં હોય, તો પહેલાં બાળકોને ભોજન કરાવી લેવાની વ્યવસ્થા કરો.
* આમ કરવાથી તમે પણ બધાં મહેમાનોની સાથે બેસીને શાંતિથી ભોજન કરી શકશો, વ્યર્થ દોડધામ કરવામાંથી રાહત અનુભવશો.








