અનાજ બજારમાં પલ્ટાતા સમીકરણોઃ ઘઉં કરતાં મકાઈના ભાવમાં બોલાતા થયેલા પ્રિમિયમો!
- ઉભી બજારે ઃ દિલીપ શાહ
- આવા માહોલમાં પશુઆહાર તરીકે હવે મકાઈના વપરાશમાં પીછેહટઃ વિશ્વબજારમાં પાકિસ્તાનની વધેલી હરીફાઈ
દે શમાં વર્ષો અગાઉ વિવિધ અનાજનું ઉત્પાદન ઘરઆંગણે મર્યાદિત થયું હતું અને સામે માગ વધુ રહેતાં એ દરમિયાનના ગાળામાં દેશમાં દરીયાપારથી અનાજની આયાત કરવી પડતી હતી. જોકે ત્યારબાદ હરીયાળી ક્રાંતિ શરૂ થતાં ઘરઆંગણે અનાજનું ઉત્પાદન વધતાં આયાત પર આધાર ઉત્તરોત્તર ઘટતો જોવા મળ્યો હતો અને ત્યાર પછી એવી સ્થિતિ પણ સર્જાઈ હતી જ્યારે આપણે આયાતના બદલે નિકાસ કરતા થઈ ગયા હતા. આ દરમિયાન ઘરઆંગણે ઘઉં- ચોખા ઉપરાંત જુવાર, બાજરી, મકાઈ, જવ વિ. જેવા બરછટ ગણાતા ધાન્યોના ઉત્પાદનમાં પણ ખાસ્સી વૃધ્ધિ જોવા મળી હતી. આ પૂર્વે જુવાર, બાજરી, મકાઈ વિ. જેવા ધાન્યો ગરીબોનું અનાજ તરીકે ઓળખાતા હતા પરંતુ હવે સમીકરણો અને હવે દરેક વર્ગ ઘઉં- ચોખા ઉપરાંત મકાઈ, જુવાર, બાજરી વિ.નો છૂટથી વપરાશ કરતો થઈ ગયો છે એવું અનાજ બજારના સૂત્રોએ જણાવ્યું હતું. મકાઈનો વપરાશ તો વિશ્વભરમાં દરેક દેશોમાં વ્યાપક પ્રમાણમાં તાજેતરમાં વધ્યો છે તથા મકાઈના વૈશ્વિક બજારોમાં વેપારો પણ નોંધપાત્ર થતા જોવા મળ્યા છે. મકાઈના વપરાશ માનવ વપરાશ ઉપરાંત પશુ આહાર તરીકે પણ નોંધપાત્ર વધ્યાના નિર્દેશો મળ્યા છે.
દરમિયાન, અનાજ બજારમાં દેશમાં તાજેતરમાં એક અનોખી ઘટના પણ જોવા મળી છે. દેશના ઘણા બજારોમાં તાજેતરમાં ઘઉંના ભાવ કરતાં મકાઈના ભાવ ઉંચા ટ્રેડ થતા જોવા મળ્યા છે. દાયકામાં આવી ઘટના પ્રથમવાર જોવા મળી હોવાનું અનાજ બજારના પીઢ જાણકારોએ જણાવ્યું હતું. મકાઈ કરતાં ઘઉંના ભાવ નીચા દેખાતાં માગના સમીકરણો પણ બદલાતા જોવા મળ્યા છે. આના પગલે મકાઈમાં રહેતી અમુક માગ ઘઉં તરફ વળતાં ઘઉંમાં ઘરઆંગણે તથા દરીયાપાર નિકાસ વેપારોમાં વૃધ્ધિ જોવા મળી છે. ભારતના ઘઉંમાં દરીયાપારની નિકાસ હવે પશુઆહાર તરીકે પણ થતી જોવા મળી છે. આવા હેતુસર ભારતના ઘઉંમાં તાજેતરમાં ઈન્ડોનેશિયાએ માલની ખરીદી કર્યા પછી હવે નવા નિર્દેશો મુજબ વિયેતનામના બાયરોએ પણ આવા હેતુસર ભારતના ઘઉં ખરીદવામાં રસ બતાવ્યાના સમાચર બહાર આવ્યા છે. આવા માહોલમાં દેશમાંથી ઘઉંની કુલ નિકાસ આશરે ૨૦ લાખ ટન જેટલી થવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા છે. તાજેતરમાં અમેરિકાના વાયદા બજારમાં મકાઈના ભાવ બુશેલદીઠ ૬.૬૫થી ૬.૭૦ ડોલર આસપાસ (આશરે ટનદીઠ રૂ.૧૯૬૦૦) જોવા મળ્યા હતા તેની સામે ત્યાં ઘઉંના વાયદાના ભાવ બુશેલના આશરે ૬.૨૫થી ૬.૩૦ ડોલર (આશરે ટનદીઠ રૂ.૧૭૨૦૦) આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા. ત્યાં બજારમાં આવી સ્થિતિ આ પૂર્વે છેક ૨૦૧૧ના જૂન મહિનામાં દેખાઈ હતી. આમ આશરે એક દાયકા પછી બજારે આવી ચાલનું પુનરાવર્તન કર્યું હોવાનું વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું. ઘરઆંગણે દક્ષિણ ભારતથી મળેલા સમાચાર મુજબ પશુ આહાર તરીકેના વપરાશમાં ગ્રાહકોને મકાઈના ભાવ ટનના આશરે રૂ.૨૨ હજાર જેવા નીચા ચુકવવા પડી રહ્યા છે તેની સામે આવા હેતુસર ખરીદાતા ઘઉંના ભાવ આશરે ટનદીઠ રૂ.૧૯૫૦૦ જેટલા ચુકવવા પડી રહ્યા છે. આવા માહોલમાં દક્ષિણના ઘણાં બાયરોએ તાજેતરમાં આવા હેતુસર ઉત્તર પ્રદેશમાંથી આશરે પાંચ હજાર ટન ઘઉંની ખરીદી કરી હોવાના સમાચાર મળ્યા છે. ઘઉંના સરકારના ઓપન માર્કેટ સેલ (વેંચાણ)માં પણ આ પ્રકારના ગ્રાહકો હવે આવવાની શક્યતા સર્જાઈ છે.
દરમિયાન, મકાઈના વિશ્વબજારમાં ભારત સામે પાકિસ્તાનની હરીફાઈ પણ તાજેતરમાં વધી છે. મકાઈની નિકાસ બજારમાં પોતાનો હિસ્સો વધારવા પાકિસ્તાન પ્રયત્ન કરી રહ્યું છે. પાકિસ્તાનમાં આ વર્ષે મકાઈનું ઉત્પાદન આશરે ૭થી ૮ ટકા જેટલું વધ્યું છે અને તેના પગલે મકાઈની આશરે દસ લાખ ટન જેટલી નિકાસ કરવા ત્યાંની સરકારે ટારગેટ બનાવ્યાના સમાચાર મળ્યા છે. વિશ્વબજારમાં ભારત કરતાં પાકિસ્તાન ટનદીઠ આશરે ૧૫થી ૨૦ ડોલર ઓછા ભાવોએ મકાઈ ઓફર કરી નિકાસ વધારવા પ્રયત્ન કરી રહ્યું છે. ભારતમાં મકાઈ નિકાસકારોને મલેશિયા, વિયેતનામ, શ્રીલંકા, બાંગ્લાદેશ વિ. ખાતે પશુ આહાર તરીકેની મકાઈની નિકાસ માટેના આશરે ચાર લાખ ટનના સોદા તાજેતરમાં કર્યા છે. વિશ્વબજારમાં મકાઈના ભાવ ૨૦૨૧ના વર્તમાન કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીના ગાળામાં આશરે ૩૦થી ૩૫ ટકા જેટલા વધી ગયા છે. વિશ્વબજારમાં બ્રાઝીલની મકાઈના ભાવ બાર મહિનામાં આશરે ૬૦થી ૬૫ ટકા વધ્યા છે. જ્યારે અમેરિકાની મકાઈના ભાવ ૮૦થી ૯૦ ટકા ઉછળ્યા છે. ભારતમાંથી મકાઈની નિકાસ ૨૦૨૦- ૨૧ના નાણાં વર્ષમાં વધી આશરે ૨૫ લાખ ટન થતાં છ વર્ષની ટોચ દેખાઈ હતી. જોકે ૨૦૨૧- ૨૨ના વર્તમાન નાણાંવર્ષમાં મકાઈ સામે ઘઉંની હરીફાઈ વધી છે. ઉપરાંત મકાઈના વિશ્વબજારમાં પાકિસ્તાનની હરીફાઈ પણ વધી છે. જોકે આપણા કરતા પાકિસ્તાનની મકાઈ ગુણવત્તામાં ઉતરતી કક્ષાની આવી રહી હોવાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ છે. ભારતમાં મકાઈનું ુઉત્પાદન વધી ૩૦૨થી ૩૦૩ લાખ ટન થળાનો અંદાજ તાજેતરમાં વ્યક્ત થયો હતો. સરકારે મકાઈના ટેકાના ભાવ તાજેતરમાં વધારી કિવ. દીઠ રૂ.૧૮૮૦ જાહેર કર્યા છે. પાકિસ્તાનમાં મકાઈનું ઉત્પાદન ૭૩થી ૭૪ લાખ ટનથી વધી ૮૪થી ૮૫ લાખ ટન આસપાસ થયાના વાવડ મળ્યા છે. ભારતમાંથી આ વર્ષે મકાઈની નિકાસમાં આશરે ૫થી ૬ લાખ ટનનો ઘટાડો થવાની શક્યતા તાજેતરમાં અમેરિકાના કૃષિવિભાગે બતાવી છે. ભારતમાં હવે ઈથેનોલ બનાવવા પણ મકાઈનો ઉપયોગ વધવાની શક્યતા સર્જાઈ છે.