Magazines

નવરાત્રિમાં વ્રત - ઉપવાસ કરતી ગર્ભવતી મહિલાઓ લે આ કાળજી

By GS TEAM
22 Sep 20252 mins read
નવરાત્રિમાં વ્રત - ઉપવાસ કરતી ગર્ભવતી મહિલાઓ લે આ કાળજી

શક્તિના મહાપર્વ નોરતામાં  વ્રત-ઉપવાસનું  વિશેષ  માહાત્મ્ય હોય છે.  અને  હમેશાંથી નવરાત્રિ દરમિયાન  ઉપવાસ  કરવા ટેવાયેલી  યુવતીઓ ગર્ભાવસ્થા  દરમિયાન  પણ ઉપવાસ  કરવાનું  જારી રાખતી  હોય તો તેમણે ચોક્કસ  બાબતે  ખાસ તકેદારી  રાખવી જોઈએ જેથી  તેમને તેમ જ  ગર્ભસ્થ શિશુને કોઈ  હાનિ  ન પહોંચે.  નિષ્ણાતો  કહે છે કે નવરાત્રિમાં  ઉપવાસ  રાખતી.  ગર્ભવતી  સ્ત્રીઓએ  થોડી થોડીવારે કોઈક  સ્વાસ્થ્યપ્રદ  વસ્તુનું  સેવન  કરતાં  રહેવું  જોઈએ જેથી તેમને તેમ જ ગર્ભસ્થ  શિશુને  પોષણ  મળતું રહે. અને  આવા સ્વાસ્થ્યપ્રદ  આહારમાં  કાર્બોહાઈડ્રેટ  હોય તે જરૂરી  છે.

આનું  કારણ  આપતાં તેઓ કહે છે કે શરીરના વિકાસમાં  કાર્બોહાઈડ્રેટ મહત્ત્વની  ભાગ ભજવે  છે.  તે માંસપેશીઓ તેમ જ  મસ્તિષ્કને પૂરતા પ્રમાણમાં  ઊર્જા  પૂરી પાડે  છે.  કાર્બ બે પ્રકારના હોય  છે.  સ્લો અને ફાસ્ટ. તેનો આધાર  ગ્લાઈસેમિક  ઈન્ડેક્સ  પર હોય છે. આ રેટનો અર્થ એ થાય  છે કે કાર્બ આસાનીથી પચી જશે.

ફાસ્ટ  કાર્બમાં  હાઈ જીઆઈ હોવાથી   તે ઝડપથી  ઊર્જા પ્રદાન કરે છે. તે લેવાથી જલદી ભૂખ લાગે છે અને  જે તે વ્યક્તિનું  વજન વધે છે. ફાસ્ટ કાર્બમાં   બ્રેડ, શુગર, સ્ટાર્ચ  વેજિટેબલ,  ફળોનો રસ ઈત્યાદિનો  સમાવેશ થાય  છે. જ્યારે સ્લો કાર્બમાં  જીઆઈ  ઓછું  હોય છે. તે શરીરમાં  ધીમે ધીમે  એનર્જી પેદા કરે છે તેથી પેટ વધુ સમય સુધી ભરેલું રહે છે.  સ્લો કાર્બથી  બ્લડ  શુગરનું સ્તર  સામાન્ય રહે છે.

નોરતાના ઉપવાસ  દરમિયાન  તમે બટેટા, સાબુદાણા જેવી કાર્બોહાઈડ્રેટનું ઊંચુ સ્તર ધરાવતી  વસ્તુઓ  પાલક,  કોબી, ટામેટાં, ભોલર  મરચાં ઈત્યાદિ સાથે લઈ શકો.  તે તળીને  ખાવાના સ્થાને  બેક,  રોસ્ટ કે ગ્રીલ  કરીને લઈ શકાય.  તેના સિવાય  કુટીના લોટમાં  પુષ્કળ  પ્રમાણમાં  પ્રોટીન,  વિટામીન બી કોમ્પ્લેક્સ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન અને ઝિંક  હોય છે. તમે  પુરીના   સ્થાને રોટલીખાઈ શકો.

ઉપવાસ  દરમિયાન  સગર્ભા સ્ત્રીઓ  સામો,  સાબુદાણાના વડા, પોટેટો ચિપ્સ પણ લઈ શકે. મખાણાની ખીર પણ અત્યંત  પૌષ્ટિક  ગણાય છે. તેવી જ રીતે મોસમી ફળો, શાકભાજી,  સુકો મેવો  ઈત્યાદિ  થોડી  થોડીવારે  લેતાં રહેવું  જોઈએ.