સગર્ભા સ્ત્રીઓએ અચૂક રાખવા જેવી કાળજી

વિશ્વમાં વિજ્ઞાન ટેક્નિકે તમામ વિકાસ સાથે માનવજીવન સુખમય બને તે માટે સતત શોધ ચાલુ રાખી છે. વિજ્ઞાનના કારણે વિશ્વમાં બાળ મરણો અટક્યાં છે. દિન પ્રતિદિન લોકો વધુ સુખમય જીવન જીવી શકે તે માટે પ્રયત્નશીલ છે. તાજેતરમાં અલ્ટ્રાસાઉન્ડ અને અન્ય પધ્ધતિઓ વડે વૈજ્ઞાનિકોએ ગર્ભમાંના બાળકોને તપાસ્યાં છે. એ તપાસમાંના કેટલાક મુખ્ય તારણો જ જનસમાજ સમક્ષ મૂક્યાં છે. સગર્ભા સ્ત્રીઓ કાળજી રાખી બાળકના હિતમાં વિચાર કરી અમલમાં મૂકે તો ભાવિસંતાન સ્વસ્થ રહે.
* ગર્ભમાં બાળકોને અનેકવિધ અનુભવો થાય છે જે એના ભાવિ જીવનને ઘડે છે.
* છેલ્લા દહાડાઓમાં તે બહારની દુનિયાની વાતોને સાંભળે છે, સ્ત્રી અને પુરુષના અવાજનો ભેદ પારખી શકે છે.
* છેલ્લા દહાડાઓમાં તે માતાની લાગણી, સંવેદના સમજી શકે છે.
* બાળક માતાના હૃદયના ધબકારા, ફેફસાંની ધમની અને પાસેથી પસાર થતા ખોરાકના અવાજને સાંભળે છે. એ પંદર અઠવાડિયાનું થાય ત્યારથી સાંભળવાનું શરૂ કરે છે.
* માતાના અવાજ, ઢબ, આરોહ-અવરોહને જાણે એ પચાવી લે છે! પરિણામે જન્મ થયા બાદ ઘણા બધા અવાજોમાંથી તે માતાના અવાજને તરત ઓળખી કાઢે છે.
* માતાની અન્ય સાથેની વાતોમાંથી તે ભાષાના સ્વર-વ્યંજન અને ઢાળ સમજવાં માંડે છે.
* ૩૨ થી ૩૪મું અઠવાડિયું થયા બાદ અવાજની દિશામાં એ ગર્ભમાં રહ્યું રહ્યું માથું ફેરવે છે.
* અજાણ્યા અવાજોથી એ ચોંકે છે.
* પિયાનો -કોરલનું સંગીત બાળક માટે ગર્ભમાં ઘણું આરોગ્યપ્રદ છે.
* વિકસેલા ગર્ભને પેટ પરથી દબાવશો તો તેના પર તરત બળનું દબાણ આવશે. એને રહેવા માટે જગ્યા ઓછી થાય છે તેથી બહારનું દબાણ એની જગ્યાને વધારે ઓછી કરે છે.
* ગર્ભમાં ૨૫ અઠવાડિયાં બાદ બાળકની પાંપણ ખૂલે છે અને માતાના પેટ પરની ચામડીમાંથી આવતા ઝાંખા પ્રકાશને તે જોવા માંડે છે.
* ગંધવાળા (સુગંધી કે દુર્ગંધી) ખોરાકની ગંધ લોહી દ્વારા બાળક સુધી પહોંચે છે. ખાસ કરીને ખોરાક માટેની ગંધની. એના ભાવિ જીવનની રુચિ, અરુચિ આ ગંધથી નક્કી થાય છે. ગર્ભમાં જે ગંધ એને મળે છે તેવી ગંધવાળા ખોરાક પરત્વેની રૂચિ તેના જીવન દરમિયાન એને વધારે હોય છે.
* બાળક ગર્ભમાં છ મહિનાનું થયા બાદ અંગૂઠા ચૂસે છે. આમ કરીને તે શરીરની ચામડીને સમજે છે. એની જીભ ચામડીના ગુણધર્મ સમજવા માંડે છે. ભાવિ જીવનમાં ચુંબન અને અન્ય રીતે ચામડી ચાટવામાં માણસને પ્રાણીમાત્રને મળતા આનંદનું રહસ્ય અહીં પડેલું છે. અલબત્ત, હોઠ પર પ્રમાણમાં વધારે જ્ઞાનતંતુઓ પણ ચુંબનના આનંદને વધારે છે. અંગૂઠા ચૂસવાની ટેવ અને બહાર નીકળીને તરત ધાવવા માટેની પૂર્વ તાલીમ બને છે. આનંદ, શોક, ગુસ્સાને બાળક ગર્ભમાં એને મળતાં લોહીમાં થતા ફેરફાર દ્વારા સમજે છે. એ સમજીને પ્રતિભાવ આપે છે.
* બાળકને ગર્ભમાં અંગૂઠા ઉપરાંત માતાની ગર્ભનાળ પણ રમવાનું મજાનું સાધન છે. એ ગર્ભનાળથી ખૂબ રમે છે.
* ગર્ભમાંના બાળક માટે કાળજી, ત્યારબાદ જન્મ પછી ત્રણ વર્ષ સુધી જે માતા-પિતા બાળકના ઉછેરમાં કાળજી રાખીને સિંચન કરે છે, પૂરતું પોષણ આપે છે તે ઘટકો જીવનપર્યત બાળકના વિકાસમાં કામ આવે છે. ખાસ કરીને બુદ્ધિગમ્ય, જ્ઞાન, વિજ્ઞાનના દરવાજા માટે ત્રણ વર્ષ સુધીની ગતિવિધિ અસરકારક છે. ત્રણ વર્ષ સુધી બાળક પ્રત્યેની બેદરકારી બાળકનાં જીવનમાં ક્યારેક અંધકારમય, અવરોધરૂપ પરિબળો તરીકે કામ કરે છે.
માતા-પિતાએ ત્રણ વર્ષ સુધી સતત બાળકની માવજત કરવી જોઈએ. ડોક્ટરની સલાહ મુજબ જ અનુસરવું જોઈએ.








