પ્રતિક ગાંધી: કમ્ફર્ટ ઝોનની કેદ ન જોઈએ

- 'રૉ એજન્ટના મગજમાં હમેશાં યુદ્ધ ચાલતું રહે છે. તેને ડગલે ને પગલે કઠિન નિર્ણયો લેવાં પડે છે. મોટા મોટા દાવ લગાડવા પડે છે. તેની નાની સરખી ભૂલ દેશને વિશ્વના નકશામાંથી ગાયબ કરી દઈ શકે છે.'
પોતાની સૌપ્રથમ વેબ સીરીઝ 'સ્કેમ ૧૯૯૨' થી અભિનય ક્ષેત્રે છવાઈ ગયેલા અભિનેતા પ્રતિક ગાંધી તેના પ્રત્યેક પ્રોજેક્ટ સાથે વધુને વધુ ખ્યાતનામ બની રહ્યો છે. તાજેતરમાં જ તેની વધુ એક વેબ સીરીઝ 'સારે જહાં સે અચ્છા' રજૂ થઈ. આ સીરિઝમાં તેણએ રૉ એજન્ટની ભૂમિકા ભજવી છે.
અહીં પ્રતિકે ભજવેલી બે તદ્ન વિરોધાભાસી ભૂમિકાઓની નોંધ લેવી જ રહી. સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે જો કોઈ કલાકાર ચોક્કસ પ્રકારના રોલમાં જામી જાય તો તેને એવા જ પાત્ર ઓફર થયા કરે. પરંતુ 'સ્કેમ ૧૯૯૨' માં હર્ષદ મહેતાની ભૂમિકા ભજવીને રાતોરાત લોકપ્રિયતાના શિખરો સર કરનાર પ્રતિક ગાંધી ફરીથી આ પ્રકારના કિરદારમાં જોવા નથી મળ્યો. તેણે 'મડગાંવ એક્સપ્રેસ' માં કોમેડી કરી જ્યારે 'દો ઔર દો પ્યાર' માં પ્રેમી બન્યો. 'ફુલે' માં સમાજ સુધારક જ્યોતિબા ફુલેની ભૂમિકા ભજવી. અને તાજેતરમાં રજૂ થયેલી વેબ સીરિઝમાં રૉ એજન્ટનું કિરદાર અદા કર્યું અભિનેતા ટાઈપકાસ્ટ થતાં શી રતે બચ્યો તે આશ્ચર્યની વાત ગણાય.
જો કે પ્રતિક સ્વયં આ બાબતે સચેત રહ્યો હતો. અભિનેતા કહે છે કે 'સ્કેમ ૧૯૯૨' પછી હું માત્ર હર્ષદ મહેતાની છબિમાં કેદ ન થઈ ગયો તેના એક કરતાં વધુ કહે છે કે શોમાં મને સહેજ સ્થૂળકાય બતાવવામાં આવ્યો છે. જ્યારે તમે કોઈ રીઅલ લાઈફ વ્યક્તિને પડદા પર ઉતારતાં હો ત્યારે તમારો દેખાવ તેને મળતો આવતો હોવો જોઈએ. મેં હર્ષદ મહેતા જેવા દેખાવા માટે મારું વજન વધાર્યું હતું જેને પગલે હું એકદમ અલગ દેખાતો હતો. પરંતુ શોની રજૂઆત થતાં જ મેં ઝપાટાભેર વજન ઘટાડવા માંડયું. હું તેને માટે ઈન્ટરવ્યૂ આપી રહ્યો હતો ત્યારે તદ્ન જુદો જ દેખાતો હતો. આમ પ્રારંભિક તબક્કે જ મેં પ્રયાસપૂર્વક મારી છબિ ચોક્કસ ચોકઠામાં જકડાઈ ન જાય તેની કાળજી લીધી હતી. ત્યાર પછી મેં અલગ અલગ પ્રકારના પાત્રો પર જ પસંદગી ઉતારી. મારા મતે તમને અન્ય કોઈ ટાઈપકાસ્ટ કરે તેનાથી પહેલા તમે જાતે જ એક ચોકઠામાં પૂરાઈ જવા તૈયાર થઈ જતાં હો છો.
પ્રતિકની શૈક્ષણિક લાયકાત તરફ નજર નાખીએ તો તેણે એન્જિનિયરિંગ કર્યું હતું. વાસ્તવમાં વ્યવસાયે તે એન્જિનિયર અને હૃદયના ઊંડાણથી કલાકાર છે. તે આવા વિવિધ ક્ષેત્રની જુગલબંધી વિશે કહે છે કે હું ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે પહેલી વખત એક નાટકમાં કામ કર્યું હતું. તે વખતે જ હું સમજી ગયો હતો કે મારી અંદર એક અભિનેતા ધબકે છે. વળી મારા પરિવારમાં શિક્ષણ અને કળા હાથમાં હાથ પરોવીને ચાલે છે. મારા કુટુંબીજનો શિક્ષણ અને કળા ક્ષેત્રે સમાંતર રીતે સંકળાયેલા છે. મારા ઘરમાં બધા શિક્ષકો તો છે જ. સાથે સાથે કોઈ ભારતનાટયમ વિશારદ છે તો કોઈ હવેલી સંગીત અથવા શાસ્ત્રીય સંગીતમાં પારંગત છે. હું નાનપણથી જ આ બધું જોતો આવ્યો છું. મને બચપણથી લાગતું કે કળા આપણા જીવનનો ભાગ હોવી જોઈએ. ભલે તે પ્રોફેશન હોય કે ન હોય. આ કારણે જ હું સંગીત, તબલા શીખ્યો. સાથે સાથે રંગમંચ પર કામ કરતો રહ્યો. જ્યારે એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા સ્વયંસ્ફૂરિત હતી. અને મુંબઈ આવ્યા પછી એન્જિનિયરીંગ જ મારી જીવાદોરી બન્યું. આ મહાનગરમાં શરૂઆતમાં ૧૬ વર્ષના સંઘર્ષ દરમિયાન તેને કારણે જ હું ટકી શક્યો. અહીં અભિનય ક્ષેત્રે, ખાસ કરીને ફિલ્મી દુનિયામાં મને કોઈ નહોતું ઓળખતું. મારા શિક્ષણે મને ટકાવી રાખ્યો. હું રંગમંચ પર કામ કરતો રહ્યો. સાથે સાથે રેડિયો, નાટય પઠન, કાવ્ય પઠન, કપેરિંગ પણ કરતો રહ્યો.
પોતાની રૉ એજન્ટની ભૂમિકા વિશે પ્રતિક કહે છે કે રૉ એજન્ટના મગજમાં હમેશાં યુદ્ધ ચાલતું રહે છે. તેને ડગલે ને પગલે કડક અને યોેગ્ય નિર્ણયો લેવાં પડે છે. તેને મોટા મોટા દાવ લગાડવા પડે છે. તેની નાની સરખી ભૂલ દેશને વિશ્વના નકશામાંથી ગાયબ કરી દઈ શકે છે. તેમનું કામ જંગ રોકવાનું છે. અને તેમની ભૂલ યુદ્ધને નિમંત્રણ આપનારી બની રહે છે.








