Get The App

'લસરકો' .

એક મજાની વાર્તા .

Updated: Feb 3rd, 2020

GS TEAM

Google News
Google News
'લસરકો'                    . 1 - image


આ વાર્તામાં સ્ત્રીની અકથ્ય વેદનાની વાત છે. જે વેદના ને સામાજિક રીતે સ્વીકૃત અને નગણ્ય ગણવામાં આવે છે.

''કોણ જાણે કઇ રીતે શબ્દ આકારિત થઇ ગયો મેંલખ્યું સૂરજમુખી ને અજવાળું અજવાળું થઇ ગયું...''

પુરુષ પ્રધાન માનસિકતા સદીઓથી હાવી થઇ એનાં મૂળ ઉંડા રોપી દીધાં છે અને તે એટલી હદ સુધી કે એ સ્વાભાવિક સ્વીકૃત વ્યવસ્થા તરીકે પ્રસ્થાપિત થઇ ચૂકી હોય ત્યારે મને વિચાર આવ્યો કે બોલાતી અને લખાતી ભાષામાં પણ, ઘણા મોટેપાયે પ્રજાસત્તાક માનસિકતા જોવા મળે છે. વ્યાકરણ પણ પુરુષોએ કર્યું હોવું જોઇએ. ત્યારે સ્ત્રીની મહેનત માટે પુરુષાર્થના સ્થાને સ્ત્રીઆર્થ શબ્દ મારા મનમાં આકાર પામ્યો જેને ૨૦૦૮માં એક લઘુકથાનું સ્વરૂપ લીધું અને પછી તે અમારા સંપાદનોનું શીર્ષક પણ બન્યું.

પ્રથમ સંપાદન ૨૦૧૫માં સ્ત્રીઆર્થ પ્રકાશિત કર્યું. સ્ત્રીઆર્થ શબ્દ અને એના દ્રષ્ટિકોણ માટે લાડલી મીડિયા એવોર્ડ મળ્યો. ત્યાર પછી અમારી સફર આગળ ને આગળ વધી. અનેક નવોદિત સ્ત્રી લેખકો જોડાઈ. છેવાડાનાં ગામથી માંડી અને વિદેશોમાં વસતી ગુજરાતી સ્ત્રીઓની પણ વાર્તાઓ પ્રકાશિત થઇ.

અને સ્ત્રી આર્થની અમારી સફર સ્ત્રીઆર્થ - પાર્ટ ચાર (૨૦૧૯) સુધી પહોંચી જેમાં લગભગ ૯૨ સ્ત્રી લેખકોની ૧૫૩ વાર્તાઓ પ્રકાશિત થઈ. મોટાભાગની કલમ તાજી છે પણ તાજગી સભર છે અને સામાજિક નિસ્બત ને ચરિતાર્થ કરતી હોવાનો વિશેષ આનંદ છે.

હવે ગુજરાત સમાચાર દ્વારા 'એક મજાની વાર્તા' વિભાગનું સંપાદન મને સોંપવામાં આવ્યું છે એનો મને અને મારી સૌ સાથી લેખિકાઓને આનંદ છે. વધુ ને વધુ સ્ત્રી લેખકો આમાં જોડાતી રહે અને સ્ત્રીઆર્થની અમારી બહેનોની વાર્તાઓ વાચકો સુધી પહોંચે અને એના પ્રતિભાવ પણ મળતાં રહે એવી આશા.

લે કલમ ને કાગળ, લાગણી હાથ થામી લખાવે

લખ એમાં આપણી વાત, જો તને કોણ બોલાવે !

પ્રતિભાવ માટેનું ઇ મેઇલ એડ્રેસ - pratibhathakker@yahoo.com 

સવારનાં પાન પરથી ઝાકળ ખરે એમ જ એણે અવાજ ન થાય એ રીતે આંસુ ખેરવી નાખ્યાં,

આમ પણ આંસુનો અવાજ તો ક્યાંથી આવે ? એ અવાજ તો ભીતરને ભીતર જ ગૂંગળાય જાય. 

જેમ એની પીંછી અને રંગોને ભીતર ધરબી દીધાં હતાં. એ કેટલા સરસ ચિત્રો દોરતી અને રંગોની દુનિયામાં વસતી પણ હવે લગ્ન પછી કેમ જીવવું એ પતિ દ્વારા તૈયાર કરાયેલી ડીઝાઈનર ફ્રેમમાં જાણે કે, એને મઢી દેવામાં આવી હતી.  એની ક્ષણે ક્ષણનો  હિસાબ લેવામાં આવતો. એની ચિત્રકલા તો  ક્યાંક વિચિત્ર રીતે ગૂમ થઇ ગઈ હતી. નોકરીનાં કલાકોમાં એ થોડી હળવાશ અનુભવતી .

દિવસ-રાતની જમા થયેલી ખારાશ આંખ સુધી આપમેળે પહોંચી જતી અને આંખ તરતજ એની ચાડી  ફૂંકી  દેતી ... લોકો તો કોઈ દ્રશ્ય ન જોવું હોય તો આંખ મીંચી દે છે પણ એને તો બંધ આંખમાં પણ ફરી એજ ગંધ ... ઓહ... થોડાં દિવસ પહેલાંની રાતનું એ દ્રશ્ય જાણે ફરી ફરી ભજવાતું હોય એવું લાગે છે. કાકાની અંતિમ ક્રિયા પતાવી એ પાછી ફરી હતી. મુસાફરીનો થાક અને કાકાની વિદાયનું દુખ ... એ થાકી ગઈ હતી.

ઉજાગરાને કારણે પથારીમાં પડતાંજ આંખ મળી ગઈ. ટી.વી. બંધ કરી પતિ બેડરૂમમાં આવ્યો અવાજ પાડી ઢંઢોળી પાસે ખેંચી પણ રિસ્પોન્સ ન મળતાંજ પતિનો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટયો ... એ જાગે કે કંઈ સમજે એ પહેલા જ એના કોમળ અંગો પર જોરદાર ફટકો વાગ્યો. સા ...નખરા વધતા જાય છે. પરણી શું કામ ?  એના પર ગાળોનો વરસાદ કરતો એ તૂટી પડયો. એક બાજુથી વાગ્યાની વેદના અને ઉપરથી ફરજીયાત થતા શારીરિક વિકૃત અડપલા ...  એ અર્ધ બેહોશ હાલતમાં બધું સહન કરતી રહી. અને પતિએ પોતાનું કામ પતાવી દીધું. આ કંઈ પહેલી વાર નહોતું થયું. હવે એને પતિનાં રૂપમાં એક ભયંકર ઓળો જ દેખાતો.

અંધારાની ઓળખ વાળો એ ઓળો એને હવે દિવસે પણ ડરાવતો હોય એવું લાગતું. ક્યારેક એનો હાથ પોતા  પર આક્રમણ કરતો હોય એમ એ થથરી જતી. 

સવારે બાઈનાં હાથમાંથી કોફી લેતાં ધ્રૂજી ગયેલાં હાથની નોંધ લેતી હોય એમ એ બે ભોળી ભોળી આંખો એની સામે સહાનુભુતિથી જોઈ લેતી. બસ આ નજર એને પોતીકી લાગતી. એ ઈચ્છતી કે, એ અહીંજ રહે  પણ એ તો શક્ય જ ન હતું. સમય થયે પતિ નામનો ઓળો  સ-આકાર થઇ રોફ સાથે એના પર હાવી થઇ જતો.

કામ કરતાં કરતાં બંગડીનાં  રણકાર સાથે બાઈ કશુક મધુરું ગીત ગણગણતી હોય છે,  હજુ એ મન ભરી ને સાંભળવા જાય ત્યાં જ જાણે એક ક્ર અવાજ એના દિમાગમાં પડઘાતો. અને આંખમાં મોજા ઉમટી ન આવે એનો પ્રયત્ન ... 

બાથરૂમમાં શાવર ચાલુ કરી સ્વસ્થતા મેળવવાના પ્રયત્નમાં પણ ફરી એજ ....  એ અનિચ્છનીય સ્પર્શની છાપ દૂર થતી જ નથી અને પાણીનાં  પડવાનાં  અવાજમાં પણ એને અટ્ટહાસ્ય જ જાણે સંભળાતું.

કશું બોલ્યા વગરજ અંધારાની ભૂમિકા આવી વિચિત્ર રીતે જાણે ફરી ફરી  ભજવાતી. સ્નેહ, સહાનુભુતિ કે સૌહાર્દ્ર જેવા શબ્દો તો હવે પોતાને પણ ધૂંધળા દેખાવા લાગ્યા હતા 

જલ્દી જલ્દી બહાર આવી કોલેજ જવા માટેની તૈયારીમાં લાગી જાય છે પણ દિલ દિમાગમાં તો બેચેનીએ જાણે ભરડો લીધો હતો. રાતની જાગેલી અને આંસુથી ધોયેલી આંખમાં કાજળ લગાવી સ્વસ્થ દેખાવાની છેતરામણી ક્ષણો સાથે  ફિક્કું હસી પડી..  એ આજના લેકચરનાં પાના ફાઈલમાં ગોઠવે છે, એક ચમકારા સાથે ફાઈલ બંધ કરી પર્સમાં મુકે છે.

રસ્તામાં પણ વિચારોનાં વાદળ તો વરસતાં રહ્યા. આ બધું ક્યાં સુધી ? વિદ્યાર્થી અવસ્થામાં એ કેટલી હિંમતવાળી અને બાહોશ હતી અને હવે ? પોતે વિદ્યાર્થિનીઓને જે ભણાવે છે એ અને પોતાની અંગત જીંદગી .. કોઈ મેળ જ નથી. પરસ્પર વિરોધી બાબત હતી. આ કેવી રીતે અસર કરે ? શું પોતે માત્ર પરીક્ષા લક્ષીજ  વિચારે છે ? કે જીવન લક્ષી ? 

આમ પણ એ આજે પોતાનાં  કામે શહેરથી બહાર જવાનો  હતો. એ મનોમન વિચારી રહી કે કાશ એનું રોકાણ લંબાઈ જાય.

એ કોલેજમાં પ્રવેશતાં જ એક સરસ મજાનું ખુશીનું મહોરું પહેરી લેતી. આ ચારેક કલાક એની જિંદગીનાં એના પોતીકાં લાગતાં. ત્રસ્ત લગ્નજીવન નાં વિચારોને ત્યાં પ્રવેશબંધી  હોય એમ એ પોતાનાં  કામમાં મુક્ત રીતે વ્યસ્ત રહી શકતી. આજે કોલેજનાં વાષકોત્સવની મીટીંગ હતી.

ડીબેટ, એક્ઝીબીશન  અને રેલીમાં ભાગ લેનાર વિદ્યાર્થિનીઓ સાથે વિષયો નક્કી કરવાનાં  હતાં, બે ત્રણ ખાસ વિદ્યાર્થિનીઓ પાસે વિષયોનાં સજેશન પણ મંગાવ્યા હતાં. કોણ કયા વિષયો સાથે ચર્ચામાં જોડાશે, બેનરોમાં કયા સુત્રો મુકવા ? એક્ઝીબીશનની થીમ, ઇનામ વિતરણ વગેરે આયોજન વિચારવાનું હતું.

'લસરકો'(એક મજાની વાર્તા)

મીટીંગ શરુ થઇ અને સાંપ્રત સમસ્યા પર પ્રકાશ પાડતાં વિષયો વિષે અંદરોઅંદર વિચારોની આપ-લે અને સૂચનો ચર્ચાવા લાગ્યાં. વર્તમાન સમાજ અને રાજકારણમાં સ્ત્રીનાં  સ્થાનથી માંડી બળાત્કાર, આત્મહત્યા વગેરે વિષયોનાં સૂચનો થવાં લાગ્યા. એક વિદ્યાર્થિનીએ એક સજેશન મુક્યું કે, મેડમ મેરીટલ રેપ  વિષે ... અને એના પર્સમાં રહેલો  મોબાઈલ વાઈબ્રેટ થયો. હાથમાં લેતા જ જાણે બ્લાસ્ટ થયો 

મેસેજ હતો કે, મારી મીટીંગ કેન્સલ થઇ છે, લેવા આવું છું. એ ધ્રુજી ગઈ અને વિદ્યાર્થિનીઓ તરફ ફરી નો ... બોલવા ને બદલે એક જુસ્સા સાથે  એણે એ વિષયને માન્ય રાખ્યો.પોતાની હિંમતને પોતે જ આશ્ચર્ય સાથે અંદર સમાવી  વિદ્યાર્થિનીઓને ચર્ચા ચાલુ રાખવાનું કહી એણે બહાર આવી અને એ નંબર પર ફોન જોડી એકદમ ધારદાર સ્વરમાં કહી દીધું. લેવા આવવાની જરૃર નથી, મારે મોડું થશે .

અને વિદ્યાર્થિનીઓ સાથે    બેનર ચીતરવા બેસી ગઈ. મુખ્ય બેનરનું કેનવાસ હાથમાં લઇ પતિ દ્વારા થતા બળાત્કારથી પીડિત સ્ત્રી પતિનો સામનો કરે છે એવું ચિત્ર દોરતાં અનાયાશે પીંછી જાણે કે એના દિલમાં બોળીને લસરકા કરતી હોય એમ એ સ્ત્રીની મુખાકૃતિમાં પોતે પ્રતિબિંબિત થઇ રહી હતી ..

- પ્રતિભા ઠક્કર  

Tags :