Magazines

પ્રતીક ગાંધી: આ તો ચક્ર છે, એ તો ચાલ્યા જ કરશે...

By GS TEAM
19 Jun 20252 mins read
પ્રતીક ગાંધી: આ તો ચક્ર છે, એ તો ચાલ્યા જ કરશે...

- 'આઉટસાઇડરને કોને એપ્રોચ કરવો, મળવું કે કામ માગવું એની ગતાગમ નથી હોતી. ક્યાં જઈને ઓડિશન આપવું તે પણ તેઓ જાણતા હોતા નથી'

પ્રતીક ગાંધી એક અનોખો એક્ટર અને વ્યક્તિ છે. આખી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે ફિલ્મોના નબળા બોક્સ ઓફિસ બિઝનેસથી ઊંડી ચિંતામાં છે ત્યારે પ્રતીક આ મામલે ખાસ્સા નિશ્ચિંત છે. ખાસ કરીને એ સંજોગોમાં જ્યારે એમની લેટેસ્ટ રિલીઝ 'ફુલે'નું કલેક્શન જરાય સંતોષકારક નથી,  ત્યારે. બોલિવુડની હાલની મંદીને એક અર્થશાસ્ત્રીની દ્રષ્ટિએ જોતાં પ્રતીક ગાંધી કહે છે, 'કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં પીછેહઠનો આવો તબક્કો આવવાનો જ, પરંતુ પછી કાંઈક નવું બને અને પરિસ્થિતિમાં સારો  બદલાવ આવે. બધું સેટલ થઈ જાય અને ફરી પાછો નવેસરથી મંદીનો તબક્કો આવે. આ એક સાઇકલ જેવું ચક્ર છે, જે આવતું રહે અને જતું પણ રહે. આવું સતત ચાલ્યા જ કરે છે. હું આને આવી રહેલા અનિવાર્ય ફેઝ તરીકે જોઉં છું.'

પ્રતીક એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં વિવિધ માધ્યમોની હાજરી અને કામના વૈવિધ્યને   હકારાત્મક ગણાવે છે. તેઓ કહે છે, 'એક આર્ટિસ્ટ માટે આ એક સારો સમય છે, કારણ કે કામના કેટલા બધા માર્ગો ઉપલબ્ધ છે. કોઈની પાસે એક શોર્ટ ફિલ્મ માટે સ્ટોરી હોય તો એને માટે પણ દર્શકો મળી રહે છે, કારણ કે શોર્ટ સ્ટોરી બતાવવા માટે હવે પ્લેટફોર્મ હાજર છે. અગાઉ એ એક સમસ્યા બની જતી, કારણ કે શોર્ટ ફિલ્મ રિલીઝ કરવા તમારી પાસે કોઈ મીડિયમ નહોતું. હવે તમારી સામે ઘણી બધી તકો છે એટલે જ હું મારા મિત્રોને કહેતો હોઉં છું કે આર્ટિસ્ટ, ડિરેક્ટર કે રાઇટર - બધા માટે સારા દિવસો આવ્યા છે.'

અલબત્ત, પ્રતીક કબુલે છે કે એક્ટર માટે મોટી કમર્ર્શિયલ હિન્દી ફિલ્મોમાં રોલ મેળવવો આજે પણ એક પડકાર છે. 'મુખ્ય પ્રવાહની કમર્શિયલ હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કરવો બહુ જ મુશ્કેલ છે. ઘણા બધા એક્ટર્સનો જમાવડો હોવાથી આ ઇન્ડસ્ટ્રીમાં ગળાકાપ સ્પર્ધા છે. એ ઉપરાંત, ઇન્ડસ્ટ્રીથી મારા જેવા બહારના લોકો માટે તો બહુ જ કઠિન છે, કારણ કે તેઓ કોઈને ઓળખતા નથી. આઉટસાઇડરને કોને એપ્રોચ કરવો, મળવું કે કામ માગવું એની કોઈ ગતાગમ નથી હોતી. તમને એ પણ ખબર નથી હોતી કે ક્યાં જઈને ઓડિશન આપવું.' 

પ્રતીક માટે જોકે  કહેવાનું મન થાય કે એ  એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે હવે જરાય 'આઉટસાઇડર' રહ્યા નથી. ખરું કે નહીં?