Get The App

ચેરીટી કમિશ્નરની ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦ હેઠળ સત્તાઓ, કાર્યો અને ફરજો

Updated: Mar 15th, 2021

GS TEAM


Google News
Google News
ચેરીટી કમિશ્નરની ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ  ૧૯૫૦ હેઠળ સત્તાઓ, કાર્યો અને ફરજો 1 - image


- લોકાભિમુખ માર્ગદર્શન ઃ એચ.એસ.પટેલ IAS (નિ.)

સખાવતી (Charitable), ધાર્મિક, સાર્વજનિક સંસ્થાઓના નિયમન માટે મુંબઈ રાજ્યના સમયમાં આવા પ્રકારની સંસ્થાઓના નિયમન માટે પબ્લીક ટ્રસ્ટ એક્ટ - ૧૯૫૦ ઘડવામાં આવેલ, જે હવે ગુજરાત પબ્લીક ટ્રસ્ટના નામે ઓળખાય છે. રાજાશાહી વખતમાં પ્રગતિશીલ રાજ્યોમાં Religious and Endowment Act, અમલમાં હતો, જેમાં મોટા ભાગે દેવસ્થાન, ધાર્મિક સંસ્થાઓના વહીવટ પૂરતું સિમિત હતું. મહાત્મા ગાંધીજીએ પણ“Trusteeship” એટલે કે વાલીપણાનો સિધ્ધાંત પ્રતિપાદિત કરેલ, એટલે કે સુખી સાધન સંપન વ્યક્તિ સંપતિનું સર્જન કરે, પરંતુ વાલીપણા તરીકે સાર્વજનિક પ્રવૃત્તિઓ અને કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે પણ પ્રદાન કરે, અત્યારના આધુનિક પરિપ્રેક્ષ્યમાં કંપની કાયદા-૨૦૧૩ હેઠળ સી.એસ.આર. 'કોર્પોરેટ સોશીયલ રીસ્પોન્સીબીલીટી' કાનુની રીતે ફરજ લાદવામાં આવી છે જેમાં પણ સાર્વજનિક જનસમુદાયને ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિઓની વિભાવના વ્યક્ત કરેલ છે. મોટાભાગની સંસ્થાઓ સ્થાપવાના ભાગરૂપે કે ઘણીવાર રાજ્ય સરકાર પણ રજીસ્ટર્ડ ટ્રસ્ટ NGO તરીકે રજીસ્ટર્ડ થયેલ હોય તો કલ્યાણકારી પ્રવૃત્તિઓના સંચાલનમાં મંજૂરી આપેલ છે. જેમાં મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. સંસ્થાઓના રજીસ્ટ્રેશન માટે પાયાની બાબત તરીકે બંધારણ તૈયાર કરવામાં આવે છે અને જેમાં જે હેતુ અને ઉદ્દેશ માટે સંસ્થાની નોંધણી કરાવવાની હોય તે મુજબ ટ્રસ્ટનું બંધારણ રચવામાં આવે છે અને ટ્રસ્ટ એક્ટની જોગવાઈઓ મુજબ નોંધણી કરવામાં આવે છે. 

એકવાર સંસ્થાની નોંધણી થાય ત્યારે કાયદા મુજબ એક સ્વાયત સંસ્થા તરીકેની ઓળખ મળે છે. સાથો સાથ સાર્વજનિક સંસ્થાઓએ કાયદાની જોગવાઈઓ મુજબ જવાબદારી પણ નિભાવવાની હોય છે. જેમ કે વાર્ષિક સાધારણ સભા યોજવી, ઑડિટ અને હિસાબો મંજૂર કરવા વિગેરે. આમ લાખોની સંખ્યામાં ધાર્મિક, શૈક્ષણિક, સામાજીક, સાર્વજનિક હેતુ માટે ટ્રસ્ટ અધિનિયમ હેઠળ સંસ્થાઓ નોંધાય છે. પરંતુ સંસ્થા તરીકે તેઓની શું જવાબદારી છે તે ખબર હોતી નથી તેમજ આ કાયદાના અમલીકરણ અને નિયમન માટે મુખ્ય સત્તાધિકારી ચેરીટી કમિશ્નર છે અને તેઓની નિમણૂંક કાયદાની કલમ-૩ હેઠળ રાજ્ય સરકાર કરે છે. જેથી ટ્રસ્ટના સંચાલકો, હોદ્દેદારોએ ચેરીટી કમિશ્નરની સત્તા અને અધિકારો શું છે તે ટ્રસ્ટના સંચાલકોએ જાણકારી મેળવવી જરૂરી છે.

ટ્રસ્ટ અધિનિયમની કલમ-૬૯ હેઠળ ચેરીટી કમિશ્નરની ફરજો, કાર્યો અને સત્તાની જોગવાઈ કરવામાં આવી છે તે અંતર્ગત સમગ્ર કાયદાની જોગવાઈઓના અમલવારીની જવાબદારી અને તાબાની કચેરીઓના વહીવટ ઉપર દેખરેખ અને સુપરવિઝનની સત્તાઓ છે. ચેરીટી કમિશ્નરના તાબાના ડેપ્યુટી કમિશ્નર અને આસીસ્ટન્ટ કમિશનરના નિર્ણય ઉપરની અપીલો સાંભળવાની અને નિકાલ કરવાની સત્તાઓ છે. એ જ રીતે કોઈપણ સંસ્થાની નોંધણી અંગેની તપાસ તેમના નિયંત્રણ હેઠળના કયા ડેપ્યુટી કમિશ્નર કે મદદનીશ કમિશ્નરને સોપવી તે સત્તા તેઓ ધરાવે છે. 

આમ તો ટ્રસ્ટના ઑડિટ માન્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરી શકે છે. પરંતુ કલમ-૩૩ હેઠળ ચેરીટી કમિશ્નરને એમ લાગે કે, અમુક ટ્રસ્ટના હિસાબોનું ખાસ ઑડિટ કરાવવાની જરૂર લાગે તો તે કરાવી શકે છે. તે જ રીતે ટ્રસ્ટના આવક જાવકના હિસાબોની નકલ  Balance Sheet સાથે સબંધિત ઑડિટર પાસેથી મંગાવી શકે છે. ચેરીટી કમિશ્નર પાસે જે અગત્યની સત્તા છે અને જે મોટા ટ્રસ્ટો છે તેને લાગુ પડે છે તેમાં કલમ-૩૫ અને ૩૬ ખૂબ અગત્યની છે, કારણ કે કલમ-૩૫ હેઠળ ટ્રસ્ટે ધારણ કરેલ પૈસાનું રોકાણ કરવાની મંજૂરી ચેરીટી કમિશ્નર આપે છે. આમાં જોગવાઈઓ એવી છે કે, રીઝર્વ બેંક ઑફ ઈન્ડીયાએ માન્ય કરેલ રાષ્ટ્રીયકૃત બેંક અથવા રાજ્ય સરકારે માન્ય કરેલ સહકારી બેંકોમાં પણ રોકાણ કરવા ચેરીટી કમિશ્નર મંજૂરી આપી શકે છે અને આવા રોકાણથી જે વ્યાજ અને ડિવિડન્ડની રકમ આવે તે ચોક્કસ હેતુ માટે વાપરવું જોઈએ અથવા નક્કી કરેલ ધોરણ મુજબ રોકાણ (Invest) કરવું જોઈએ.

આ કાયદામાં અગત્યની કલમ-૩૬ છે. જેમાં સાર્વજનિક ટ્રસ્ટોએ ધારણ કરેલ મિલ્કતની તબદીલીની મંજૂરી અને આ કલમ હેઠળ ચેરીટી કમિશ્નરની મંજૂરી સિવાય કોઈપણ સ્થાવર મિલ્કતનું વેચાણ (Immoveable Property) ગીરો, વિનિમય અથવા બક્ષીસ અથવા ખેતીની જમીન અથવા બિનખેતીની જમીનનો ભાડાપટ્ટો આપી શકાતો નથી એટલે આ માટે સૌ પ્રથમ તો જે ટ્રસ્ટ નોંધાયેલ હોય તેના ટ્રસ્ટના મિલ્કત રજીસ્ટરે આવી મિલ્કત નોંધાયેલી હોવી જોઈએ. ઘણા ટ્રસ્ટમાં એવુ જોવામાં આવે છે કે, ટ્રસ્ટે મિલ્કત વસાવેલ હોય પરંતુ વિધીગત રીતે ટ્રસ્ટના મિલ્કત રજીસ્ટરે ચડાવેલ ન હોય તો આવી મિલ્કતો સબંધીત જમીન / મિલ્કતના દસ્તાવેજી પુરાવા સાથે આવી મિલ્કતોની નોંધણી કરાવવી ફરજીયાત છે અને જ્યારે ટ્રસ્ટે ધારણ કરેલ મિલ્કતનું વેચાણ કરવાનું હોય કે અન્ય પ્રકારે તબદીલી કરવાની હોય તો પારદર્શક સ્વરૂપે જાહેર હરાજીથી નિકાલ કરવાનો થાય છે. 

આજ રીતે ટ્રસ્ટે ધારણ કરેલ મિલ્કત ઉપર લોન લેવાની હોય તો ગીરો અને જામીનગીરી ઉપસ્થિત કરવા માટે પણ ચેરીટી કમિશનરની મંજૂરી મેળવવાની હોય છે. હવે મહેસૂલ વિભાગે અને ચેરીટી કમિશ્નરે પણ પરિપત્ર કરેલ છે કે અગાઉ દેવસ્થાન તરીકે મંદીરના પુજારી અથવા વહીવટદારો તેમના નામે ચાલતી જમીનોના વેચાણ મંજૂરી વગર કરી દીધેલ અને પાછળથી શરતભંગ ગણવા મહેસૂલ વિભાગે - ૨૦૧૦ માં સુચના આપી છે એટલે મંદીરના દિવેલીયા કે પુજારીને વ્યક્તિગત હેસીયતથી દેવસ્થાનની જમીનો / મિલ્કતો ધારણ કરવાનો હક્ક નથી. જ્યારે ચેરીટી કમિશ્નરની મંજૂરી મિલ્કત વેચવા કે તબદીલ કરવા માંગણી કરેલ હોય અને આવી મંજૂરી નકારવામાં આવે તો તેની સામે ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલ સમક્ષ થઈ શકે છે. 

ચેરીટી કમિશ્નરને કલમ-૩૭ હેઠળ ટ્રસ્ટની કોઈપણ મિલ્કતમાં દાખલ થવાનો / તપાસ કરવાનો તેમજ ટ્રસ્ટીનું કોઈપણ કામનો રેકર્ડ મંગાવવાનો અને તપાસવાનો અધિકાર છે. આજ રીતે ટ્રસ્ટને થયેલા નુકસાનના સબંધમાં તપાસ કરવાની પણ સત્તા છે. આમ ચેરીટી કમિશ્નર સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકેની સત્તાઓ છે એટલે કે ટ્રસ્ટોનું હિત જાળવવાની અને યોગ્ય રીતે વહીવટ થાય તે જોવાનું છે. સાથો સાથ જ્યારે સાર્વજનિક હેતુ માટે નોંધાયેલ ટ્રસ્ટો તેના ચોક્કસ હેતુઓ સિધ્ધ કરવા માટે રચાય છે અને જ્યારે કલ્યાણકારી પ્રવૃત્તિ હાથ ધરાતી હોય ત્યારે આવા ટ્રસ્ટોને ઈન્કમટેક્ષ કાયદા હેઠળ ૮૦ ય્ હેઠળ આવકવેરા કાયદા હેઠળ મુક્તિ મળે છે. તે જ રીતે વિદેશથી ફંડ દાન મેળવવા માટે ભારત સરકારના ગૃહ વિભાગની સુચનાઓને આધીન FCRA હેઠળ રજીસ્ટ્રેશન કરાવી વિદેશી ફંડ પણ દાન સ્વરૂપે મેળવી શકાય છે. આમ ટ્રસ્ટ અધિનિયમ હેઠળ સારા ઉદ્દેશથી કામ કરતી સંસ્થાઓને કાયદા હેઠળ કામ કરવાની સ્વાયત્તતા પણ પ્રાપ્ત થાય છે.

Tags :