Get The App

પોકેટવાળી સલવારની ફેશન

Updated: Oct 14th, 2019

GS TEAM

Google News
Google News
પોકેટવાળી સલવારની ફેશન 1 - image


રેખાને ઓફિસે જવામાં મોડું થતું હતું, તેમાં મોસમનો ડબલ માર. ક્યારેક ખૂબ તડકો તો ક્યારેક ઝરમર. નહાઈને નીકળ્યા પછી પણ પરસેવાથી પૂરું શરીર રેબઝેબ હતું. કેવી રીતે પરસેવો લૂછવો, કેવી રીતે છત્રી પકડવી અને કેવી રીતે બેગ સંભાળવી. ગભરામણ વધી રહી હતી.

બસ, થોડા પૈસા અને મોબાઈલ જ છે પર્સમાં. એક ખિસ્સું હોત તો કેટલી મુશ્કેલીથી બચી શકાયું હોત. પાછા ફરતી વખતે તે પોતાના મનપસંદ બૂટીકમાં ગઈ અને પોતાની સમસ્યાનું સુંદર સમાધાન ડ્રેસ ડિઝાઈનર સામે મૂક્યું. પહેલાં તો તે પણ વિચારમાં પડી ગઈ.

પછી આ સુંદર સૂચન પર તેણે એક દિવસમાં જ ખિસ્સાવાળી સલવાર સીવી દીધી. હવે રેખા પ્રસન્ન હતી. ઓફિસ આવવા-જવામાં તેને મોટા પર્સનો બોજ ઉઠાવવો પડતો નહોતો.

ખરેખર ખૂબ જ આરામદાયક છે ખિસ્સાવાળી સલવાર, હવે તમે જ્યારે પણ નવો સૂટ સિવડાવો, ખિસ્સું અચૂક મુકાવો, કારણ કે તેના અનેક લાભ છે ..........

સલવારમાં ખિસ્સું હોવાથી મોબાઈલ મૂકવો સરળ થઈ જાય છે.

ઘરેથી નીકળતી વખતે તમે થોડાક પૈસા સાથે રાખી શકો છો.

મોર્નિંગ વોક કરતી વખતે તમે ઝડપથી હાથનું હલનચલન કરી શકો છો, કારણ કે તમારા ખિસ્સામાં મોબાઈલ સલામત રહે છે.

ટૂર પર જતી વખતે સામાન સાથે પર્સ ઉઠાવવું ભારે લાગે છે. પરંતુ મજબૂરી છે, રૂપિયા, ટિકિટ અને મોબાઈલ ક્યાં મૂકવા? સલવારનું ખિસ્સું તમને ઘણી રાહત આપશે. 

નાનકડા પર્સમાં ટિકિટ અને રૂપિયા મૂકીને સલવારના ખિસ્સામાં મૂકીને નિશ્ચિત થઈને મુસાફરીનો આનંદ ઉઠાવો.

કડકડતી ઠંડીમાં મોજાં વિના હાથ જકડાવા લાગે છે. આ સ્થિતિમાં સલવારના ખિસ્સામાં પોતાનો હાથ મૂકીને આરામથી બહાર ટહેલવા છતાં હાથ ગરમ રાખી શકો છો.

નાનાં બાળકોને ખોળામાં લઈને ચાલવા અને પર્સ પકડવામાં ખૂબ મુશ્કેલી પડે છે. જ્યારે નાના બાળકને લઈને ડોક્ટર પાસે જાઓ, આ સ્થિતિમાં પણ સલવારનું ખિસ્સું તમારા પૈસા, મોબાઈલ અને ડોક્ટરની ચિઠ્ઠી પોતાની અંદર મૂકીને તમને રાહત આપશે.

ઓફિસ અથવા માર્કેટ જતી વખતે મોબાઈલ અને રૂપિયા ખિસ્સામાં મૂકીને તમે આરામથી જઈ શકો છો.

બાળકોને બસસ્ટેન્ડ પર મૂકવા કે લાવવામાં ખૂબ તકલીફ રહે છે, બાળકોની બેગ, પાણીની બોટલ અને છત્રી પકડવી. આ સ્થિતિમાં મોબાઈલ અને થોડા રૂપિયા માટે પર્સ ઉઠાવવા જ પડે છે. વિચારો, સલવારનું ખિસ્સું તમને કેટલી રાહત આપશે.

ખિસ્સાવાળી સલવાર માત્ર રાહત જ નથી આપતી, પરંતુ સ્માર્ટ લુક પણ આપે છે અને તમે સ્વસ્થ દેખાઓ છે.

તમે કોઈપણ સલવાર સિવડાવો, પટિયાલા, ચૂડીદાર અથવા સિમ્પલ, બધામાં સુવિધાજનક ખિસ્સું મુકાવી શકો છો.

તો કઈ વાતની રાહ જુઓ છો, તમે જાતે સીવી લો અથવા દરજી  પાસેથી ખિસ્સાવાળી સલવાર સિવડાવી લો અને ન્યૂ લુકમાં દેખાઓ. આ એવી સુવિધાજનક સલવાર છે, જેમાં ઉંમરની કોઈ મર્યાદા નથી.

Tags :