પૃથ્વીની જેમ ત્રાંસી ધરીવાળા ગ્રહો
પૃથ્વીની ધરી ૨૩ અંશના ખૂણે નમેલી છે અને તેથી જ પૃથ્વી પર ઋતુઓની વિવિધતા છે. ધરીભ્રમણ કરતા ગ્રહોની ધરીનો ત્રાંસ અસરકારક પરિબળ છે. પૃથ્વીની જેમ અન્ય ગ્રહો પણ ત્રાંસી ધરીવાળા છે. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ ત્રાંસી નહીં પણ તદ્દન ઊભી ધરી સાથે ભ્રમણ કરે છે. ત્યાં બારેમાસ સમાન ઋતુ રહે છે. શુક્ર ૧૨ અંશ અને સૌથી મોટો ગુરુ માત્ર ૩ અંશ નમીને પ્રદક્ષિણા કરે છે. મંગળ અને પૃથ્વીની ધરીમાં સામ્ય છે.
મંગળની ધરી ૨૫ અંશના ખૂણે નમેલી છે. શનિ ૨૬ અંશના ખૂણે. યુરેનસ સૌથી વધુ ૯૮ અંશના ખૂણે રહીને પ્રદક્ષિણા કરે છે. ધરી વધુ નમેલી હોય ત્યાં શિયાળો અને ઉનાળો લાંબા ચાલે. દિવસ રાતના સમયમાં પણ તફાવત પડે. યુરેનસની ધરી ૯૮ અંશે નમેલી છે. ત્યાં દિવસ ૪૨ વર્ષનો હોય છે. પૃથ્વીની ધરી ૨૩ અંશ છે તેના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ઉપર ૬ માસ દિવસ અને ૬ માસ રાત રહે છે. જો પૃથ્વી વધુ નમેલી હોત તો આ સમયગાળો લાંબો હોત.