Magazines

મર્યાદિત ખર્ચ અને સમયમાં યાદગાર સહેલગાહનો આનંદ આપતાં સ્થળો

By GS TEAM
2 Feb 20264 mins read
મર્યાદિત ખર્ચ અને સમયમાં યાદગાર સહેલગાહનો આનંદ આપતાં સ્થળો

૨૦૨૫ની સાલ પૂરી થઈ પરંતુ ઠંડીના દિવસો હજુ બરકરાર છે. તેથી ઘણાં  લોકો સંતાનો સાથે રજાઓ  ગાળવા કોઈક  નિકટના  સ્થળે  જવા  ઈચ્છતા હોય તે  સ્વાભાવિક  છે.   આપણા  દેશમાં  ફરવા લાયક  સ્થળોનો  તોટો નથી.  ભારતમાં થોડાં  દિવસ  માટે અને મર્યાદિત  ખર્ચમાં  ફરવા  જવા  માટેના એટલા બધા સ્થળો  છે કે  ક્યાં જવું  એ  બાબતે  મૂંઝવણ  થઈ પડે.  આજે આપણે આવા કેટલાંક ટુરિસ્ટ પોઈન્ટ્સની  વાત કરીશું.

 જેમને પૌરાણિક સ્થળો જોવામા ંરસ હોય  તેમને માટે કર્ણાટકમાં આવેલું  હમ્પી  શ્રેષ્ઠ  સ્થળ  છે. વર્લ્ડ હેરિટેજ  સાઈટમાં સ્થાન  મેળવનાર પૌરાણિક  નગરમાં  તમને વિજયનગર  શાસનના સંખ્યાબંધ  મંદિરના  ભગ્નાવશેષો  જોવા મળશે.  આ સિવાય  તુંગભદ્રા  નદીના દક્ષિણ  કિનારે સાતમી સદીનું  હિન્દુ મંદિર  વિરૂપક્ષ  પણ જોવાલાયક  છે. તેવી જ રીતે વિઠ્ઠલ મંદિર સામે જોવા મળતો પાષાણમાંથી કોતરેલો   વિશાળ  રથ પૌરાણિક  સ્થાપત્યોમાં  રસ ધરાવનારાઓને  ખૂબ આકર્ષે  છે.

મઝાની  વાત એ  છે કે  અહીંના એક મંદિરમાંથી  બીજા દેવાલયમાં જવા  માટે ટાંગાની  સવારી કરવાની તક પણ મળે  છે.  બાકી  શહેરવાસીઓ  માટે હવે ટાંગા દુર્લભ થઈ ગયાં છે. અહીંની નદીમાં  નૌકાવિહાર  માટે કોકોનટ  બાસ્કેટ  બોટની મોજ પણ માણવા  જેવી  છે.  હમ્પીની  આબોહવા  સામાન્ય  રીતે ગરમ અને સુકી હોય  છે. પણ  ડિસેમ્બરથી  ફેબુ્રઆરી દરમિયાન  અહીં ટાઢ  હોવાથી પ્રવાસ કરવા માટે આ  સમયગાળો શ્રેષ્ઠ  ગણાય  છે. 

પશ્ચિમ  બંગાળમાં  હિમાલયની  તળેટીમાં  આવેલું  દાર્જિલિંગ  હમેશાંથી  પ્રવાસીઓને પ્રિય  રહ્યું  છે. તેમાંય  યુનેસ્કોની હેરિટેજ  સાઈટમાં  સમાવિષ્ટ  થયેલી ૧૮૮૧માં  શરૂ કરવામાં આવેલી અહીંની  ટોય ટ્રેન  પર્યટકોના  આકર્ષણનું  કેન્દ્ર  છે.  ટ્રેકિંગના શોખીનો  માટે અહીંની  ટાઈગર  હિલ ઉત્તમ  સ્થળ  લેખાય  છે. વળી સાહસિકો માટે અહીં પેરાગ્લાઈડિંગ  અને કેયાકિંગ  જેવી એડવેન્ચર  સ્પોેર્ટ્સ  પણ  ઉપલબ્ધ  છે.  સાંડકફૂની  જંગલ  સફારી  તેમ જ ફાલૂટ  અને સિંગાલિલા નેશનલ પાર્ક પણ  પર્યટકો  માટે આકર્ષણના કેન્દ્રો  છે.

ઉત્તરાખંડમાં આવેલું  ઔલી  હિમાલયનું  સ્કી રિસોર્ટ  ગણાય  છે.  શંકુ અને ઓકના  વૃક્ષોેથી  સમૃધ્ધ  ઔલીમાં આવેલું  બદ્રીનાથ  મંદિર  આસ્થાળુઓ  માટે  શ્રધ્ધાનું  સ્થાનક  છે. અહીં  આવેલી  મનમોહક  ફ્લાવર વેલી, સ્નો  લેપર્ડ અને રેડ  ફોકસની  વસતિ ધરાવતા  રાષ્ટ્રીય  ઉદ્યાનો  પર્યટકોને  આકર્ષે  છે. ઔલીની  ટેકરીઓ  પર જવા  કેબલકાર  ઉપલબ્ધ  છે. આ કેબલકાર  ઔલીને જોશીમઠ  સાથે  જોડે   છે. જોકે અહીંની  હોટેલો  પ્રમાણમાં  મોંઘી  હોવાથી  પ્રવાસીઓ  જોશીમઠ  ખાતે  આવેલી  થોડી સોંઘી  હોટેલોમાં પણ ઉતરી  શકે  છે.  સ્કીઈંગ કરવા આવનારાઓને  ઔલીના પ્રમાણિત  ટ્રેનરોે મદદ  કરે  છે.  ખાસ કરીને પહેલી વખત સ્કીઈંગ  કરનારાઓની  સલામતી  માટે આ ટ્રેનરો  આશિર્વાદરૂપ  પુરવાર  થાય છે.

કુલુ  ખાતે આવેલી  પાર્વતી નદીના  કાંઠે વસેલું પ્રાકૃતિક  સૌંદર્યથી  છલોછલ  ગામ એટલે  કસોલ.  એક  હિલ સ્ટેશન જે જોઈએ  તે બધું કસોલમાં મળી રહે.  અહીંની  ખીર ગંગા  ટ્રેકરોમાં  ખૂબ પ્રિય  છે. મઝાની વાત એ  છે કે અહીં મોટા પ્રમાણમાં  વસતા  ઈઝરાયલીઓ   પ્રવાસીઓને  તેમના સ્થાનિક  ભોજનનો  આસ્વાદ  કરાવે  છે.  પર્યટકો  વીકએન્ડમાં  હિમાલયના   આ પર્યટન સ્થળ પર મોટા  પ્રમાણમાં  ઉમટી પડે  છે.

લાંબા વીકએન્ડ   માટે સહેલગાહે જવા ઈચ્છતા  કિશોર/ કિશોરીઓ  માટે  ગોકર્ણ  સરસ  સ્થળ છે. બેંગ્લોર  પાસે આવેલા  આ બીચ  ડેસ્ટિનેશનના કેન્દ્ર સ્થાને  છે  'ઓમ' બીચ.  મઝાની વાત એ  છે કે આ રળિયામણા દરિયાકાંઠે વસતા  માછીમારો  પ્રવાસીઓને   નિ:શુલ્ક    માછીમારી કરાવે  છે.  વળી  અહીં  મર્યાદિત   ખર્ચમાં  હોમસ્ટે  ઉપલબ્ધ  હોવાથી  તરુણ વયના લોકોને મોંઘી   હોટેલમાં ઉતરવાની ચિંતા નથી  રહેતી અને સ્થાનિક  વાનગીઓનો  સ્વાદ માણવા  મળે  છે તે છોગામાં.  અહીં પર્યટકોને  બનાના  બોટ રાઈડ, જેટ સ્કીઈંગ અને સ્પીડ બોટિંગ  જેવી વોટર  એક્ટિવિટિઝનો   લ્હાવો પણ મળે  છે.  સહેલાણીઓ ચાહે  તો બીચ પર કેમ્પફાયર કરીને  સ્થાનિક  સંગીતનો આનંદ પણ લઈ શકે  છે.

સાહસિક  યુવાનો / યુવતીઓ  માટે ઋષિકેશ  મઝાનું સ્થળ  છે. અહીં  તેમને વાઈટ  વોટર રાફટિંગ,  બંજી જમ્પિંગ, કેયાકિંગ અને કેમ્પિંગનો આનંદ માણવાની તક મળી રહે છે.  વળી ગંગા કિનારે  આવેલા કેમ્પસમાં  એકથી બે રિવર રાફ્ટિંગ  ટ્રીપ, આખા  દિવસના ભોજન  સહિત ટેન્ટમાં  રહેવાની વ્યવસ્થા   સાથેના  પેકેજ  મળે છે.

ટ્રેકરો  અને સાહસિકો  માટે વધુ  એક ડેસ્ટિનેશન  એટલે મેકલીઓડ ગંજ. પંજાબના  પઠાણકોટથી બસ પકડીને  ધરમશાલાના  ઉપનગરમાં  આવેલા  મેકલીઓડ ગંજ  ખાતે પહોંચી  શકાય છે.  તિબેટિયનોની  બહોળી વસતિ  ધરાવતા  આ હિલ સ્ટેશન  પર બૌદ્ધ  સાધુઓના  રહેઠાણો  અને  મંદિરો  આવેલા  છે. અહીંથી    હિમાલયની   ટેકરીઓનું  અવર્ણનીય  સૌંદર્ય  માણવાનો  લહાવો  લેવા જેવો છે.   જે વ્યક્તિ  આ સ્થળે એકલી  ટ્રેકિંગ  કરવા માગતી  હોય તેને માટે ટ્રાયુડ ટ્રેક  ઉત્તમ ગણાય  છે.  અહીં તેને નજીવા  ખર્ચે  રહેણાંક તેમ જ  ખીણ  અને  ટેકરી  માટે ગાઈડેડ ટૂર્સ મળી રહે છે.  પર્યટકો  અહીં તિબેટિયન  વાનગીઓનો   આસ્વાદ પણ  લઈ શકે  છે.