Magazines

સફળતા-સિદ્ધિનો સ્તંભ - શ્રદ્ધા, આસ્થા

By GS TEAM
22 Apr 20262 mins read
સફળતા-સિદ્ધિનો સ્તંભ - શ્રદ્ધા, આસ્થા

''શ્રત્ અને ધા'' આ શબ્દસંધિમાં 'શ્રત્' એટલે માનવું અને 'ધા'નો અર્થ ધારણ કરવું જે દ્વારા શબ્દ રચાય છે - 'શ્રદ્ધા'. અધ્યાત્મ જગતમાં સૌનાં મનમંદિરમાં હૈયે અને હોઠે વસેલો શબ્દ એ 'શ્રદ્ધા-આસ્થા' છે. 'સંતોમાં શ્રદ્ધા રાખો' - 'ભગવાનમાં શ્રદ્ધા રાખો' એમ રોજિંદા જીવનવ્યવહારમાં આ શબ્દ કાને સાંભળવા મળે ! ધાર્મિક તેમજ પ્રેરણાત્મક પ્રવચનો - ઉપદેશો - કથા - પારાયણ સમયે સંતો-સાધુ ભગવંતો અને ગુરૂઓ આ શબ્દનો ખાસ ઉલ્લેખ કરે જ ! વાસ્તવમાં શ્રદ્ધા એ પુરુષાર્થ-પ્રયત્નોનો પ્રાણ છે - આત્મા છે, સેતુ બને આરાધના-ઉપાસનાનો અને વિજયી સ્તંભ બંને સફળતા-સિદ્ધિ-સંકલ્પનો ! માનવીનું સુખમય શાંત સ્વરૂપ એ ખરેખર સૃષ્ટિના સર્જક ઇશ્વરમાં રહેલી અડગ શ્રદ્ધા છે. પ્રસંગોપાત આપણને વારંવાર સાંભળવા માટે જનમાનસમાં વણાયેલો શબ્દ - 'ઇશ્વરમાં અને સાધુ ભગવંતો સંતોમાં શ્રદ્ધા રાખો જે દયાળુ છે સૌનું શુભ કરે છે. વિશેષ શ્રદ્ધાપૂર્વક થયેલ કાર્ય આરંભ સફળતા અપાવે છે. શ્રદ્ધા એ વાસ્તવમાં હૃદય સાથે આચાર્યો, મહંતો, વિવિધ જ્ઞાાનવર્ધક શાસ્ત્રો, ધર્મપુસ્તકો - ધર્મગ્રંથો અને ઇશ્વરમાં રાખવાની હોય છે જે જીવનયાત્રામાં ઉપયોગી અને ફળદાયી બની રહે છે.

પ્રાચીન સમયમાં અધ્યાત્મજગતમાં નજર કરીએ તો - જે તે ભક્તોએ ગુરૂમાં, સંતોમાં, શાસ્ત્રોમાં - મંત્રજપ તેમજ ભગવાનમાં આસ્થા-શ્રદ્ધાના તપબળે-ઉર્જાબળે શ્રદ્ધા રાખી છે તેઓનાં ભગવાને કષ્ટ, વ્યથા, સંકટ-વિષાદ દૂર કર્યા છે. જે ભક્તો શ્રદ્ધાપૂર્ણ-સમર્પિતભાવે ભગવાનને શરણે છે તેમજ પ્રાર્થના-સત્સંગમાં અડગ વિશ્વાસ રાખે છે તે મનુષ્યો આલોક અને પરલોકમાં હંમેશા પ્રભુનાં રાજિયાભર્યા આશીર્વચને સુખી અને પ્રસન્નતાપૂર્ણ જીવનસફરના સાર્થકયાત્રી બની રહ્યા છે.

સર્જનાત્મક ટિપ્પણ :

અક્ષય તૃતિયાના પવિત્ર દિવસે નવા ધંધાનો આરંભ, લગ્ન-વિવાહ, ગૃહપ્રવેશ-વાસ્તુ જેવાં શુભ કાર્યો-સત્કાર્યો 'આસ્થા-શ્રદ્ધાનાં તેજબળે' સફળ શુભારંભની શ્રદ્ધાએ આજે પણ જનમાનસમાં જીવંત છે. - સફળ પ્રણાલી બની રહી છે !

''શ્રદ્ધા રાખવી - ભગવાનમાં

શ્રદ્ધા રાખવી - ગુરૂમાં

શ્રદ્ધા રાખવી - શાસ્ત્રોમાં

શ્રદ્ધા રાખવી - માતા-પિતામાં

શ્રદ્ધા રાખવી - પરિવારમાં.''

'શ્રદ્ધા હરહંમેશ શુભકારી-સુખદાયી બની રહે.'

- કમલેશ હરિપ્રસાદ દવે