સંતનું તીર્થ : માલસર .

- ઋષિઓએ કરેલી ઉપાસના સાધના અને આરાધનાનો મોટો લાભ અનાયાસે અહીં સાધકને સંયમના રૂપમાં મળી રહે છે. આશ્ચર્યની વાત તો એ છે કે ઇન્દ્રિય સંયમ, વિચાર સંયમ અને સમય સંયમ પર આપોઆપ લગામ લાગી જવાનો અનુભવ થાય છે
માલસર તીર્થની વિશિષ્ટતાઓ :
* પૂ. ડોંગરેજી મહારાજની ૩૩ ભાગવત પારાયણોથી સંસ્કારિત થયેલું આ તીર્થ છે.
* સાધક અહીં પોતાની ચોપાસ નિર્ભયતા અને સુરક્ષાના આધ્યાત્મિક કવચનો અહીં અનુભવ કરે છે. એલાર્મ વગર સૂર્યોદય પહેલા ઉત્સાહથી ઉઠી જવા મન તૈયાર થઈ જાય છે.
* શિસ્ત પાલન, નિયમિતતા, સાત્વીક ભોજન, વગેરેને કારણે સાધકના વિચાર, વાણી અને વર્તનમાં પણ સાત્વીકતા જોવા મળે છે. તપસ્વી ભૂમિ, પવિત્ર નર્મદા નદીના પ્રવાહ પરથી પાલવ પ્રસવારતો શિતળ અને શુદ્ધ પવન સાધકને સાનુકૂળ વાતાવરણ પુરું પાડે છે. નિરંતર વહેતી આધ્યાત્મિક અમૃતવાણી અને સદ્વિચારોનો સાધકનો સમુદાય વગેરેને કારણે સાધકને જાણે પોતાનો કાયાકલ્પ થતો હોય એવો અનુભવ થાય છે.
* સાધક અહીં નિશ્ચિતપણે પોતાની ભક્તિ, પૂજા, કીર્તન, જપ, સત્સંગ, પ્રાર્થના, સદ્વાંચન, સ્વાધ્યાય તથા ચિંતન-મનન કરી શકે તેવું નિશ્ચયાત્મક વાતાવરણ નર્મદાના કિનારાને કારણે છે. નર્મદાના કિનારે હજારો ઋષિઓએ તપશ્ચર્યા કરી આશ્રમો સ્થાપેલા તેની ઉર્જાનું આ પરિણામ કહી શકાય.
* માનવું અઘરું પડે પણ સાંસારિક વિચારોને દ્રઢતાપૂર્વક રોકી દેવાની ઉર્જા શક્તિ અહીંના વાતાવરણમાં છે. જેથી અહીં ઉપસ્થિત સાધક ઘર, કુટુંબ, સગા, મિત્રો, પડોશી, પરિચિતો તેમજ ફોન, છાપુ, ટી.વી. વગેરે બંધનોથી ધારે તો મુક્ત રહી શકે છે. પરિણામે અનાયાસે જપ કરવામાં એકાગ્રતા સધાય છે. આત્મબળમાં વધારો થાય છે અને સાધકના હૃદયમાં આનંદ, આનંદ, આનંદ અને માત્ર આનંદની 'રસોવૈસહ' રૂપમાં લહેરો ઉઠતી રહે છે.
* ઋષિઓએ કરેલી ઉપાસના સાધના અને આરાધનાનો મોટો લાભ અનાયાસે અહીં સાધકને સંયમના રૂપમાં મળી રહે છે. આશ્ચર્યની વાત તો એ છે કે ઇન્દ્રિય સંયમ, વિચાર સંયમ અને સમય સંયમ પર આપોઆપ લગામ લાગી જવાનો અનુભવ થાય છે. જેથી કરી સાધકે વિવેકયુક્ત શિસ્તમાં વર્તન કરતા થઈ જાય છે.
* અહીંની નવાઈ પમાડતી હકીકત એ છે કે અહીં વાંદરા તો ઘણા છે પણ હાથમાં કેળાની ખૂલ્લી લૂમ લઈને તેની સાવ નજીકથી પસાર થવા છતાં એક પણ વાંદરો ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરતો નથી. કદાચ બાપજીએ પ્રબોધેલો 'અણ હક્કનું લેવું નહિ' ના સિદ્ધાંતનું તેઓ આજ પર્યંત પાલન કરી રહ્યા છે !
* પૂ. ડોંગરે મહારાજની અંતિમ ઇચ્છાનુસાર તે બ્રહમલીન થયા ત્યારે કારતક વદ-૬ તા. ૮-૧૧-૧૯૯૦ ના રોજ તેમના પાર્થિવ શરીરને નર્મદામૈયામાં જળ સમાધિ આપવામાં આવી. પૂ. શ્રી જ્યાં બિરાજતા, લાલાની પૂજા અને સંધ્યા વંદન કરતા તે 'રામ ઝરૂખા' નામે તેમની સ્મૃતિ રૂપે કાચની દીવાલો વાળી એક નાની ઓરડી છે. આ ઓરડીમાં નજર નોંધતા જ વ્યાસપીઠ પરથી આંખમાં ઝળઝળીયા સાથે ગદગદ કંઠે નીચી નજરે 'મારો લાલો' શબ્દની કથા વાંચતા બાપજીની ઝાંખી થયા વગર રહેતી નથી !! માલસર ક્ષેત્રમાં કેટલાક દર્શનિય સ્થળો આવેલા છે. જેમકે કાયાવરોહણ, રંગ અવધૂતનો નારેશ્વર આશ્રમ, મોટી કોરલમાં પુનિત આશ્રમ, અનસૂયા, મા આનંદમયી આશ્રમ, ગંગનાથ, બદ્રીનાથ, કુબેર ભંડારી વગેરે.
માલસરમાં નીચે મુજબના આશ્રમો શુલ્કના સહારે રહેવા જમવાની વ્યવસ્થા પુરી પાડે છે. જેવા કે પંચમૂખી હનુમાન, ગજાનન, યોગાનંદ, કચ્છી આશ્રમ, જલારામ કનકેશ્વરી, નિરમા વગેરે.
પૂ. બાપજીની ઉક્તિને યાદ કરીએ, 'મીઠાની પૂતળી દરિયાનો તાગ લેવા દરિયામાં ઉતરે તો તે પાછી ન ફરે પણ પાણીમાં ઓગળી જઈ પોતાનું અસ્તિત્વ જ ગુમાવે.' આ જ વાત આધ્યાત્મિક અનુભવીને લાગુ પડે છે. પ્રસુતિની વેદના જેમ સ્ત્રી જ સમજી શકે તેની જેમ અનુભવીની વાત અનુભવથી જ અનુભવી શકાય. અનુભવ એ અનુભવી છે એનું વર્ણન થઈ શકે નહિ એને તો આત્મસાત્ કરવો પડે ! ભાગવત મૂર્તિ ડોંગરેજી મહારાજના ચરણોમાં કોટી કોટી પ્રણામ.
- હરસુખલાલ ચુનીલાલ વ્યાસ









