ફાગણિયો- ફોરમતો આવ્યો એટલે નિસર્ગનો રંગોત્સવ: હોળી
હોળી પ્રકૃતિનો રંગોત્સવ છે.
પાનખરે વિદાય લીધી હોય, વૃક્ષોની ડાળીઓ પર નવી કૂંપળો ફૂટી હોય ને ફાગણ મહિનો આવતાં જ લોકો અને પ્રકૃતિ હોળી-ધૂળેટીનાં તહેવારોની તૈયારીમાં લાગી જાય. હોળી- ધૂળેટી એટલે રંગોની મોસમ, જે વાતાવરણને પણ રંગીન બનાવી નાખે છે, ત્યારે સમગ્ર સૃષ્ટિ પુષ્પિત અને મુખરિત થઈ હોય, રંગબેરંગી ફૂલોનાં ઝૂમખાં, વનદેવીનો શ્રૂંગાર બનીને મહેક્તા હોય અને વસંતરાણી પગલાં પાડી રહ્યા હોય, ત્યારે માનવ સહિત સમગ્ર સૃષ્ટિ આનંદની હેલીમાં સ્નાન કરવા આતુર હોય છે, એ રીતે હોળી પ્રકૃતિદત્ત આનંદોત્સવ છે, રંગોત્સવ, વસંતોત્સવ છે, જેમાં રંગનો જ મહિમા હોય,
'વસંતના તો વાયુ વાયા,
ઉડેરે અબીલ ગુલાલને આવી હોળી.'
ઇશ્વર માનવીને માત્ર એક જ રંગ નહીં, પણ નિસર્ગનાં અનેક રંગોથી જીવનની ધૂળેટી ખેલાવી રહ્યા છે. ફાલ્ગુન માસની પૂનમે ઉજવવામાં આવતો હોળી-ધૂળેટીનો તહેવાર ગુજરાત, રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં આ મોટો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ, બિહાર અને વ્રજનાં વૃંદાવન- મથુરામાં હોળી-ધૂળેટીનો મોટો મહિમા છે. વ્રજમાં વ્રજમાં ભગવાન શ્રીકૃષ્ણે રાધા-ગોપીઓ સાથે આ રંગ ભર્યો હોળી- ધૂળેટીનાં ઉત્સવને આનંદ-ઉત્સાહપૂર્વક મનાવેલો. વ્રજની જેમજ રાજસ્થાનમાં પણ વર્ષના બધા તહેવારોમાં હોળી મહત્ત્વ મોટું છે, એટલે જ તો ત્યાં કહેવાય છે ને કે,
'દિવાળી તો અઠેકઠે, કિન્તુ હોલી તો ઘર ઘર..'
ફાગણ સુદ પૂનમનાં સંધ્યાકાળે ભગવાન શ્રી વિષ્ણુએ પોતાનાં બાળ-ભક્ત પ્રહ્લાદની અટલ ભક્તિ શ્રધ્ધાનાં પોકારને વશ થઈ, નરસિંહનો અવતાર ધારણ કરીને પ્રગટ થઈને આસુર હિરણ્યકશિપુનો વધ કરીને પુન: સત્ય ભક્તિની સ્થાપના કરી. ભક્ત પ્રહ્લાદની આસ્થાની જીત થઈ. આમ અસત્ય પર સત્યનો, અધર્મ પર ધર્મનો થયો. આવા મહાવિજયની ઉજવણી લોકોએ અરસ-પરસ રંગ, ગુલાલ ઉડાડીને આનંદોલ્લાસથી કરી. ત્યારથી વર્ષમાંનાં મોટા ઉત્સવ હોળીનો પ્રારંભ થયો.
માનવ અને પ્રકૃતિ વચ્ચે ઇશ્વરે અદ્ભૂત સમતુલન રચ્યું છે. પણ કમનશીબે આજનો માનવી કુદરતનાં સહેવાસથી અને નૈસર્ગિક વાતાવરણથી દૂર થતો જાય છે. પરંતુ આવી સોળે કળાએ ખીલેલી વસંત-ઋતુમાંજ ભગવાન શ્રીકૃષ્ણ, રાધિકાજી અને ગોપ-ગોપિકાના રંગ ખેલનાં મનોરથ યોજાયા- હોળી ધૂળેટીનાં દિવસોમાં ડાકોરના તીર્થધામમાં શ્રધ્ધાળુ ભક્તો, રોજબરોજની દોડધામ, પ્રદૂષિત વાતાવરણ અને વ્યસ્ત જીવનશૈલીથી મુક્ત બનીને દૂર-દૂરથી ધોળી ધજાઓ લઈને નાચતા- કૂદતા પ્રભુનાં કિર્તન ગાતા પદયાત્રા કરતા આવે છે. એ વખતે આ ભક્ત-પદયાત્રીઓનાં અંતરનો આનંદ, પરસ્પરની સદ્ભાવના સાથે ખીલેલી પ્રકૃતિના શુધ્ધ વાતાવરણમાં અદ્ભૂત અનુભવ કરાવે છે. ભક્ત-પ્રવર બોડાણજી અને શ્રી ગંગાબાઈની શ્રધ્ધા, ભક્તિને વશ થઈને ભગવાન ડાકોર પધાર્યા. ભક્તિ બોડાણાજીએ ૭૦ વર્ષની આયુ સુધીમાં ડાકોરથી દ્વારિકા નગરી હાથમાં તુલસી વાવીને પદયાત્રાનું કઠિન તપ કર્યું. તેનાં પવિત્ર તપનાં સ્મરણમાં ભક્તો આજે પણ ડાકોરમાં માખણ, મીસરી ધાણા- ચણા- મમરા- ખજૂર, તુલસીની માળા, પુષ્પો, ધર્મ-ધજા અર્પણ કરીને ભક્તિ ભાવ દર્શાવે છે.
'હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ,
રંગો સે રંગ મિલ જાતે હૈ,
ગીલે-શીકવે ભુલકર,
દુશ્મન ભી ગલે મિલ જાતે હૈ,