Magazines

પરવીન બાબી : સુંદર, સાલસ અને પ્રેમાળ અભિનેત્રીના જીવનની કરુણ દાસ્તાન

By GS TEAM
28 May 20266 mins read
પરવીન બાબી : સુંદર, સાલસ અને પ્રેમાળ અભિનેત્રીના જીવનની કરુણ દાસ્તાન

- બી.આર.ઇશારા પરવીનનું સૌંદર્ય જોઇને એટલા પ્રભાવિત થઇ ગયા કે તેમણે તાત્કાલિક પરવીનને પોતાની સુપરહિટ ફિલ્મ 'ચેતના'ની સિક્વલ 'ચરિત્રહિન'ની મુખ્ય ભૂમિકા ઓફર કરી હતી અને બસ, રાતોરાત તે એક સ્ટાર બની ગઈ

માન્ય રીતે હિન્દી ફિલ્મ ઉદ્યોગ મરહૂમ કલાકારોને ખૂબ જલ્દી ભૂલી જાય છે. દિન-પ્રતિદિન આવતાં નવોદિત અદાકારો  વીતેલા જમાનાના કે દિવંગત કલાકારોની સ્મૃતિને ઝાંખી કરી દેવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. છતાં સાયગલ, પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર, અશોક કુમાર, કિશોર કુમાર, મધુબાલા, મીનાકુમારી જેવા કેટલાક કલાકારો એવા છે જે બોલિવૂડના ઇતિહાસમાં અમર થઇ ગયા છે. અને આ યાદીમાં જ સુપ્રસિધ્ધ તારિકા પરવીન બાબીનું નામ આવે છે.

હિન્દી ફિલ્મ ઉદ્યોગ અને સિનેપ્રેમીઓ હજુ આજેપણ પરવીન બાબીને યાદ કરે છે. પરવીનની અભિનય કારકિર્દીનો આરંભ પરીકથાની જેવો જ થયો હતો. જુનાગઢના નવાબ બાબીની વંશજ પરવીન અમદાવાદ યુનિવર્સિટીમાં  ભણતી હતી ત્યારે જ ફિલ્મમેકર બી.આર.ઇશારાની નજર તેના પર પડી હતી. બી.આર.ઇશારા પરવીનનું સૌંદર્ય જોઇને એટલા પ્રભાવિત થઇ ગયા કે તેમણે તાત્કાલિક પરવીનને પોતાની સુપરહિટ ફિલ્મ 'ચેતના'ની સિક્વલ 'ચરિત્રહિન'ની મુખ્ય ભૂમિકા ઓફર કરી હતી અને બસ, રાતોરાત એક સ્ટારનો જન્મ થઇ ગયો. જોકે તે સાથે જ ઝિન્નત અમાનને ટક્કર આપનાર અભિનેત્રીનો પણ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ થયો. પરવીન અભિનીત 'રાત બાકી' કે 'જવાની જાનેમન' ગીત જોઇને ભલભલા પુરુષો ઉત્તેજીત થઇ જતા હતા. આ અભિનેત્રી બોલિવૂડમાં એવી છવાઇ ગઇ હતી કે 'ટાઇમ મેગેઝીન' એ (૧૯૭૬) પણ તેના ઉપર લેખ લખ્યો હતો.

 જીવનભર પરવીનના સેક્રેટરી  અને મેનેજર તરીકે કામ કરનારા વેદ શર્મા ૧૯૭૨માં કિશોર સાહુએ પરવીનને  અભિનેત્રી તરીકે સાઇન કરી ત્યારે પહેલી વખત તેને મળ્યા હતા. હા, બી.આર.ઇશારાએ પરવીનને શોધી કાઢી હતી. પણ કિશોર તેને ફિલ્મઉદ્યોગમાં લોન્ચ કરવા ઇચ્છતા હતા એટલે ઇશારાએ તેમની વાત સ્વીકારી લીધી હતી. વેદ શર્મા કિશોર સાહુના મુખ્ય મદદનીશ હતા અને બોલીવૂડની કાર્ય પ્રણાલોથી અજાણ પરવીને વેદ શર્માને પોતાનું કામ સંભાળવાનું કહ્યું હતું. 'ધૂન કી લકીર' દ્વારા અભિનય કારકિર્દીના શ્રી ગણેશ કરનારી પરવીને પ્રથમ ફિલ્મ રજૂ થયા પૂર્વે જ ૧૦ ફિલ્મ સાઇન  કરી લીધી હતી. જો કે પરવીનની પહેલી ચાર ફિલ્મો લાગલગાટ ફ્લોપ ગઇ હોવા છતાં અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના અને રિશી કપૂર જેવા અભિનેતા સાથેની ફિલ્મોની ઓફર તેને મળ્યા જ કરતી હતી. આની પાછળનું મુખ્ય કારણ તેનું બાહ્ય સૌંદર્ય અને સરળ સ્વભાવ હતો એમ વેદ શર્મા માને છે. વેદ શર્માની માન્યતાને પુષ્ટિ આપતી પરવીનની મિત્ર અંજુ મહેન્દુ કહે છે કે શરૂઆતમાં પરવીન ખૂબ જ સાલસ યુવતી હતી. પરવીન સહિત પ્રતિમા બેદી, કબીર બેદી, ડેની ડેંગઝોપ્પા, મહેશ ભટ્ટ, સત્યદેવ દુબે અને અકબર ખાન અમારા ગુ્રપમાં હતા. પરવીન અન્ય કલાકારોની જેમ નખરાં નહોતી કરતી. પણ એકદમ સરળ યુવતી હતી.  જોકે પાછળથી શું થયું તેની અમને કોઇને જાણ ન થઇ અને તે અમારી પાસે જુઠ્ઠું બોલવા લાગી હતી. પરવીન માંદી હતી તેની અમને જાણ હોત તો અમે તેને એકલી મૂકી નહોત.

૧૯૭૫ થી ૧૯૮૩ સુધી પરવીન સાથે કામ કરનારા મેકઅપ  આર્ટીસ્ટ ભરત ગોડાંબેએ કહ્યું હતું કે પરવીન એકલતાથી પીડાતી હતી. પરવીન સાથે કામ કર્યું તે ગાળા દરમિયાન ભરતે અનુભવ્યું હતું કે શૂટિંગ પતી ગયા બાદ પરવીન થોડો સમય પોતાના સ્ટાફ સાથે વિતાવતી અથવા તો ઘરે જતી રહેતી હતી. પરવીન સામાજીક દ્રષ્ટિએ કોઇની સાથે જોડાયેલી નહોતી. તેનો સ્ટાફ જ તેનો પરિવાર હતો. એટલે પોતાના સ્ટાફનું ખૂબ જ ધ્યાન રાખતી હતી.

જોકે પરવીનના જીવનના છેલ્લા વર્ષોમાં ઇનામ પીર તેનો  એકમાત્ર મિત્ર  અને વિશ્વાસુ હતો. ઇનામ પરવીનને મળવા ખાસ કોલકત્તાથી આવતો અને પરવીન તેના માટે મુગલાઇ વાનગીઓ બનાવતી હતી. ડામાડોળ અંગતજીવનને કારણે પરવીન પ્રોફેશન પ્રત્યે પૂરતું ધ્યાન આપતી નહોતી. જ્યારે તે કારકિર્દીની ટોચ પર હતી ત્યારે બોયફ્રેન્ડ કબીર બેદી સાથે રહેવા શૂટિંગ રઝળાવી અમેરિકા જતી રહી હતી. તે સમયે કબીર અમેરિકામાં ઇટાલીયન ફિલ્મ 'સંડુકાન'નું શૂટિંગ કરતો હતો. જોકે બાદમાં બંને વચ્ચેના સંબંધો વણસતા પરવીન ભારત પાછી ફરી હતી. પરંતુ કબીર સાથેના બ્રેકઅપે તેના માનસ પર  ઊંડી અસર કરી હતી અને ત્યારથી અભિનેત્રીનો ખરાબ સમય શરૂ થયો હતો.

 અંજુએ જણાવ્યું હતું કે પરવીન જે રીતે ડેની વિશે વાત કરતી હતી તે સાંભળીને થતું કે તે ડેનીને પણ પ્રેમ કરતી નહોતી. ડેનીને સેક્સમાં રસ વધુ હતો જ્યારે પરવીન શબ્દો દ્વારા પ્રેમને પામવા મથતી. કબીર પરવીન જેવો જ હતો. કબીરે પરવીનને છોડયા બાદ મહેશ ભટ્ટ તેના જીવનમાં પ્રવેશ્યો. એટલે તે ક્યારેય પ્રેમ માટે તો તડપી જ નહોતી.

કબીર સાથે મતભેદ થતાં અમેરિકાથી ભારત પાછી ફરેલી પરવીનને 'શાન', 'લાલ પથ્થર' અને 'સુહાગ' જેવી ફિલ્મો મળી હતી. છતાં તે ખૂબ જ હતાશ રહેતી હતી. આ હતાશામાં ને હતાશામાં જ તેના મનમાં જાતજાતના કાલ્પનિક ભયની લાગણી ઘર કરી ગઇ હતી. 'શાન'ના 'પ્યાર કરનેવાલે' ગીતના શૂટિંગ વેળા સેટ પર લટકતાં ઝુમ્મરને જોઇને પરવીને બૂમાબૂમ કરી હતી તથા ઝુમ્મર પોતાના પર જ પડશે એમ કહેતી હતી. ત્યારે પરવીનને શાંત પાડતાં ઘણો સમય લાગ્યો હતો.

પછી તો પરવીન બધાને પોતાના દુશ્મન સમજતી હતી. તે આવું શા માટે કરતી હતી તેની કોઇને જાણ નહોતી. ભરત ગોડાંબેના મતે શબાના આઝમીથી લઇને રેખા આજની અને આજની દીપિકા  પદુકોણ સુધીની તમામ ટોચની અભિનેત્રીઓમાં પરવીન અત્યંત સુંદર હતી. અને તેનું વ્યક્તિત્વ  પણ અનોખું હતું.

પરવીનની માનસિક બીમારી વધી ગયા પછી તે અચાનક જ ગાયબ થઇ ગઇ હતી. પછી વર્ષો બાદ પાછી ફરેલી પરવીને માત્ર ભરતને જ ફોન કરી 'ભરત, મમ્મી દુનિયા મેં નહિ રહી' કહ્યું હતું. ત્યારબાદ ભરત તેને મળવા ગયો હતો. એકસમયની સેક્સી અભિનેત્રીને જાડી થયેલી તથા તેના ફ્લેટને એકદમ અસ્તવયસ્ત જોઇને ભરત આઘાત પામ્યો હતો.

ત્યારબાદ પરવીનનું માનસ એટલું ખરાબ થઇ ગયું હતું કે તે માત્ર ઇનામ પીર ઉપર જ વિશ્વાસ કરતી હતી. તે કરિયાણું કે શાક પણ ફોન કરીને મગાવતી અને ઓર્ડર પ્રમાણેની વસ્તુને દરવાજા આગળ જ મૂકીને જતાં રહેવાની સૂચના આપતી હતી. વળી તે વસ્તુના પૈસા પણ બહાર કવરમાં મૂકી રાખતી હતી. પરવીન માત્ર ઇનામને જ ઘરમાં પ્રવેશવા દેતી હતી. ઇનામ અને પરવીન કલાકો સુધી વાતો કરતાં રહેતા હતા. બંને સાથે મળીને ડાન્સ પણ કરતા હતા. સૌથી મહત્ત્વની વાત એ છે કે પરવીન ઇનામને એકપણ પૈસો ખર્ચવા દેતી નહિ.

ઇનામ પરવીનને ખૂબ પ્રેમ કરતો હતો અને વારંવાર પોતાની સાથે લગ્ન કરી લેવાનું પરવીનને સમજાવતો હતો. પરંતુ જમાનાની ઠોકરો ખાઇને કઠોર બની ગયેલી પરવીન પછી પ્રેમમાં વિશ્વાસ કરતી નહિ. ઉલ્લેખનીય છે કે ઇનામ હજુ આજે પણ પરવીનને ખૂબ પ્રેમ કરે છે.

પરવીન મૃત્યુ પામી તેના થોડા દિવસ પૂર્વે જ ઇનામ તેને મળવા ગયો હતો. પરંતુ તેના ઘરનો દરવાજો ખુલ્લો નહોતો. આથી બીજા દિવસે તેણે ફોન કર્યો ત્યારે નોકરાણીએ જણાવ્યું કે પરવીન બાથરૂમમાં પડી ગઇ છે અને તેના થાપાનું હાડકું ભાંગી ગયું છે. બસ, આ ઘટનાના થોડા દિવસ બાદ અભિનેત્રી પોતાના ઘરમાંથી  મૃતાવસ્થામાં મળી હતી. છેલ્લે-છેલ્લે પરવીનને ન મળી શક્યાનો વસવસો ઇનામને આજે પણ કોરી ખાય છે.

પરવીન જેવી સુંદર, સમજદાર અને પ્રેમાળ યુવતી એકલતાથી પીડાઇને મૃત્યુ પામે તે અત્યંત કરુણ બાબત કહેવાય.