Magazines

પરોવયાર નિરયા .

By GS TEAM
10 Jun 20262 mins read
પરોવયાર નિરયા                              .

પરોવયાર નિરયા શબ્દનો જૈનગ્રંથો અનુસાર સરળ અર્થ થાય છે- પરોપકાર કરવામાં પાવરધા હોવું કે શ્રેષ્ઠ હોવું. પ્રાચીન સમયથી વર્તમાન સમયમાં પણ અધ્યાત્મજગત કે સાધુસમાજમાં જૈન સાધુ-સાધ્વીજીઓ સંતો મહંતો ભગવંતો મુનિમહારાજસાહેબો ગચ્છાધિપતિ મહારાજો પરોવયાર નિરયા સંદર્ભે નિરંતર અગ્રેસર કે પાવરધા ઉર્જાવાન રહ્યા છે તેથી જ તેઓ સૌનાં હૃદયમંદિરમાં વંદનીય અને પૂજનીય તરીકેનું સ્થાન ધરાવે છે. સ્વકલ્યાણ અને જગકલ્યાણને વરેલાં સાધુ-સંતોના પ્રયત્નો હરહંમેશ ઉત્સાહમય, ઉમંગમય, ઉર્જાવાન, સત્કાર્યો- સેવાકાર્યોએ તેઓને પ્રથમ હરોળનાં સાધુ-શ્રેષ્ઠીઓનું ઉચ્ચ બિરદ આપે!

વાસ્તવમાં જૈનસાધુજીવન એ અતિ કઠિન, આકરૂ અને કપરું હોય છે. સાધુજીવનમાં તાપ-તડકો અને ઠંડી વેઠવાના છે- તપસ્વરૂપે ! સાધુ જીવનશૈલીમાં સદાકાળ જીવનસમયમાં મુખ્ય ઉદ્દેશ્ય બની રહે છે- સ્વકલ્યાણ અને જગકલ્યાણ. અહીં જૈનસાધુઓમાં જપ-તપ-મૌન-ત્યાગ-સંયમ-વૈરાગ્ય અને ઉચ્ચ કોટિનાં સાધુ શિસ્તભર્યું જીવન તેઓ માટે મુક્તિદાતા માર્ગ-મોક્ષદાયક માર્ગ બની રહે છે. વિશેષ. જૈનસાધુઓએ ઉપાશ્રય-પાઠશાલામાં મેળવેલ જ્ઞાન-વિદ્યા પ્રવચનસ્વરૂપે કે સત્સંગના માધ્યમે શ્રાવકો-સત્સંગીઓને વહેંચણી કરી સૌને જ્ઞાની-ગુણ સંપન્ન શિક્ષા સંસ્કારે ઉજ્જવળ બનાવવા એ જગકલ્યાણનો સાધુ-કર્તવ્યપરાયણ- ફરજાધીન ઉદ્દેશ્ય બની રહે છે. અન્યમાં સ્વીકૃત બને કે જૈન સાધુ-સાધ્વીજી-સંતોમાં મૌન કે મૌનરૂપી તપનો અનેરો મહિમા છે તો બહુમૂલ્ય એવી ક્ષમા, ક્ષમાયાચના- ક્ષમાવંદનાની અવિરત વિચારધારાની પ્રસ્તુતિ છે ! મનોહર જૈનદર્શનની અનુપમ વિચારશૈલીમાં જૈનસાધુમહાત્માઓનાં સાર્થક સંકલ્પભર્યા સંસારત્યાગ, તપસિધ્ધિ અને વૈરાગ્યમાર્ગ તેઓની આગવી ઓળખ બનતાં  'શ્રેષ્ઠ સાધુત્વ'નો દરજજો આપે છે.

વળી-જૈનસાધુજીવનની સફળ અને સાર્થકયાત્રામાં ધર્મગ્રંથોની પૂજા- સ્તવન-પઠનપાઠનનો મહિમા છે. જ્યાં સરસ્વતીમાતે વંદના, સાધના, આરાધના અને ઉપાસના નિત્ય અમલી બને છે. જે સાધુવૃંદોને-શ્રાવક-શ્રાવિકાઓને જ્ઞાની-ગુણી-વિદ્યવાન અને અધ્યાત્મ ઉર્જાવાન બનાવે છે. મનોહર ઉપાશ્રયોમાં સાધુ-સંતોનાં મનન, ચિંતન અને જ્ઞાનસભર ધારદાર પ્રવચનો-પ્રેરક ધર્મચર્ચા- ધર્મઉપદેશોમાં વ્યસનો, કુસંગમાર્ગ, સ્વાર્થ, મોહ માયા-લોભ-રાગ-દ્વેષ- ઇર્ષ્યા- નિંદા- દોષો અને કષાયોનું દહન કરવું. શમન કરવું તેમજ આ તમસવૃત્તિઓથી દૂર રહેવાના પાઠો-શિક્ષણ- માર્ગદર્શન શ્રવણ-શ્રવણીવૃંદાને અપાય છે, જે તેઓને જ્ઞાની અને ગુણી બનાવે છે. વિશેષ પ્રવચનોમાં સંતો-ગુરૂઓ  મહાવીર સ્વામી ભગવાનનો અહિંસા-જીવદયા-સત્ય-પરોપકાર- પરમાર્થ- દાનપ્રીતિ- દયા-કરૂણાનો ઉમંગે ઉમંગે આનંદભાવે સંદેશો પ્રેરણાસ્વરૂપે કે જ્ઞાનવહેંચણી કરી આપે છે. 

રચનાત્મક ધર્મભાવ : ભારતીય અધ્યાત્મ પરંપરામાં સાધુ-સંતોનું સ્થાન કે મોભો ઉચ્ચ સ્થાને રહ્યા છે. ઋષિજીવન- સાધુજીવનની હિમાલય શિખરની શ્રેષ્ઠ ઉંચાઈ અને સમુદ્રની ઊંડી ગહેરાઈ જૈન સાધુ-સાધ્વીજી આચાર્યો-મહંતો અને વંદનીય પૂજનીય ગચ્છાધિપતિ મુનિ-મહારાજસાહેબોમાં દૃષ્ટિગોચર થાય !

જૈન સાધુ-સંતો-સાધ્વીજીઓનાં તપસ્વી જીવનમાં છુપાએલો હૃદયનો આનંદ-શાંતિવૈભવ ભૌતિક-સાંસારિક જગતમાં ક્યાંય જોવા મળે નહીં!

શ્વેત-સફેદ વસ્ત્રોમાં પરિધાન જૈન સાધુ-સાધ્વીજીવૃંદોની સામૂહિક વિહારયાત્રા પસાર થાય ત્યાં ત્યાં સર્વત્ર શિક્ષા-વિદ્યા- સંસ્કારસભર જ્ઞાનરૂપી સાત્વિકભાવો ઉદય પામે, ધર્મજ્ઞાન- ધર્મપ્રીતિ પ્રસરે, જ્ઞાનની ચંદનમય સુગંધ પર્યાપ્ત બને !

'અગણિત વિહારયાત્રા છે. આનંદે આનંદે,

હૈયે હરખ છે તપ-વૈરાગ્ય-ત્યાગસિધ્ધિનો.'

ધન્ય જીનશાસન- જૈનમ્ જયતિ શાસનમ્ । શ્રી જૈનસંઘો, પાંજરાપોળો. ઉપાશ્રયોની પવિત્ર તપસ્વી-તપોભૂમિને વંદન-નમનવંદન-નમોસ્તુ.

- કમલેશ હરિપ્રસાદ દવે