શ્રી વિષ્ણુ તુલસીનાં સ્વાગતનું પ્રકાશ પર્વ 'દેવ દિવાળી'
ભારતીય ઉત્સવોની પરંપરામાં આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનાં વિજયને વધાવવા ત્રણ, ત્રણ પ્રકાશ- પર્વ ઉજવાય છે, નવરાત્રિ, દીપોત્સવ અને દેવદિવાળી. ધરતીલોકનાં માનવો આસો વદ અમાસે દિવાળી ઉજવે છે. તો દેવલોકનાં દેવો કાર્તિક સુદ પૂર્ણિમાએ 'દેવ-દિવાળી' મનાવે છે.
દિવાળીનાં તહેવાર સાથે આસુર વિજયની પૌરાણિક કથા સંકળાયેલી છે, જેમકે મા જગદંબા દૈવી શક્તિનો રાક્ષસો ઉપર વિજ્ય શ્રી રામનો રાવણ ઉપર વિજય ભગવાન શ્રી કૃષ્ણનો નરકાસુર પરનો વિજય. એ પ્રમાણે, દેવ દિવાળીનો ઉત્સવ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો ? આ સબંધી બે મુખ્ય પૌરાણિક કથાઓ શાસ્ત્રોમાં જોવા મળે છે. ૧) 'ત્રિપુર વિજયી' ત્રિપુરારિ શિવની કથા. ૨) શ્રી વિષ્ણુ અને દેવી તુલસીનાં વિવાહની કથા.
શિવપુરાણ અનુસાર' ત્રિપુર વિજ્યની કથામાં ભગવાન શિવજીએ આસુરો ઉપર તેમની નગરીઓ સાથે તેમનાં ત્રણ નગર ઉપર આક્રમણ કરીને તેનો નાશ કર્યો. અધર્મી બનેલા દૈત્યોનું સંહાર કરવાનું કાર્યશિવજીએ દેવોની પ્રાર્થનાથી, હાથમાં લીધું. તેમણે કાર્તિક સુદ પૂર્ણિમાએ બાણ-ત્રિશુલથી, ત્રણેય નગરો સાથે એ રાક્ષશનો સંહાર કર્યો.
જેનાથી શિવજી 'ત્રિપુરારિ' કે 'ત્રિપુરાવિજયી' કહેવાયા. ત્યારે દેવોએ હજ્જારો દીવડાઓ પ્રગટાવીને શિવજીનો આ વિજ્યોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવ્યો. ભગવાન શિવજીનો ચોમેર જય-જયકાર થઈ ગયો. ત્યારથી દેવલોકમાં 'દેવદિવાળી'નો ઉત્સવ ઉજવવા લાગ્યો. આને 'ત્રિપુરોત્સવ પણ કહે છે.
'દેવદિવાળી' એક બીજા કારણસર પણ ઉજવાય છે. 'પદ્મપુરાણ' કથા અનુસાર, શ્રી વિષ્ણુ રાક્ષસ શંખાસુરનો સંહાર કરીને, દેવપોઢી એકાદસીએ ક્ષીરસાગરમાં નિદ્રાધીન થયા. ચારમાસ બાદ, કાર્તિકીસુદ દેવ-ઉઠી એકાદસી બાદ, શ્રી વિષ્ણુના વિવાહ દેવી તુલસી સાથે થયા.
એ પછી કાર્તિકી પૂર્ણિમાએ શ્રી વિષ્ણુ નવવધુ તુલસી સાથે ધરતી લોક ઉપરથી સ્વધામ દેવલોક- વૈકુંઠમાં પુનઃ પધાર્યા. તેમનાં પધરામણીનાં મંગળ પ્રસંગે દેવલોકના દેવો ભેગા થઈને નવદંપતિ શ્રી વિષ્ણુદેવી તુલસીનું ભાવભીનું સ્વાગત અને સામૈયું કર્યું. અને આ આનંદ વિજ્યનો અવસર દીવડા પ્રગટાવીને ઉજવ્યો. આ પ્રમાણે કાર્તિકી પુનમનો દિવસ સદીઓથી કાર્તિકીપૂર્ણિમા- દેવદિવાળી તરીકે ઉજવાતો આવ્યો છે.
દેવદિવાળીના ઝળહળતા મંગલ-પ્રકાશ પર્વ પર ધરતીલોક અને સ્વર્ગલોકનો રૂડો સંગમ સધાય છે. જાણે પૃથ્વી પર સ્વર્ગનો પ્રકાશ ઉતર્યો. સનત્કુમાર સંહિતા જેવા ધર્મગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે ત્રિપુરારિ શિવજીને પ્રસન્ન કરવા, માનવોને પણ કાર્તિકી પૂનમે સંધ્યા પછી 'દેવદિવાળી' ઉજવવાનો આગ્રહ કરવામાં આવે છે.
આ રાત્રે, અમાસની દિવાળીની જેમ જ દેવ દિવાળી એ દીવડાઓ પ્રગટાવીને ફટાકડા ફોડીને, દેવ-દેવીઓનાં હર્ષોલ્લાસમાં માનવી સહયોગી બને છે. દેવ દિવાળી તો જાણે માનવોને દિવ્ય-લોક જેવો અનુભવ કરાવે છે, ત્યારે જીવ અને જગદીશમાં કોઈ ભેદ રહેતો નથી. દેવ દિવાળીના આવા પાવન પર્વે ત્રિપુરારિ ભગવાન શિવજીની આ પ્રમાણે સ્તુતિ કરવામાં આવે છે,
' કાલાતીત કલ્યાણ-કલ્યાન્કારી,
સદા સજ્જતાનન્દદાતા પુરારિ ।।
ભાવાર્થ: શરીરની વાચિક, માનસિક અને કાયિક, ત્રણેય પ્રકારની અશુધ્ધિઓ દૂર કરી દુઃખ- દર્દ હરનારી ઉત્તમ ઔષધિ તુલસીને વૃક્ષનાં અધિષ્ઠાત્રી દેવીનું સ્થાન આપીએ. એમને હૃદયેશ્વરી બનાવનાર દીપજયોતિ સ્વરૂપ શ્રી વિષ્ણુને અને એમની દીપજયોતિને પણ નમસ્કાર કરીએ.
- પરેશ અંતાણી