મહાસુદ તેરસ એટલે પરમકૃપાળુ શ્રી વિશ્વકર્મા મહાપ્રભુનાં અવતરણનો પવિત્રદિન, આ સૃષ્ટિ ઉપર જ્યારે કોઈ પણ પ્રકારનાં માનવ-પ્રાણી સજીવોનો વાસ ન'તો, ત્યારે પૃથ્વી પાતાળ લોકમાં હતી. એવું મનાતું. તેની ઉપર, નીચે ચારેય બાજુ સમુદ્ર જળ ફેલાયેલું હતું. એ વખતે આદિ-નારાયણ એવા વિરાટ વિશ્વકર્મા પ્રભુ સ્વયં બ્રહ્મ સ્વરૂપે પ્રગટ થયા.
તેમણે શેષનાગ સ્વરૂપે ધરાને બહાર લાવીને, શિરપર સમગ્ર પૃથ્વીને રાખીને સ્થિર કરી હતી. સ્વયં કાચબાનું રૂપ ધારણ કરી, પોતાની પીઠ પર શેષનાગ અને પૃથ્વીને આધાર આપ્યો. એમણે વિરાટ સ્વરૂપ ધરીને, મધ્યમાં આસનવાળીને જગત નિયંતાએ પૃથ્વીને સ્થિર કરી. આવા જ રૂપમાં સંકલ્પ વડે ત્રણ સ્વરૂપથી આ સક્લ વિશ્વનું અદ્ભુત સર્જન કર્યું. માટે જ તેઓ વિશ્વકર્મા કહેવાયા.
આ વિશ્વકર્મા નામ જ સૂચવે છે કે તેઓ વિશ્વના રચયિતા દેવ છે. વિશ્વનાં પ્રથમ સ્થપતિ મનાયા છે. જગતનાં કર્તા, રચયિતા વિશ્વકર્મા ચાર હસ્તધારી છે. ત્રિનેત્રધારી છે. હંસ પર બિરાજમાન છે. દાદાનાં પહેલા હાથમાં ગજ છે. જેનાથી જગત નિર્માણનું માપ થાય છે. ગજનાં ૨૪ ઇંચ તે ૨૪ અવતાર છે, તેનાં ૨૪ તત્ત્વો સૂચવે છે. ગજના ૧ થી ૬ ઇંચ એટલે સતયુગ, ૬ થી ૧૨ ઇંચ દ્વાપર યુગ, ૧૨ થી ૧૮ ઇંચ એટલે ત્રેતાયુગ, ૧૮ થી ૨૪ ઇંચ જે કલિયુગનું સૂચન કરે છે.
પ્રભુનાં બીજા હાથમાં સૂત્ર છે. જે જીવાદોરીનું સૂચન કરે છે. પ્રાણી સજીવ સૃષ્ટિ તેમનાં નિર્ધારિત કર્મો પૂર્ણ કરવા આ ધરતી પર રહે છે. પણ જો તેઓ જવાબદારી નિભાવવામાં પીછેહઠ કરશે, તો તેનો નાશ થશે. દાદાનાં ત્રીજા હાથમાં કમંડળ છે, જે જલપાત્રરૂપી કુંભ છે. કમંડળનાં જળથી આ જગતનું સિંચન કર્યું. બ્રહ્મજ્ઞાાનથી ભરેલા પાત્રની કૃપાથી ધરતીનું નવસર્જન થાય છે.
વિરાટ પ્રભુનાં ચોથા હાથમાં પુસ્તક ધારણ કરેલું છે. આ પુસ્તકમાં અખિલ બ્રહ્માંડની ઉત્તપત્તિ, સ્થિતિ, ભય, પ્રલય, મહાપ્રલયનું સંપૂર્ણ વર્ણન કરેલું છે. પ્રચલિત ચાર વેદો પછીનો આ વેદ ગૂઢ ભાષામાં છે. જે પ્રભુનાં કરચરણમાં હંમેશાં જોવા મળે છે. આમાં બ્રહ્મ સ્વરૂપ બીજમંત્રનું વર્ણન છે, જેમાં ચાર વેદ, છ શાસ્ત્ર, અઢાર પુરાણ, ૨૪ અવતાર મળી કુલ્લ બાવન થાય. પણ આ બધામાં અનેરા બ્રહ્મસ્વરૂપનાં બીજમંત્રનું વર્ણન વાંચવા મળે છે.
પ્રભુ વિશ્વકર્માનું વાહન હંસ છે. હંસ હંમેશાં દૂધને ગ્રહણ કરે છે. તે સાચા મોતીનાં ચારા ચણે છે. પ્રભુ બ્રહ્મ મનાયા છે. જીવને હંસલાની ઉપમા અપાયી છે. જ્યારે આત્મા બ્રહ્મ સ્વરૂપ કહેવાયો છે. પ્રભુ પવિત્ર આત્મામાં વસે છે, તે જ્ઞાાન સાથે બુધ્ધિનું પ્રદાન કરે છે.
વિરાટ પ્રભુ વિશ્વકર્માનાં ત્રણ નેત્રમાંનાં એક નેત્રમાં માનવલોક સમાયો છે. બીજા નેત્રમાં માયા સમાયેલી છે. તો ત્રીજાનેત્રમાં બ્રહ્મતેજજ્ઞાાન સમાયેલું છે. પહેલું નેત્ર સત્ત્વગુણી છે, જેના માટે જગતની ઉત્તપતિ થઈ છે. બીજા નેત્રમાં રજો ગુણ છે. માટે વિશ્વનું સર્જન થાય છે, જ્યારે ત્રીજુંનેત્ર તમોગુણથી ભરેલું છે. જે જગતનો જરૂર પડે નાશ કરે છે.
વાસ્તુએ વિશ્વકર્માનાં પાંચપુત્રોમાં સૌથી મોટા પુત્ર ગણાયા છે. પિતા વિશ્વકર્માએ વાસ્તુનું એવું વરદાન આપેલું કે કોઈ નવા ચણતર ઘર-મકાનનાં સર્જનમાં હંમેશાં તારી પૂજા થશે. વાસ્તુનું પૂજન કર્યા બાદ જે કોઈ પણ ગૃહપ્રવેશ કરશે, તેમના નિવાસમાં બધી અશુધ્ધિઓ દૂર થશે, અને તે વ્યકિત સુખ-સમૃદ્ધિ પામશે.
પ્રભુ વિશ્વકર્માની આજ્ઞાાથી જ ઋષિ વાત્સાયને 'વિશ્વ-કર્મા પુરાણ'ની રચના કરેલી.
૧૦૮ નામ ધરાવતા પ્રભુ વિશ્વકર્માની હાજરી જગતમાં સર્વત્ર વર્તાય છે. જ્યાં જ્યાં શિલ્પકામ, નવા આવાસનાં ચણતર, નવા સ્થાપના કૌશલ્યનાં ઇજનેરી કાર્ય કરવામાં આવે છે, ત્યારે પ્રભુ વિશ્વકર્માને જરૂર યાદ કરાય છે. ત્યારે એમના પ્રાગટય દિને એમને વંદન કરીએ.
- પરેશ અંતાણી


