આત્મ શક્તિ અને આત્મ વિજયનું મહાપર્વ વિજ્યાદસમી
આસો માસનાં શુકલ પક્ષ એકમથી નોમ સુધીનાં નવ દિવસ એટલે મા દુર્ગા નવસ્વરૂપોની ઉપાસના, આરાદ્યના, પાપ પ્રશાલન, દોષ નિવારણ કરીને, આત્મશક્તિ જાગૃત કરવાનો સમય. એ પછી દસમા દિવસે આવતું ' વિજ્યાદસમી'નું પર્વ, એ આત્મ શુદ્ધિ અને આસુરી તત્વો પર આત્મવિજ્યનું પ્રતીક પર્વ છે.
શ્રીમદ્ ભાગવદ્ ગીતાનાં ૬ઠ્ઠા અ ધ્યાય ' આત્મ સંયમ યોગ' માના ૫-૬, શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે.
'ઉદ્વારેદાત્મનાત્માનં નાત્માનમવ સાદૃયેત ।
આત્મૈવ હૃયાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મન્ :।।
બન્ધુરાત્માત્માન સ્તસ્ય યૈનાત્મૈવાત્મનાજિત :।
અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત ।।
ભાવાર્થ : પોતાની જાત પરનાં આત્મવિજયથી જ પોતાનો ઉધ્ધાર થઈ શકે. પોતાના આત્માનું ક્યારેય અધ:પતન થવા ન દેવું. માનવીનાં ગુણથી જીતી લીધી છે. એ પોતાનો મિત્ર છે. જેણે પોતાની જાત સામે હાર માની લીધી છે, તો પોતાનો જ શત્રુ છે.
આમ'વિજ્યાદશમી' મનરૂમાંનાં કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર જેવા વિકારોને નવરાત્રિના નવ દિવસ ઉપાસના કરીને એ આત્મ વિજ્યની પ્રતિષ્ઠા- પ્રસ્થાપનાનું મહાપર્વ છે.
ભારતીય સંસ્કૃતિ શૌર્ય શક્તિની ઉપાસક છે, તો દશેરાએ વીરતાનો તથા અન્યાયનાં અંતનો પ્રતીકદિન છે. શૌર્યપુરુષોનાં પરાક્રમોથી સમાજમાં વીરતાનાં ગુણની પ્રેરણા મળે છે. અને આવી વીરતાથી સમાજ ભયમુક્ત બને છે. એટલા માટે જ આ પર્વનાં દિવસે શસ્ત્રો, સરંજામની શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવે છે. તો કાર્યો કરનારા વર્ગો પોતાના સાધનોની પણ પૂજા કરે છે.
ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામે દસ આસુરી તત્ત્વોવાળા રાવણનો નાશ કર્યો, પણ એ આજેય મનુષ્યોની ભીતર વસતી આસુરી વૃત્તિઓનો પુરેપુરો અંત આવ્યો. હજુ પણ ક્યાંક,ક્યાંક એ દુષ્ટ વિકારો પોતાનું માથું ઉંચકતા દેખાય છે. આ વિજ્યાદસમીએ આ બધા આસુરોનો નાશ કરવાનો સંકલ્પ લેવા જેવો છે. દશેરાએ રાવણનું દહન કરતાં પહેલાં માણસ પોતાની જ ભીતર રાવણ ઉભો કરે છે. આખું જગત આજે આંતકવાદનાં ભરડામાં લપટાયેલું છે, જે અસલમાં તો રાણવ જેવી આસુરી વિચારધારા છે.
હજુ આજેય રાવણ તેના વિચારોરુપે સમાજમાં જીવે છે. આની સામે લડવાની પ્રેરણા આપણને શ્રી રામચંદ્રજીનાં જીવનચરિત્રમાંથી મળે છે. એટલે જ તો દરવર્ષે ભજવાતી રામલીલા આટલાં વર્ષો પછી પણ એટલી જ લોક પ્રિય છે. અને તે રસપૂર્વક જોવાય છે. વળી દસ આસુરી તત્ત્વો પર વિજય મેળવવાની સદ્દપ્રેરણા પણ આ પર્વ પરથી મળે છે. આ રીતે 'વિજ્યાદશમી'ની ઉજવણીનો હેતુ ખરેખર ઉમદા છે. માત્ર તેને સાચી રીતે સમજવાની દ્રષ્ટિની જરૂર છે.
તો આવો, શૌર્ય- વીરતાનાં પ્રેરક પર્વ પર આપણે ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ,' હે શ્રી રામ ! અમને આ વિજ્યા દશમીના વિશેષ પર્વ પર આસુરી અને વિકારી તત્ત્વો સામે લડવાની તથા તેના પર વિજ્ય મેળવવાની શક્તિ આપો.
।। સીયાવર શ્રી રામચંદ્ર કી જય ।।
- પરેશ અંતાણી