ત્રિદેવાંશ આધ્યાત્મ ગુરુ ભગવાન શ્રી દત્તાત્રેય
માગસર સુદ ચૌદસ એટલે 'દત્ત જયંતી, ભગવાન શ્રી દત્તાત્રયની જન્મ જયંતી. ભગવાન શ્રી દત્તાત્રેયની ઉપાસના સાધકો માટે ભૌતિક ઉન્નતિ કરતાં સવિશેષ આધ્યાત્મિક ઉન્નતિ માટે વધારે મહત્ત્વની છે. આજે પણ ભગવાનનાં આવા ભાવિકોનો પુરાણકાળથી દત્તસંપ્રદાય તરીકે પ્રચલિત પંથ ચાલ્યો આવે છે.
ભગવાન શ્રી દત્તાત્રેયની અવતારગાથા રસપ્રદ છે. એક સમયે અત્રિઋષિનાં આશ્રમમાં, દેવી અનસૂયાનાં સતીત્વની પરીક્ષા કરવા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ભિક્ષા માંગતા તેના દ્વારે ગયા. પરંતુ તેઓએ ત્યાં સતી સમક્ષ અનુચિત માંગણી કરી. પણ મહાસતીએ ત્યારે પોતાનાં સતીત્વ તથા તપસ્યાનાં પ્રભાવથી એ ત્રિદેવોને બાળકો બનાવી દીધા પછી જ તેમને ભિક્ષા આપી વિદાય કર્યા. ત્રણેય દેવો, સતીનાં પ્રેમભર્યા વ્યવહારથી પ્રભાવિત થયા. એમને મનોમન વંદન કરી, તેમને માતૃસ્વરૃપે જોવા તથા પૂજવાની મંછા વ્યક્ત કરી.
આમ બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશનાં અંશાવતાર રૃપે જન્મેલ બાળક તે'દત્ત'. મહર્ષિ અત્રિએ પણ એ વખતે ઇશ્વરને પ્રાર્થના કરેલી,'હે પ્રભુ ! તું મને એવું સંતાન આપ કે જેમાં સર્જન કરનાર બ્રહ્મા, પાલન કરનારા વિષ્ણુ અને વિસર્જન કરનારા શિવજી જેવી સંહારક શક્તિ પણ હોય. થોડા સમય બાદ સતી અનસૂયાનાં કૂખે તેજસ્વી. સર્વ ગુણ સંપન્ન દત્તે પુત્રરૃપે જન્મ લીધો. દત્ત અત્રિઋષિનાં ગુણ સંપન્ન સંતાન તરીકે 'આત્રેય' કહેવાયા, અને તેમનું નામભિધાન 'દત્તાત્રેય થયું.
આ પ્રમાણે બાળક દત્તમાં બ્રહ્માજીનાં રજો ગુણ સમાન સોમ, વિષ્ણુજીનાં અંશમાંથી સત્ત્વગુણ દત્ત અને શિવ શંકરના અંશમાંથી તમો ગુણ દુર્વાસાનાં ગુણ આવ્યા- જેમાંથી શ્રી દત્તને ભગવાન વિષ્ણુ દ્વારા 'અહં તુભ્યં મયાદત્ત' નાં આશીર્વાદ મળ્યા. ભગવાન દત્તાત્રેયનાં એક હસ્તમાં સર્જનહાર બ્રહ્માજીનાં કમંડળ અને માળા છે. કમંડળમાં રહેલું જળ એ સર્વે જીવોનું જીવન છે. તો બીજા હાથમાંની માળા એ ભક્તિનાં પ્રતીક સમાન છે. ભક્તિ એ માનવજીવનને પ્રાણવાન બનાવવામાં મોટો ફાળો આપે છે.
શ્રી દત્તનાં એક અન્ય હસ્તમાં પાલક દેવ વિષ્ણુનાં શંખ અને ચક્ર છે. જે જગતનાં સર્વે, પ્રાણીઓ માટે શ્રેય અને કલ્યાણનો નિર્દેશ કરે છે, દત્ત પ્રભુશ્રીનાં હસ્ત કમળમાં શિવજીનાં ત્રિશુળ તથા ડમરુ છે, જે સૂચવે છે, સજીવોની સૃષ્ટિમાં જ્યાં સંહાર છે. ત્યાં સૂર અને તાલનો લય પણ છે, જેમકે જીર્ણ-શીર્ણ જીવન ખરી પડે, તો જ નવસર્જનનાં સંગીતનાં સૂર રેલાય. ભગવાન શ્રી દત્તાત્રેયને નિસર્ગમાંથી જે કુદરતી તત્વો ભેટ રૃપે શિક્ષા મળતી તે સર્વેને તેમણે ગુરુ પદે સ્થાપ્યા. એક પૌરાણિક માન્યતા અનુસાર તેમનાં '૨૪' ગુરુઓ હતા, જેવા કે પૃથ્વી, વાયુ, આકાશ, જળ, નદી, સાગર, સૂર્ય-ચંદ્ર, તારા વગેરેથી દત્તાત્રેયશ્રીને ક્ષમા, અનાસક્તિ તેજસ્વીતા, પ્રસન્નતા, ગંભીરતા, અપરિગ્રહ, સમદ્રષ્ટિ, સમર્પણભાવના, સ્વાવલંબન, ત્યાગ તેમજ મધુરવાણીની શિક્ષા મળી હતી.
તેમનાં ધરતી પરનાં ઇશ્વરાવતાર દ્વારા સૌને પ્રેરણા આપે છે કે સંસારમાં આપણી આસપાસનાં સંપર્કમાં આવતા અનેક કુદરતી તત્ત્વો, આપણને સતત કંઈને કંઈ શિક્ષણ આપતા રહે છે, જરૃરત છે આ બધામાંથી સારરૃપે સારા તત્વો ગ્રહણ કરીને આપણા જીવનને સદાચારથી સાર્થક બનાવીએ. ત્રિદેવ સ્વરૃપ, સર્વગુણ સંપન્ન ભગવાન શ્રી દત્તાત્રેયને તેમને ખૂબ ખૂબ વંદના.
- પરેશ અંતાણી