Magazines

પંકજ કપૂર : મને 'મકબૂલ'માં અબ્બાજીની ભૂમિકા ભજવવાની ખાતરી નહોતી...

By GS TEAM
30 Apr 20264 mins read
પંકજ કપૂર : મને 'મકબૂલ'માં અબ્બાજીની ભૂમિકા ભજવવાની ખાતરી નહોતી...

- 'મને પછી ખબર પડી કે વિશાલ ભારદ્વાજે પહેલાં નસીરુદ્દીન શાહને આ ભૂમિકા ઓફર કરી હતી, પરંતુ તેમને અન્ય પાત્ર ભજવવામાં રસ હતો  એટલે તેમણે આ રોલ માટે  મારું નામ સૂચવ્યું...'

પંકજ કપૂર એક નખશીખ અદ્ભુત અદાકાર છે એની ના નહીં, પણ આ અભિનેતાએ અભિનયની શરૂઆત કેવી પરિસ્થિતિ અને સંજોગો વચ્ચે કરી એ પણ જાણવું એટલું જ રસપ્રદ છે. લગભગ ૧૮ વર્ષની વયે અભિનયમાં કારકિર્દી ઘડવાની ઇચ્છા થઈ અને આ વાતની જાણ તેમના પિતાને થઈ ત્યારે તેમણે પૂછ્યું, 'શું તે (અભિનય) ગ્લેમર છે, જે તેને આકર્ષક લાગે છે કે શું તેનામાં અભિનય કરવાની ક્ષમતા છે?' આ પ્રશ્નને જવાબ શોધવા પંકજ કપૂરે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જોડાવાનું નક્કી કર્યું. જ્યારે તેઓ એનએસડીમાં જોડાવા માટે ઘરેથી નીકળી રહ્યા હતા, ત્યારે તેમના પિતા, એક અંગ્રેજ પ્રોફેસરે તેમને કહ્યું કે હવે પાછળ ફરીને જોતો નહીં. પંકજ કપૂર પણ તેમની વાતને અનુસર્યા. પાંચ દાયકાની લાંબી કારકિર્દીમાં પંકજ કપૂરે વિવિધ શૈલીમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કર્યું અને એક અફલાતૂન અભિનેતા સાબિત થયા.

તાજેતરની વાતચીતમાં પંકજ કપૂરે તેમની શો-બિઝનેસની જર્ની, એનએસડીના દિવસો અને અન્ય ઘણી બાબતો અંગે દિલ ખોલીને વાત કરી છે, જે નવા કલાકારો અને વાચકો માટે અત્યંત રસપ્રદ બની રહેશે, એ તો ચોક્કસ છે.

'મકબૂલ'માં અબ્બાજીની ભૂમિકાનું ચિત્રણ

વાતચીત દરમિયાન અભિનેતા પંકજ કપૂરે પોતાના શક્તિશાળી સ્ક્રીન પરફોર્મન્સ તરફ આગળ વધતા જણાવ્યું, 'જ્યારે વિશાલ ભારદ્વાજે આ રોલની ઓફર કરી ત્યારે મને પૂરેપૂરી ખાતરી નહોતી કે આ ભૂમિકા હું ભજવી શકીશ કે નહીં, પણ તેઓ તો મને આ ભૂમિકા ભજવવા માટે ખાસ આગ્રહ કરતા રહ્યા. આથી, મેં તેમને સ્ક્રિપ્ટ મારી પાસે છોડી દેવા કહ્યું અને ઉમેર્યું કે હું એક મહિનાની અંદર પાછો આવીશ. આખરે મેં સંમતિ આપી,' એમ પંકજ કપૂરે જણાવ્યું. આ પછી તેમણે કહ્યું, 'મને પછીથી ખબર પડી કે ભારદ્વાજે પહેલા નસીરુદ્દીન શાહને આ ભૂમિકા ઓફર કરી હતી, પરંતુ તેમને અન્ય પાત્ર ભજવવામાં રસ હતો અને પોતાને બદલે તેમણે મારું નામ સૂચવ્યું. ઘણી બેઠકો અને ચર્ચાઓએ અબ્બાજીના પાત્રને વધુ અસરકારક રીતે આકાર આપવામાં મદદ કરી. 

ઉદાહરણ તરીકે, મેં વિશાલને સૂચવ્યું હતું કે અબ્બાજી જે ઊંચાઈમાં ટૂંકો છે, તેને ઊંચા, સુઘડ બોડીગાર્ડ્સથી ઘેરાયેલો રાખવો જોઈએ. વિચાર એ હતો કે તે અબ્બાજીના અધિકાર અને શક્તિને સૂક્ષ્મ રીતે પ્રતિબિંબિત કરશે,' એમ પંકજ કપૂરે કહ્યું. જેમણે ફિલ્મમાં ઇરફાન અને તબ્બુ સાથે અભિનય કર્યો હતો.

અલ્કાઝીસાહેબનો આભાર

પંકજ કપૂરે પોતાના એનએસડીના દિવસો વિશે વાત કરતાં કહ્યું ત્યારે તેમના અવાજમાં એક સ્પષ્ટ ખુશી ઝળકતી હતી. અભિનયની દુનિયામાં પ્રવેશતા બધા લોકો કોન્સ્ટેન્ટિન સ્ટેનિસ્લાવસ્કીને પકડી રાખે છે. સ્ટેનિસ્લાવસ્કીનું નામ ખૂબ જ આદરથી લેવામાં આવે છે. મારા પહેલાં વર્ષમાં હું એનએસડીની લાઈબ્રેરીમાં ગયો અને સ્ટેનિસ્લાવસ્કીનું 'એન એક્ટર પ્રિપેયર્સ' પુસ્તક માગ્યું. આ વાતને યાદ કરતાં પંકજ કપૂર કહે છે, 'યોગાનુયોગ સંસ્થાના તત્કાલિન ડિરેક્ટર ઇબ્રાહિમ અલ્કાઝી મારી સામે ચાલી રહ્યા હતા. તેમને મારી તરફ જોયું અને પૂછ્યું કે મેં ક્યું પુસ્તક લીધું છે? અને મેં ગર્વથી કહ્યું, સાહેબ મેં 'એન એક્ટર પ્રિપેયર્સ' પુસ્તક લીધું છે. આ પછી મને આશ્ચર્ય થયું કે તેમણે મને પુસ્તક પાછું રેક પર રાખવા કહ્યું.' પંકજ કપૂરે તેને પૂછ્યું કે શા માટે? અને અલ્કાઝીના જવાબથી મારો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. તેમણે મને કહ્યું કે સ્ટેનિસ્લાવસ્કીએ ૪૦ વર્ષના થિયેટરના અનુભવ પછી આ પુસ્તક લખ્યું છે અને દુનિયાને મેથડ એક્ટિંગનો ખ્યાલ આપ્યો છે. તેમણે મને કહ્યું, 'પહેલા તમારે પોતાનો રસ્તો બનાવવો પડશે. એકવાર તમે તે પ્રાપ્ત કરી લો પછી તમે આ પુસ્તક વાંચી  શકો છો. મારો વિશ્વાસ કરો, એનએસડીમાંથી પાસ થયાને ૫૦ વર્ષ થઈ ગયા છે અને મેં હજુ સુધી પુસ્તક વાંચ્યું નથી. મને મારી પોતાની દુનિયા શોધવાની તક આપવા બદલ હું અલ્કાઝી સાહેબનો ખૂબ આભારી છું,' એમ પંકજ કપૂરે શેર કર્યું છે.

'જાને ભી દો યારો' અંગે...

કુન્દન શાહની કલ્ટ-કોમેડી ફિલ્મ 'જાને ભી દો યારો'માં બિલ્ડર તનરેજાની ભૂમિકા ભજવનાર કપૂર કહે છે કે ઘણા લોકોએ ફિલ્મની રિમેક બનાવવાનું વિચાર્યું છે, પરંતુ આજ સુધી કોઈએ કર્યું નથી. 'મને લાગે છે કે આવી ફિલ્મો જીવનમાં ફક્ત એક જ વાર બને છે ઘણા લોકોએ ફિલ્મમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, પરંતુ કુન્દન શાહનું નામ તે યાદીમાં પહેલું આવે છે. આટલી મહેનત અને ઓછા પૈસાથી વિચારવું, લખવું અને પછી તેનું અમલીકરણ કરવું તે તેમના માટે પ્રશંસનીય હતું. આ એક એવી ફિલ્મ છે જે આવનારા લાંબા સમય સુધી દર્શકો સાથે રહેશે,' પંકજ કપૂરે શેર કર્યું.

શાહિદ કપૂરની ફિલ્મોની પસંદગી

શાહિદ કપૂરના વ્યાવસાયિક કાર્યોની પ્રશંસા કરતાં જેમને 'મૌસમ' ફિલ્મમાં તેમનું દિગ્દર્શન કર્યું છે. તેમણે કહ્યું, 'તેને દિગ્દર્શિત કરવું સરળ નથી કારણ કે તે એક વિશાળ સ્ટાર અને ઉત્તમ કલાકાર છે. હું એ કહેવા માગું છું કે તે તેમના વય-જૂથમાં શ્રેષ્ઠ છે. જે પ્રકારના પાત્રો તે પસંદ કરે છે, તે માટે હિંમતની જરૂર છે કારણ કે તે એક સ્ટાર છે.'