Magazines

પેન્ટલનો બોલીવૂડની સોશિયલ મીડિયા ઘેલછા સામે આક્રોશ

By GS TEAM
21 May 20264 mins read
પેન્ટલનો બોલીવૂડની સોશિયલ મીડિયા ઘેલછા સામે આક્રોશ

- બે વર્ષ જૂનો વીડિયો વાયરલ થયો

- પેન્ટલનો ફરીથી પ્રસારિત થયેલો વીડિયો વ્યાપક રીતે વાયરલ થઈ રહ્યો છે કારણ કે તેમાં આજના મનોરંજન ઉદ્યોગમાં ચાલી રહેલી વ્યાપક ચર્ચાનું પ્રતિબિંબ છે. 

દિગ્ગજ કલાકાર કંવરજીત પેન્ટલનો બે વર્ષ જૂનો વીડિયો અચાનક ફરીથી ઓનલાઈન ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે અને મનોરંજન ઉદ્યોગમાં પ્રતિભા, દ્રશ્યતા તેમજ કાસ્ટિંગ નિર્ણયોમાં સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વિશે તીખો વિવાદ જગાવ્યો છે. પેન્ટલ માટે, જો કે આ પ્રતિસાદ આશ્ચર્યકારક નથી. પેન્ટલ જણાવે છે કે જે મુદ્દા વિશે તેણે ત્યારે વાત કરી હતી તે હવે સમય  જતા વધુ વકરી ગયો છે.

પેન્ટલ સ્પષ્ટતા કરે છે કે તેનો મૂળ હેતુ અંગત નિષ્ફળતા વિશે ફરિયાદ કરવાનો બિલકુલ નહોતો. તેના સ્થાને તે ઉદ્યોગમાં ઊંડે સુધી ખૂંપી ગયેલા ગેરવાજબી વલણને પ્રકાશિત કરવાનો હતો, જેમાં વર્ષોની તાલીમ અને અનુભવ ધરાવતા કલાકારોના  સ્થાને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવનારને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પેન્ટલના મતે અનેક પ્રોડયુસરો અને ચેનલ અધિકારીઓ હવે સોશિયલ મીડિયાને લોકપ્રિયતાના શોર્ટકટ તરીકે જુએ છે અને  ઘણીવાર આ પ્રક્રિયામાં ખરી અભિનય ક્ષમતાની અવગણના કરે છે.

પેન્ટલને આ અભિગમ ખાસ કરીને પોતાની કલાને ઉત્કૃષ્ટ બનાવવા દાયકાઓ સુધી મહેનત કરનાર કલાકારો માટે હતાશાજનક લાગે છે. મનોરંજન ઉદ્યોગમાં લગભગ ૫૮ વર્ષથી કામ કરનાર પેન્ટલ માને છે કે અભિનય એવી કળા છે જે અનુશાસન, નિરીક્ષણ અને અનુભવ દ્વારા ઘડાય છે, માત્ર ઓનલાઈન દ્રશ્યતા દ્વારા નહિ. પોતાની સફર વિશે ચિંતન કરતા પેન્ટલ નોંધ કરે છે કે તેણે લગભગ ચારસો જેટલી ફિલ્મો તેમજ આઈકોનિક મહાભારત સહિત અનેક  ટીવી સીરીયલોમાં કામ કર્યું છે. પોતાના આટલા વ્યાપક કાર્ય છતાં પેન્ટલ જણાવે છે કે તેને ઘણીવાર આજના મનોરંજન ઉદ્યોગ પર પ્રભુત્વ ધરાવનાર ડિજિટલ સંસ્કૃતિમાંથી બાકાત રહ્યાની લાગણી થાય છે.

આ દિગ્ગજ કલાકાર નિખાલસતાથી કબૂલ કરે છે કે તે ટેકનોલોજી અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ખાસ પરિચિત નથી. પેન્ટલ જણાવે છે કે તેને સોશિયલ મીડિયા પર રીલ અપલોડ કરતા પણ નથી આવડતું, જેના કારણે અનેક વરિષ્ઠ કલાકારોને લાગુ પડે તેવો સવાલ ઊભો થાય છે, શું ડિજિટલ કુશળતાનો અભાવ હોય તેવા કલાકારનું કોઈ મૂલ્ય નથી? પેન્ટલ માટે તેનો જવાબ ભારપૂર્વકનો 'ના' છે. પેન્ટલ દલીલ કરે છે કે અભિનય ક્ષમતાનું મૂલ્યાંકન ફોલોઅરની સંખ્યાથી ન જ થવું જોઈએ.

પેન્ટલને સૌથી વધુ પરેશાન કરનારી બાબત છે કાસ્ટિંગ વ્યાવસાયિકોનો અભિગમ જ્યારે તેઓ ખુલ્લેઆમ કહે છે કે અમુક પ્રોડક્શન હાઉસને માત્ર વિશાળ સંખ્યામાં ઓનલાઈન ફોલોઅર્સ જણાવતા કલાકારોની જરૂર છે. આવો એક વાર્તાલાપ હજી તેને યાદ છે જ્યારે એક કાસ્ટિંગ વ્યક્તિએ તેને સાફ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ ફોલોઅર્સ ધરાવતા પરફોર્મરો શોધી રહ્યા છે. આ ઘટનાએ તેની માન્યતાને દ્રઢ કરી કે ઉદ્યોગ લાયકાત પર કેન્દ્રિત થવાની બદલે ઉપરછલ્લા માપદંડો તરફ વળી રહ્યો છે.

પેન્ટલે એવી ધારણાને પણ પડકારી છે કે સોશિયલ મીડિયાની લોકપ્રિયતા આપોઆપ દર્શકોની દ્રષ્ટિએ સફળતામાં પરિવર્તિત થઈ જાય છે. લાખો ઓનલાઈન ફોલોઅર્સ હોવાથી ખરેખર દર્શકો ફિલ્મ જોવા આવશે તેવા દ્રષ્ટિકોણ સામે પેેન્ટલ સવાલ ઉઠાવે છે. તેના મતે ઓનલાઈન આંકડાઓ ઘણીવાર ગેરમાર્ગે દોરનારા હોય છે અને શક્તિશાળી પફોર્મન્સ દ્વારા દર્શકો સાથે ભાવનાત્મક સંબંધ જોડતા પ્રતિભાશાળી કલાકારોની જગ્યા ન લઈ શકે. પેન્ટલ ભારપૂર્વક જણાવે છે કે હજી પણ પ્રોજેક્ટની સફળતા આલ્ગોરીધમ અથવા વાયરલ ટ્રેન્ડ દ્વારા નહિ પણ વાર્તા કહેવાની શૈલી, વિશ્વસનીયતા અને અભિનયના ઊંડાણ પર નિર્ભર કરે છે.

હવે ૮૦ વર્ષની વયે પહોંચેલો પેન્ટલ જણાવે છે કે તેણે વ્યાવસાયિક ધોરણે જે હાંસલ કરવું હતું તે લગભગ બધુ કરી લીધું છે અને હવે તે અંગત લાભ માટે નથી બોલી રહ્યો. તેના સ્થાને તેની ચિંતા યુવા અને લાયકાત ધરાવતા કલાકારો માટે છે જેઓ સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુઅન્સર્સ ન હોવાને કારણે તકો ગુમાવી રહ્યા છે. પેન્ટલ માને છે કે અનેક પરિશ્રમ કરનારા પરફોર્મરો પાસે સમર્પિતતા અને પ્રતિભા હોવા છતાં તેમની અવગણના થઈ રહી છે.

પેન્ટલનો ફરીથી પ્રસારિત થયેલો વીડિયો વ્યાપક રીતે વાયરલ થઈ રહ્યો છે કારણ કે તેમાં આજના મનોરંજન ઉદ્યોગમાં ચાલી રહેલી વ્યાપક ચર્ચાનું પ્રતિબિંબ છે. ઉદ્યોગમાં જ્યારે ઈન્ફ્લ્યુન્સર કલ્ચર વધુને વધુને વ્યાપક બની રહ્યું છે ત્યારે પેન્ટલના શબ્દો યાદ અપાવે છે કે લોકપ્રિયતા અને પ્રતિભાને એક સમાન ન ગણી શકાય. તેના માટે સંદેશ સરળ અને મહત્વનો છે: ફોલોઅર્સ દ્રશ્યતા રચી શકે, પણ સ્થાયી કલાનું નિર્માણ તો પ્રતિભા જ કરી શકે.