Magazines

સુખ દુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં...

By GS Team
5 Feb 20204 mins read
This article was originally published on 5 Feb 2020
સુખ દુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં...

સુખની ઇચ્છા કરવા છતાં ઘણીવાર તે મળતું નથી અને દુ:ખની ઇચ્છા કર્યા વગર અચાનક આવી પડે છે. શ્રી રામચંદ્ર ભગવાનના રાજ્યાભિષેકનું મુહૂર્ત સ્વયં બ્રહ્માજીના માનસ પુત્ર સ્પતર્ષિ, બ્રહ્મર્ષિ જ્ઞાાની એવા વશિષ્ઠ ઋષિએ જોયું હતું છતાં સવારે વનવાસ. શ્રી કૃષ્ણનો જન્મ કારાવાસમાં થયો. કંસે બાળકૃષ્ણની હત્યા કરવામાં કશું જ બાકી રાખ્યું નહોતું. મથુરા, ગોકુળ, વૃંદાવન, દ્વારકા- ક્યાંય ઠરીઠામ ન થયા અને પોતાની નજર આગળ સમગ્ર યાદવકુળનો નાશ જોયો. અગ્નિદાહ આપવા પણ કોઈ બચ્યું નહિ. નિયતિ ભગવાનને પણ છોડતી નથી.

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, પુત્ર, પત્નીની ભરબજારે હરાજી થઈ. સગા પુત્રને બાળવા ખુદની પત્ની પાસે લાગો માગવો પડે એથી વધારે કરૂણ બીજી ઘટના મળવી મુશ્કેલ છે. શ્રીકૃષ્ણની પરમ ભક્ત મીરાંબાઈને ઝેરનો પ્યાલો પીવો પડયો. નરસિંહ મહેતાની કથા-વ્યથા કોણ નથી જાણતું ? નળ રાજાને રાણી દમયંતી સાથે અર્ધા વસ્ત્રે વનમાં ભટકવું પડયું હતું. જે પાંચ પાંડવો તમામ રીતે સમર્થ હતા એમને બાર વરસ વનવાસ, ભરી સભામાં રજ:સ્વલા સ્થિતિમાં દુ:શાસને દ્રૌપદીનાં વસ્ત્ર ખેંચ્યાં જે સૌની શરમની પરાકાષ્ટા હતી ! મહાભારતનું યુદ્ધ કોઈ રોકી શક્યું નહિ.

પાંચ સતીઓમાં જેમનું નામ અગ્રસ્થાને છે તેવાં સીતાજીને પોતે પવિત્ર છે એ સાબિત કરવા જાહેરમાં વારંવાર અગ્નિપરીક્ષા આપવી પડે એથી ચડિયાતી બીજી કોઈ દર્દનાક દશા હોઈ શકે ખરી ? પ્રેમ જ જેનો શિલાલેખ હતો. માઈલ સ્ટોન હતો એ ઇસુ ખ્રિસ્ત ભગવાનને હાથમાં ખીલા ઠોકી જાહેરમાં જીવનલીલા સંકેલવી પડે એ વેદના કોને કહેવી ? એ તો રામબાણ વાગ્યાં હોય તે જાણે ! આવાં અનેક ઉદાહરણોથી ધર્મશાસ્ત્રો ભરપૂર છે.

જ્યારે બીજાનાં દુ:ખ જોઈએ ત્યારે ખબર પડે છે કે આપણું દુ:ખ તો કંઈ જ નથી. અહીં તો ઘણાને એસ.ટી.બસમાં બેસવાની જગા નથી મળતી તો પણ ધુઆપુઆ થઈ જાય છે. સુખ દુ:ખ એ તો દિવસ- રાતની જેમ દરેકના જીવનમાં સાપેક્ષ અને નિશ્ચિત જ છે. દુ:ખ વખતે તમે કેટલી ધીરજ ધરી શકો છો એ મહત્ત્વનું છે. આખું જીવન દુ:ખમય રહ્યું છતાં શ્રીકૃષ્ણ ક્યારેય રડયા નથી. પ્રાત : સ્મરણીય કથાકાર શ્રી ડોંગરેજી મહારાજ અને જેમને મહાકાલી સાક્ષાત્ હતાં એવા શ્રી.રામકૃષ્ણ પરમહંસને કેન્સર હોવા છતાં ય કોઈ જ માગણી કરી નથી.

એક ભાઈ બળબળતા વૈશાખમાં જતા હતા, પગમાં ચંપલ નહિ, ખૂબ દુ:ખી થયા, ભગવાનને ઠપકો આપવા લાગ્યા. મારી સાથે જ આવું કેમ ? એ જ વખતે જેને બે પગ કપાયેલા છે એવા એક ભાઇ બંને પગે ઘોડી રાખી સામે આવાતા જોયા. ચંપલ વગરના ભાઈ બોલ્યા પ્રભુ ! તારો આભાર. ભલે ચંપલ નથી પણ બે પગ તો છે ! સ્થિતિ ગમે તેવી હોય એની સાથે તમારો અભિગમ કેવો છે એ જ તમારા દુ:ખની દવા છે. આ દિવસો પણ ચાલ્યા જશે.

એવો મક્કમ નિર્ધાર કરી અહીં એવા ઘણાય છે જેમણે દુ:ખોને ઠોકર મારી સુખના આગમનને વધામણી આપી હોય. કોઈ રણમાં ઠોકર તો મારી જુઓ, છે સંભવ કે મીઠું ઝરણ નીકળે ! હિંમતે મર્દા તો મદદે ખુદા. અહીં કશું જ કાયમ ટક્તું નથી. સુખ કાયમ ટક્તું નથી તેમ દુ:ખ પણ કાયમ ટક્તું નથી. રામ રાખે તેમ રહીએ ઓધવજી.. રામ રાખે તેમ રહીએ... એ સુખની ચાવી છે. કોઈ દિન ભોજન શીરોને પૂરી. તો કોઈ દિન ભૂખ્યા રહીએ એ દુ:ખનું તાળું ખોલી નાખી સુખનું પ્રવેશદ્વાર બની જાય છે. એક જ ચાવીથી તાળું બંધ થાય છે અને બંધ તાળું ખોલી પણ શકાય છે- જે સુખદુ:ખને બરાબર બંધબેસતી છે.

કોક દિન ઇદ અને કોક દિન રોજા, ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં. ગુજારે જે શિરે તારે જગતન નાથ તે સ્હેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લે જે. દુ:ખ આવે છે ત્યારે એ કંઈક સંદેશ લઈને આવે છે. દુ:ખમાં થતી ભક્તિ માનવશક્તિનો અસલી મિજાજ છે. કુંતા માતાએ શ્રી કૃષ્ણ પાસે દુ:ખ માગ્યું. સુખે સાંભરે સોની, દુ:ખમાં સાંભરે રામ. જગતમાં ભાગ્યે જ કોઈ જીવ એવો હશે જેને ક્યારેય દુ:ખ જ ન પડયું હોય ! દુ:ખમાં ધીરજ ધરો, ભગવાન ઉપર ભરોસો રાખો, પુરુષાર્થ કરો. જીત તમારી છે. દુ:ખની આજીવન જડીબુટ્ટી નરસિંહ મહેતા આપણને આપી ગયા છે. વાંચો તે શું કહે છે ?

સુખ દુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,

ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.

એ વિચારી હરિને ભજ, તે સહાય જ કરશે,

જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરસે..

- પી.એમ.પરમાર