બસ, એટલી સમજ મને પરવરદિગાર દે ; સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.
'સર્વેડત્ર સુખિન : સન્તુ,
સર્વે સન્તુ નિરામયા ;
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ,
મા કશ્ચિત્ દુ:ખમાપ્નુયાત.'
'બધા અહીં સુખી થાવ, સૌ નિરોગી બની રહો, સૌ કોઈનું કલ્યાણ થાવ, અહીં કોઈને પણ ક્યારેય કોઈ દુ:ખ થાય નહિ.'- આ વૈદિક પ્રાર્થના છે જેનું ફલક વૈશ્વિક છે, જેમાં આપણા મહાન ઋષિમુનિઓની દીર્ઘદૃષ્ટિની ઝલક છે, ખલકની તલપ છે. એ તો સર્વવિદિત છે કે જ્યારે તમે કોઈનું ભલુ ઇચ્છો છો ત્યારે ખુદ ભગવાન તમારું ભલુ કરવા તલપાપડ થઈ જાય છે. સીયરામમય સબ જગ જાની, કરઉ પ્રણામ જોરિ જુગ પાનિ. સૌમાં એક ભગવાન છે પછી ભેદનો છેદ ઊડી જાય છે. ભલા થાવ અને ભલું કરો, સૌના ભલામાં આપણું જ ભલું છે- આટલું સમજાઈ જાય એટલે બેડો પાર.
માણસ જો પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિએ જુએ તો અરધું જગત શાંત થઈ જાય. આવું બને તો સુખ ચેપી બની બધે ફેલાય. એટલે જ હીરાપારખુ કરતાં પીડાપારખું પૂજાય છે. આપણો નરસિંહ મહેતો વેદપારખું હતો. એ ગાઈવગાડી કહે છે : વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ ભજન મુજબ જે જીવે તેને પછી મંદિરે જવાની જરૂર જ નથી. કેમકે એ ખુદ હરતું ફરતું મંદિર બની જાય છે. મધર ટેરેસા આનું સર્વોત્તમ ઉદાહરણ છે. સંત થવા પૈસાદાર હોવું જરૂરી નથી, તારણહાર થવું જરૂરી છે.
તમે સુખી અને નિરોગી હો તો જ કલ્યાણની ભાવના જાગે. કલ્યાણ કરવું એ જ જીવનનો હાઈવે ધોરી માર્ગ છે. કરો તેવું પામો, વાવો તેવું લણો, કર્મ એ જ ધર્મ છે. સૌનું કરો કલ્યાણ. દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ એ પ્રાર્થના સવારની ચાની જેમ એક ટેવ બનવી જોઈએ. ઘરસે મસ્જિદ હૈ બહુત દૂર.. ચલો યૂ કિયા જાય.. કિસી રોતે હુએ બચ્ચેકો હસાયા જાય. નમાજ કે પ્રાર્થના કે મંદિર દર્શન વગર પણ ભગવાનને પ્રસન્ન કરવાના અનેક રસ્તા છે. જે દે ટુકડો, તેને હરિ ઢુકડો. આપ ભલા તો જગ ભલા.
મલાઈ વગરનું દૂધ શા કામનું ? એમ ભલાઈ વગરનું જીવન શા કામનું ? ઋષિની પછીની પ્રાર્થના છે કોઈને ય કશું દુ:ખ ન હોય. દ્વારકામાં દિલ હતું એટલે, સાહ્યબી મેવાડની ત્યાગી હતી. દુ:ખની ગેરહાજરી એ સુખ નથી પણ દિલની અમીરી સુખનું સાચુંં સરનામું છે. ઘણીવાર તો એક પણ દુ:ખ ન હોવા છતાં માણસ દુ:ખી દેખાય છે. તો ઘણાને એક પણ સુખ ન હોવા છતાં લેશમાત્ર દુ:ખી નથી હોતા. મંદિરની બહાર ગરીબો પરિવાર સાથે હસતા જોવા મળે છે તો અમીરોને પરિવાર વગર મંદિરની અંદર અહીં રડતા પણ જોયા છે- જે હસતા થાય અને કોઈ દુ:ખ ન આપે અને દુ:ખ ન પામે એવી ઋષિપ્રાર્થના જ સુખનું આમંત્રણ આપતી કુમકુમ પત્રિકા બની જાય છે એ ઋષિને વંદન.
'બસ, એટલી સમજ મને પરવરદિગાર દે ; સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.'
વસુધૈવ કુટુંબકમ્- આખી પૃથ્વી એક પરિવાર છે એ વિચાર જ વસુધૈવ કુટુંબક્રમ્ - આખી પૃથ્વી એક પરિવાર છે એ વિચાર જ રોમાંચનો ફૂવારો બની જાય છે. સુખી કરવાની ભાવના પવિત્ર ગંગાજળ બની જાય છે. આ હકારાત્મક વિચાર લાગણીનું ઝરણું બને છે અને માણસની માણસાઈ શિવલિંગ ઉપરની જળાધારીનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે સત્યમ્ શિવમ સુદરમ્નો ત્રિવેણી સંગમ બની સૌનો સુખસાગર બની જાય છે, જે ભગસાગરને પાર કરવાની નૈયા બને છે ત્યારે નૈયાના સૂત્રધાર સ્વયં ભગવાન નાવિક બની બધું સંભાળી લે છે સુખ જ સુખ છે, દુ:ખનો દેશવટો છે.
કોઈ આંખ જો ભીની થઈ તો, કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ- એવા અંગુલિનિર્દેશ સાથે ઋષિએ વિચારની વહેંચણી કરી નાખે છે ત્યારે જે થયું સારું થયું ને જે થશે સારું થશે, એટલી સમજણ હશે તો આ જગત તારું થશે એવી શુભેચ્છા સાથે સૌ વાચકોને નૂતન વર્ષાભિનંદન.
- પી.એમ.પરમાર