Magazines

કાળક્રમે ક્રમશ : વિસ્તૃત થયું છે મહાદેવનું નટરાજ સ્વરૂપ

By GS TEAM
11 Aug 20254 mins read
કાળક્રમે ક્રમશ : વિસ્તૃત થયું છે મહાદેવનું નટરાજ સ્વરૂપ

- નાટેશ્વર, નૃતેશ્વર, નાટકેશ્વર, ભૈરવ કે નટરાજ નામે ઓળખાતાં 'નૃત્યના દેવ' ભારતીય વિચારધારાનો સાર રજૂ કરે છે

ભારતની ધાર્મિક પરંપરામાં સંખ્યાબંધ દેવીદેવતાઓની પૂજા-અર્ચના કરવામાં આવે છે. વળી આ દેવીદેવતાઓ પણ વિધવિધ સ્વરૂપમાં જોવા મળે છે. સર્જક, સૌમ્ય, રૂદ્ર, કૃપાળુ કે આશિષ વરસાવતાં દેવદેવીનાં દર્શન કરીને સહેજે એમ લાગે કે માનવીમાં રહેલો આ બધાં ગુણ-રૂપ ઈશ્વરનાવિવિધ રૂપને રજૂ કરે છે. માનવમાત્રમાં ઈશ્વર સમાયેલો છે તેનો આનાથી મોટોે પુરાવો બીજો કયો હોઈ શકે? ભારતીય શાસ્ત્રીય નૃત્ય આજે વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યાં છે ત્યારે દેવાધિદેવ મહાદેવનું નૃત્ય કરતું નટરાજ સ્વરૂપ અચૂક સાંભરે. શિવજીના અનેક સ્વરૂપોમાંનું એક આ સ્વરૂપ અત્યંત આકર્ષક છે. વળી વિવિધ પ્રદેશમાં શિવજીના આ સ્વરૂપને જુદાં જુદાં નામે ઓળખવામાં આવે છે.

દક્ષિણ ભારતમાં નૃત્ય કરતાં પાર્વતીપતિને નટરાજ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પૂર્વ ભારતમાં આ સ્વરૂપ નટેશ્વર, નૃતેશ્વર, નાટકેશ્વર કે ભૈરવના નામે ઓળખાય છે. માત્ર ભારતમાં જ નહીં, મહાદેવના નટરાજ  સ્વરૂપનું મહત્ત્વ બાંગ્લાદેશ તેમ જ દૂર પૂર્વના કમ્બોડિયા એ વિયેટનામ જેવા દેશોમાં પણ જોવા મળે છે. વાસ્તવમાં શંકર ભગવાનના આ સ્વરૂપનો ઉદ્ભવ કાશ્મીરના શિવપંથીઓની વિચારધારામાંથી થયો છે. પરંતુ વિડંબણા એ છે કે  આજે તેના મૂળની જ ઉપેક્ષા થઈ રહી છે.

મૌર્યકાળ બાદ બૌદ્ધ ધર્મનો પ્રભાવ નિસ્તેજ થતાં ધીમે ધીમે શિવજીનો મહિમા વધતો ગયો. મહાદેવ પ્રમુખ દેવ તરીકે પૂજાવા લાગ્યાં. વેદકાળ પૂર્વેથી પશુપતિનાથની પૂજાનું જે મહત્ત્વ હતું તેના પરિપ્રેક્ષ્યમાં જ ક્રમશ: નટરાજનો મહિમા વધતો ગયો. પ્રાકૃત ભાષામાં લખાયેલા અશોકન બ્રાહ્મી ગ્રંથમાં જણાવ્યા મુજબ ઈ.સ.પૂર્વે ચોથી સદીમાં વારાણસીમાં તેઓ આદિનાથ તરીકે ઓળખાતા. શુંગના સમયમાં વૈદિક દેવીદેવતાઓના ઘણાં સ્વરૂપોને શિવજીમાં પ્રતિકાત્મકરૂપે ભેળવી દેવામાં આવ્યાં. ખાસ કરીને રૂદ્ર અને અગ્નિને. રૂદ્ર એટલે લાલશ પડતી સોનેરી ઝાંયવાળી જ્યોત. 'સંતરુદ્રીય-શ્રીરુદ્ર ચમકમ' ભગવાનના બે સ્વરૂપનો સમન્વય સૂચવે છે. અગ્નિને બળદ માનવામાં આવ્યો છે, અને બળદ એટલે શિવજીનું વાહન નંદી.

વાસ્તવમાં ઈ.સ.પૂર્વે બીજી સદીથી ઈ.સ.ની બીજી સદી દરમિયાન કાશ્મીરી પંડિત ભારતે 'નાટયશાસ્ત્ર'ની કલ્પના કરી ત્યાં સુધીમાં શિવજીની 'નૃત્યના દેવતા' તરીકના સ્વરૂપની ઉત્પત્તિ થઈ ગઈ હતી. શુંગ સમયના ટેરોકોટાના શિલ્પોમાં મહાદેવને 'વીણા દક્ષિણામૂર્તિ' તરીકે દર્શાવવામાં આવ્યા છે. અહીં તેમને નૃત્ય સહિત પરફોર્મિંગ આર્ટના શિક્ષક તરીકે રજૂ કરવામાં આવ્યાં છે.

કાળક્રમે મહાદેવના નટરાજ સ્વરૂપમાં ક્રમશ: વધારો થતો ગયો છે એમ શિલ્પો દ્વારા વિદિત થાય છે. ગુપ્તકાળના ગયા ખાતેના ટેરોકોટાના શિલ્પોમાં 'દિગંબર' અવસ્થામાં હાથમાં તલવાર અને હવામાં ઉડી રહેલા ખુલ્લા કેશકલાપ ધરાવતું શિલ્પ માત્ર શિવનું 'ચિદમ્બરમ્' સ્વરૂપર જ રજૂ નથી કરતું, પણ તેમને નૃત્યકાર તરીકે પણ દર્શાવે છે. આ શિલ્પમાં ભગવાનની જટા ફણીધર સર્પનું સ્મરણ કરાવે છે. તેવી જ રીતે  મધ્ય પ્રદેશ ખાતેના ગુઆનમાં આવેલા ટુમેન તેમ જ ખોહના શિલ્પોમાં  પણ મહાદેવનું આવું જ સ્વરૂપ જોવા મળે છે. નાલંદા ખાતે આવેલા નટરાજના શિલ્પો શિવજીનું તદ્ન અનોખું સ્વરૂપ રજૂ કરે છે. આ શિલ્પોમાં બુદ્ધનો પ્રભાવ સ્પષ્ટ નજરે પડે છે. ગુપ્તકાળના આ સ્થાપત્યોમાં મહાદેવને લાંબા કાન અને મધ્યમ જટામાં દર્શાવવામાં આવ્યાં છે.

આશ્ચર્યજનક રીતે ઈ.સ.ની પાંચમીથી આઠમી સદી દરમિયાન બંગાળ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન ખાતેના સ્થાપત્યોમાં શિવજીની જટા પર ઝીલાતી ગંગા કે ચમકતા ચંદ્રને દર્શાવવામાં નથી આવ્યાં. તેના પછીના સમયમાં પણ આ બંનેની ગેરહાજરી સ્પષ્ટ દેખાય છે. હકીકતમાં નટરાજના સ્વરૂપમાં ક્રમશ: એક એક વસ્તુ ઉમેરવામાં આવી હોય એવું જણાય છે.

વાસ્તવમાં ઈ.સ.ની છઠ્ઠી સદીથી નટરાજને બહુભૂજા સાથે કંડારવામાં આવ્યાં છે. બંગાળ, ઓરિસ્સા, એઈહોલ અને કર્ણાટક ખાતે આવેલા બદામીના શિલ્પો તેના બોલતા પુરાવા છે. પૂર્વ ભારતના સ્થાપત્યોમાં નટરાજની સૌથી ઉપરની ભુજાઓમાં સર્પ દર્શાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત બે મુખ્ય હાથ 'ગજહસ્ત' સ્થિતિમાં 'કટક હસ્ત' અને 'અભય હસ્ત'  તરીકે કંડારવામાં આવ્યાં છે. અન્ય ભુજાઓમાં ડમરું, કપાલ, આકાશમાળા, કર્તરી, ત્રિશૂળ અને ગદા ધરી છે. આનો અર્થ એવો થાય છેકે ચિદમ્બરમ્ના પ્રખ્યાત સ્વરૂપને આ રીતે અન્ય પરિકલ્પના સાથે વિસ્તારીત કરવામાં આવ્યું છે. આમ જોવા જાઓ તો કાશ્મીરથી લઈને દક્ષિણ સુધી મહાદેવના આગમ અને સ્વરૂપને વિકસીત રૂપમાં રજૂ કરવામાં આવ્યું છે.

ઈ.સ.ની નવમીથી દસમી સદી સુધી ઉડીને આંખે વળગે એવા આભામંડળ 'જવાલ પ્રભા મંડળ'ની ગેરહાજરી પણ આરંભકાળના સ્થાપત્યોમાં સ્પષ્ટ દેખાય છે. આમ છતાં ગુપ્તકાળમાં શિવજી  જેવું સ્વરૂપ ધરાવતા એક શિલ્પમાં તાંડવ નૃત્ય જોવા મળે છે. આ સ્થાપત્યમાં સ્તૂપનો એક હાથ 'અભય હસ્ત મુદ્રા'માં  છે અને બીજા હાથમાં સર્પ ધરેલું દેખાય છે. મગધના એક સ્તૂપમાં પણ તાંડવ નૃત્ય જોવા મળે છે. આ બંને શિલ્પોમાં 'ચૈત્ય' અને 'ચક્ર' પણ નિરૂપવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે બૌધ્ધ પ્રતિમાઓમાં તેજ કુંડાળુ અથવા પ્રભામંડળ જોવા મળે છે. નટરાજની પ્રતિમાઓમાં દર્શાવવામાં આવેલા આભામંડળની પ્રેરણા આ બૌદ્ધ પ્રતિમાઓ પરથી લેવામાં આવી હોય એમ જણાય છે.

જોકે પૂર્વ ભારતના બંગાળ અને ઓરિસ્સાના નટરાજના સ્તૂપોમાં અને દક્ષિણના સ્થાપત્યોમાં ઘણો તફાવત જોવા મળે છે. મહાનંદી ખીણ ખાતે આવેલી નટરાજની પ્રતિમાને ઉર્ધ્વલિંગ સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે. આ શિલ્પમાં 'તાંત્રિક ફિલોસોફી' પ્રતિબિંબિત થાય છે એમ માનવામાં આવે છે. દસમી સદીના ઉત્તરાર્ધમાં 'ચિદમ્બરમ્' સ્વરૂપના એક પગને બીજા પગ પર ત્રાંસી મુદ્રામાં  (નૃત્યની એક મુદ્રા) દર્શાવવામાં આવ્યું છે.  છેવટે એમ કહી શકાય કે પાલ અમે પાલવ વંશ દરમિયાન બૌદ્ધ ધર્મના પતન પછી શિવજીના નટરાજ સ્વરૂપનો ક્રમશ: વિકાસ થતો ગયો. ચોલા વંશના સમય દરમિયાન આ વિકાસ તેની ચરમસીમાએ પહોંચીને પછી સ્થિર થઈ ગયો. નટરાજને તમે નટેશ્વર કહો, નૃતેશ્વર કહો કે નાટકેશ્વર કહો, તેમના 'નૃત્યના દેવ' તરીકેના સ્વરૂપમાં ભારતીય વિચારધારાનો સાર સ્પષ્ટ  થાય છે.