Magazines

આપણું જીવન અને અસ્તિત્વ અનેક રહસ્યોથી ભરપૂર છે .

By GS TEAM
17 Dec 20252 mins read
આપણું જીવન અને અસ્તિત્વ અનેક રહસ્યોથી ભરપૂર છે                .

નાના બીજમાંથી મહાન વૃક્ષ બને. તેના ઉપર અનેક ફળ લાગે. તે દરેકમાં નાનાં બીજ હોય. તે દરેક બીજમાં એટલું બહુ મોટું વૃક્ષ બનવાની ક્ષમતા હોય છે.

દરેક સજીવ પોતાના જેવાં સજીવ પેદા કરી શકે છે. આ રીતે વંશવેલો જળવાઈ રહે છે. જીવ માત્ર લાંબુ જીવવા પ્રયત્ન કરે છે તેને જીજીવિષા કહીએ છીએ. જે કુદરતે દરેક જીવને એક સરખી આપી છે.

ભય, ભૂખ, કામ (વાસના) અને જીજીવિષા જેવા ગુણ અસ્તિત્વને ટકાવી રાખે છે. તે કુદરતી આવેગ સ્વરૂપે ભગવાનની અમૂલ્ય ભેટ છે. કુદરત જેને દાંત આપે છે તેને ખાવાની... જીવન ટકાવી રાખવા અન્ન, જળ અને આવાસની વ્યવસ્થા કરે છે. તેથી કહેવત પડી છે : 'કીડીને કણ, હાથીને મણ, શ્રીકૃષ્ણ કરે છે સહુનું પૂરણ.' ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવાડતો નથી તે પરમેશ્વર છે.

૮૪ લાખ યોનિધારી જીવ... દરેકની ક્ષમતા પ્રમાણે જરૂર મુજબ વસ્તુ, પદાર્થ મળી રહે તેવી વ્યવસ્થા કરી રાખી છે.

મહારાજા શિવાજી અનેક પ્રાંતો જીત્યા. હજારોનું લશ્કર હતું. શિવાજીને થયું આ હું છુ તો આ બધાને માટે ભોજનની વ્યવસ્થા કરું છું.

શિવાજીના ગુરૂ સમર્થ સ્વામી રામદાસ શિવાજીના મનોભાવને કળી જાય છે. શિવાજીના ખભા ઉપર હાથ મૂકીને વાતો કરતા કરતા એક ટેકરી ચડે છે. ગુરૂજી શિવાજીને આદેશ આપે છે. શિવા ! આ મોટો પથ્થર છે તેને ખસેડ. શિવાજી બળવાન તો હતા. ગુરૂજીની આજ્ઞાા હતી. તેમણે પૂરી તાકાત લગાડીને તે શિલા હટાવી. શિલા હટાવતાં તૂટી ગઈ. તેમાં હજારો નાનાં નાનાં જીવડાં હતાં. તે પથ્થર તૂટતાં જ આમતેમ દોડવા લાગ્યા.

ગુરૂજીએ કહ્યું, શિવા ! આ જીવડાનું પુરું તું કરે છે ? આમને જમવાની રહેવાની સગવડ તું કરે છે ?

શિવાજી મર્મજ્ઞા હતા. ગુરુજીનાં બોધ વાક્યો સાંભળીને નમ્રભાવે બોલ્યા : ગુરૂજી આ કામ મારું નથી. દરેક જીવનું પાલન-પોષણ કરનાર તો પરમાત્મા છે. ગુરૂજી મને માફ કરો. મારા મનમાં જે સૂક્ષ્મ અહંકાર આવ્યો હતો કે આ રાજ્યના સૈનિકોનું પુરું હું કરું છું. તે મારી ભૂલ હતી. આવા સમર્થ સદ્ગુરૂ અને એવી જ સમર્થ સમર્પિત શિષ્યો થકી સાચા જ્ઞાાનનું સંવર્ધન થાય છે.

આપણું જીવન અનેક રહસ્યોથી ભરેલું છે. તેને ડગલે ને પગલે અહેસાસ થાય તે સદ્ગુરૂજીની કૃપાનું ફળ છે. નમ્ર બનીએ, વિવેકી બનીએ. ઇશ્વર પ્રત્યે શ્રદ્ધાળુ બનીએ. એકબીજા પ્રત્યે સંવેદનશીલ બનીએ. દરેક જીવનમાં કાંઈક ખૂબી અને કાંઈક ખાસિયત કુદરતે આપેલી છે.  એકબીજાના વિચારોની આપલે કરીએ. એકબીજાના પૂરક બનીએ. આપણા જીવનને જીવવા લાયક બનાવીએ.

- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય