Magazines

આપણા સ્વાતંત્ર્ય નાયકો : યશપાલ

By GS TEAM
22 May 20262 mins read
આપણા સ્વાતંત્ર્ય નાયકો : યશપાલ

- યશપાલની પિસ્તોલમાંથી ગોળી ખલાસ થઈ જતાં એ પોલીસને હાથે પકડાયા. એમના પર બે મુકદ્દમા ચલાવવામાં આવ્યા. ચૌદ વર્ષની કારાવાસની સજા સંભળાવી બરેલીની જેલમાં મોકલી આપવામાં આવ્યા.

સુખદેવની માફક યશપાલ પણ ક્રાંતિકારી દળ દ્વારા ચલાવવામાં આવતી બોમ્બ બનાવતી ફેક્ટરીની જવાબદારી સંભાળતા હતા. પંજાબનું ફિરોજપુર કૈન્ટ એ એમનું વતન. માતા પ્રેમાવતી ક્રાંતિકારી વિચારો ધરાવતાં હતાં. લાહોરની નેશનલ કોલેજમાં ભગતસિંહ અને સુખદેવ તેમના સહાધ્યાયી હતા. ભગવતીચરણ વહોરા આ બધાંથી બે વર્ષ આગળ. આમ કોલેજકાળથી તેઓ રાષ્ટ્રવાદનાં રંગે રંગાયેલા હતા. અભ્યાસ પૂરો કરીને તેઓ હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘના સક્રિય કાર્યકર બન્યા. ભગવતીચરણ વહોરા સાથે મળીને વાઈસરોય લોર્ડ ઇરવીનને ટ્રેનમાં ઠાર કરવાનું ષડયંત્ર રચ્યું. દુર્ભાગ્યે બોમ્બ વહેલો ફૂટી જતાં ઇરવીન બચી ગયો અને ક્રાંતિકારીઓ ફસાઈ ગયા. ધરપકડથી બચવા યશપાલ અને ભગવતીચરણ કોલકાતા ભણી નાઠા. થોડા દિવસ પછી દળનો આદેશ મળતા પાછા લાહોર આવ્યા. દળનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવાતાં દિલ્હીમાં બોમ્બ બનાવવાની ફેક્ટરી શરૂ કરવાનું નક્કી થયું. ક્રાંતિકારી સાથીદાર પ્રકાશવતી સાથે યશપાલને દિલ્હી મોકલવામાં આવ્યા. અહીં તેમણે ફિરોજશાહ કોટલાના ખંડેરમાં મળેલી ક્રાંતિકારીઓની બેઠકમાં ભાગ લીધો. ત્યાં ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો. બંનેની ધરપકડ કરી જેલમાં પૂરવામાં આવ્યા. ક્રાંતિકારી દળ દ્વારા આ બંનેને જેલમાંથી ફરાર કરવાની યોજના ઘડવામાં આવી. યશપાલને પાછા લાહોર બોલાવવામાં આવ્યા. દુર્ભાગ્યે યોજના માટેના બોમ્બનું રવિ નદિના કાંઠે પરીક્ષણ કરતા ભગવતીચરણના હાથમાં બોમ્બ ફૂટતાં એ શહીદ થયા. બીજે દિવસે એમના ઘેરથી બે બોમ્બ વિસ્ફોટ થયા. આ ઘટનાને પગલે ક્રાતિકારીઓ વેરવિખેર થઈ ગયા. યશપાલ કાનપુર ભણી નાઠા. ત્યાંથી અલ્હાબાદ આવ્યા. અલ્હાબાદમાં એમણે આયરીશ મહિલા સાવિત્રીદેવીને ત્યાં આશ્રય લીધો. સવારે પાંચ વાગ્યે બારણું ખખડયું. સાવિત્રીદેવીએ બારણું ખોલીને જોયું તો બહાર પોલીસ ઊભી હતી. યશપાલ અને પોલીસ વચ્ચે સામસામે ગોળીબાર થયો. યશપાલની પિસ્તોલમાંથી ગોળી ખલાસ થઈ જતાં એ પોલીસને હાથે પકડાયા. એમના પર બે મુકદ્દમા ચલાવવામાં આવ્યા. ચૌદ વર્ષની કારાવાસની સજા સંભળાવી બરેલીની જેલમાં મોકલી આપવામાં આવ્યા. બરેલીની જેલમાં એમને ક્રાંતિકારી સાથીદાર પ્રકાશવતી કપૂરનો ભેટો થયો. પછીથી બંને જેલમાં જ પરણી ગયા. ૧૯૩૭માં કોંગ્રેસ અને સરકાર વચ્ચે રાજકેદીઓને છોડી મૂકવા માટેના કરાર યશપાલ કારાવાસમાંથી વહેલા મુક્ત થયા. આઝાદ ભારતમાં તેમણે સામ્યવાદી વિચારધારાના પ્રચારનું કાર્ય કર્યું. કેટલાંક પુસ્તકો પણ લખ્યાં. ૧૯૭૬માં તેમનું અવસાન થયું.

- જિતેન્દ્ર પટેલ