Magazines

આપણા સ્વાતંત્ર્ય નાયકો : રામકૃષ્ણ ખત્રી .

By GS TEAM
19 Jun 20262 mins read
આપણા સ્વાતંત્ર્ય નાયકો : રામકૃષ્ણ ખત્રી                    .

- 'હું તો એક મહંતની મિલકત માટે સાધુ બન્યો છું. પણ તમે તો વાસ્તવમાં સાધુ બન્યા છો. શી જરૂર છે ભગવા કપડાં પહેરવાની? દેશને અત્યારે સાધુઓ કરતાં ક્રાંતિકારીઓની વધારે જરૂર છે. આવતા રહો અમારી સાથે.'

સંન્યાસીમાંથી ક્રાંતિકારી બનેલા રામકૃષ્ણ ખત્રી મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લાના ચિખલી ગામના વતની હતા. બાળપણમાં લોકમાન્ય તિલકના પ્રવચનો સાંભળી રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા. પછીથી અસહકારના આંદોલનમાં ભાગ લીધો. સ્કૂલ છોડીને કોંગ્રેસના કાર્યક્રમમાં હાજર રહેવા માંડયા. માબાપ નાનપણથી મરી ચૂકેલાં. ઘરમાં બબ્બે ભાભીઓ. રામકૃષ્ણ આઝાદીની ચળવળમાં ભાગ લેતા એ ભાભીઓને સહેજે ન ગમતું. 'નિશાળ પાડીને કોંગ્રેસના કાર્યક્રમમાં જાવ છો તે રોટલા એ લોકો આપશે ?' રોજના આ કકળાટથી કંટાળીને રામકૃષ્ણ હરદ્વાર જતા રહ્યા. ત્યાં ઉદાસી આશ્રમમાં મહંત યાદરામના શિષ્ય બન્યા. સ્વામી ગોવિંદપ્રકાશ નામ રાખ્યું. પછી રામકૃષ્ણને સંસ્કૃતના અભ્યાસ માટે બનારસ મોકલવામાં આવ્યાં. એક દિવસ સન્યાસી રામકૃષ્ણનો ભેટો સાધુ બનેલા ચંદ્રશેખર આઝાદ સાથે થઈ ગયો. બંનેને એકબીજાનો થોડો પરિચય થયો. રામકૃષ્ણે ચંદ્રશેખરને કહ્યું, 'તમે પણ સાધુ બની ગયા ?' જવાબમાં ચંદ્રશેખરે કહ્યું, 'હું તો એક મહંતની મિલકત માટે સાધુ બન્યો છું. પણ તમે તો વાસ્તવમાં સાધુ બન્યા છો. શી જરૂર છે ભગવા કપડાં પહેરવાની ? દેશને અત્યારે સાધુઓ કરતાં ક્રાંતિકારીઓની વધારે જરૂર છે. આવતા રહો અમારી સાથે.' રામકૃષ્ણને ચંદ્રશેખર આઝાદની આ વાત સ્પર્શી ગઈ. વળી સાધુજીવનમાં એમને ઘણા કડવા અનુભવો થયા હતા. એ જ ઘડીએ તેઓ ભગવાં કપડાં ઉતારીને ક્રાંતિકારી બની ગયા. પછીથી એમણે હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘમાં સક્રિય યોગદાન આપ્યું. બિચપુરી અને દ્વારકાપુર ગામે દળ તરફથી ધાડ પાડવામાં આવી તો એમાં પણ ભાગ લીધો. જો કે કાકોરી રેલધાડમાં એમને સામેલ નહોતા કરવામાં આવ્યા. તોયે હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘના સભ્ય હોવાને નાતે સજાને પાત્ર ઠર્યા. ધરપકડથી બચવા અને હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘના કાર્યના વિસ્તાર માટે રામપ્રસાદ બિસ્મિલે એમને પૂના મોકલ્યા. પરંતુ ત્યાંથી તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા. એમની બેગમાંથી દળના કેટલાક કાગળ પણ મળી આવ્યા. પુનાથી તેમને લખનઉની જેલમાં લાવવામાં આવ્યા. બે વર્ષ સુધી મુકદ્દમો ચાલ્યો. ફેંસલો આવ્યો ત્યારે તેમને દસ વર્ષની કઠોર કારાવાસ સજા સંભળાવવામાં આવી. જેલમાં રામકૃષ્ણે અનેક પુસ્તકોનું અધ્યયન કર્યું. જેલમાંથી છૂટયા પછી તેઓ ગૃહસ્થ બન્યા. પરંતુ સ્વતંત્રતાનો માર્ગ એમણે ક્યારેય ન છોડયો. દેશ આઝાદ થયો ત્યારે તેમણે કોઈ પદ ન લીધું. સ્વાતંત્ર્ય સંન્યાસીઓનાં જીવનનિર્વાહ માટે તેમણે સરકારમાં ઘણી વધી રજૂઆતો કરી. આ માટે નહેરુ સાથે તેમને તકરાર પણ થઈ. ૧૯૭૭માં કાકોરી શહીદ અર્ધશતાબ્દી પણ ઉજવી. ચોરાણું વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવીને આ ક્રાંતિકારી ૧૯૯૬માં પરલોકની યાત્રાએ નીકળી ગયા.

- જિતેન્દ્ર પટેલ