Magazines

આપણા સ્વાતંત્ર્ય નાયકો : રાજા મહેન્દ્રપ્રતાપસિંહ

By GS TEAM
29 May 20262 mins read
આપણા સ્વાતંત્ર્ય નાયકો : રાજા મહેન્દ્રપ્રતાપસિંહ

- વિદેશમાં આર્ય પેશવાના નામથી પ્રસિદ્ધ રાજા મહેન્દ્રપ્રતાપસિંહ ઉત્તરપ્રદેશના મુરસાનના વતની હતા. પ્રાથમિક શિક્ષણ અલીગઢમાં લઈ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ આગ્રા આવેલા. પરંતુ ત્યાંની કોલેજનાં પુસ્તકિયા જ્ઞાનમાં રસ ન પડતાં ડિગ્રી લીધા વિના ભણતર છોડી દીધું.

વિદેશમાં આર્ય પેશવાના નામથી પ્રસિદ્ધ રાજા મહેન્દ્રપ્રતાપસિંહ ઉત્તરપ્રદેશના મુરસાનના વતની હતા. પ્રાથમિક શિક્ષણ અલીગઢમાં લઈ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ આગ્રા આવેલા. પરંતુ ત્યાંની કોલેજનાં પુસ્તકિયા જ્ઞાનમાં રસ ન પડતાં ડિગ્રી લીધા વિના ભણતર છોડી દીધું. ત્યાં સુધીમાં રાષ્ટ્રવાદના રંગે રંગાઈ ગયા હતા. પોતાની ઇચ્છા મુજબનું શિક્ષણ આપવા અનેક શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી. અસ્પૃશ્યતા નિવારણ જેવી સમાજ સુધારાની પ્રવૃત્તિમાં પણ સક્રિય યોગદાન આપ્યું. ૧૯૦૬માં કોલકાતા ખાતે કોગ્રેસ અધિવેશનમા ભાગ લીધો. પરંતુ કોંગ્રેસની ઢીલી નીતિ તેમને પસંદ ન આવી. હિંસાનો સામનો હિંસાથી જ થવો જોઈએ. અંગ્રેજોને આવી લડત દેશની બહાર રહીને જ આપી શકાશે એમ માનવી પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેમણે દેશ બહાર જવાની તક ઝડપી લીધી. અંગત મિલકત વેચી તેમાંથી જે પૈસા આવ્યા એ લઈ વગર પાસપોર્ટે યુરોપ પહોંચી ગયા. ભારતથી એ સીધા ફ્રાન્સ પહોંચ્યા. ત્યાંથી સ્વિટઝર્લેન્ડ જઈ લાલા હરદયાળને મળ્યા. ત્યાંથી વાયા ઇટાલી થઈ જર્મની ગયા. ત્યાંના સમ્રાટ વિલિયમ કૈસર સમક્ષ ભારતની સ્વતંત્રતાની યોજના મૂકી. આ યોજના માટે અફઘાનિસ્તાનનું સમર્થન જરૂરી હતું. તુર્કી, ઇરાક અને ઇરાન થઈ અફઘાનિસ્તાન પહોંચ્યા. ૧ ડિસેમ્બર, ૧૯૧૫ના રોજ તેમના પ્રમુખપદે ત્યાં અસ્થાયી આઝાદ હિન્દ સરકારની સ્થાપના કરવામાં આવી. મૌલાના મોહમ્મદ બરકતુલ્લા તેના પ્રધાનમંત્રી બન્યા. આરઝી સરકાર વતી પાંચ હજાર અફઘાન સૈનિકોનું દળ ઊભું કરી વાયવ્ય સરહદેથી ભારતમાં પેસવાની યોજના તૈયાર કરી. પરંતુ અંગ્રેજ સરકારે તે બર ન આવવા દીધી. રાજા મહેન્દ્રપ્રતાપને એક્ટ ૨૪ પસાર કરી દેશમાં તેમની તમામ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી. વિદેશમાં તેઓ જ્યાં ત્યાં ભટકતા રહ્યા. ક્યારેક કાબૂલ, ક્યારેક પેકિંગ, ક્યારેક બર્લિન ક્યારેક મેક્સિકો તો ક્યારેક ટોકિયો, દેશ ખાતર ફનાગીરીની એ કક્ષાએ પહોંચી ગયા કે તેમનો સઘળો સામાન કોટના બે ગજવામાં સમાઈ જતો. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. તેમાં જર્મની-જાપાને પરાજય વેઠવાનું થતાં જાપાનના સહકારથી બીજા વિશ્વયુદ્ધ સુધી રાજાસાહેબે વિદેશમાં રઝળપાટ કરી. ભારતની સ્વતંત્રતા નિશ્ચિત બનતાં ૧૯૪૬માં તેમનો દેશવટો પૂરો થયો. ૩૧ વર્ષે સ્વદેશ પરત થયા, પરંતુ ઘરે જઈને મળે કોણ? તેમની ગેરહાજરીમાં જ પત્ની અને પુત્ર મરી પરવાર્યાં હતા! અસ્થાયી આઝાદ હિન્દ સરકારના આ રાષ્ટ્રપતિ સ્થાયી હિન્દ સરકારમાં ક્યાંય સત્તામાં ભાગીદાર ન બન્યા, બાકીનું જીવન સમાજસેવામાં વિતાવ્યું. ૯૩ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવી તેમણે ૧૯૭૯માં દિલ્હી ખાતે અંતિમ શ્વાસ લીધો.

- જિતેન્દ્ર પટેલ