Magazines

આપણા સ્વાતંત્ર્ય નાયકો : દામોદર ચાફેકર

By GS TEAM
29 Aug 20252 mins read
આપણા સ્વાતંત્ર્ય નાયકો  : દામોદર ચાફેકર

- વૃક્ષ પાછળ સંતાયેલા દામોદરે નિર્જન વિસ્તારમાંથી પસાર થઈ રહેલી રેન્ડની બગીના પાછળના પગથિયા પર ચડી ગયા. પરદો ઊંચો કરીને પૂરી સાવધાનીથી તેમણે ગોળી છોડી. રેન્ડ ત્યાં જ ઢળી પડયો.

અત્યાચારી અંગ્રેજ કમિશનર વાલ્ટર ચાર્લ્સ રેન્ડને ઠાર કરનારા દામોદર હરિ ચાફેકર મહારાષ્ટ્રના પૂનાના વતની હતા. દામોદરને બચપણથી જ વ્યાયામ અને અસ્ત્ર-શસ્ત્ર ચલાવવામાં ભારે રુચિ. શિક્ષણ પૂરું કરીને તેઓ સેનામાં પ્રવેશ મેળવીને ભારતીય સૈનિકોમાં વિદ્રોહ જગાવવા માગતા હતા. એમણે બે વાર પ્રયાસ કર્યો, પણ સેનામાં પ્રવેશ ન મળ્યો. હિંમત ન હારતા એમણે યુવકોની સેનાનું સ્વયં નિર્માણ કર્યું. તેમાં સામેલ યુવકોને શસ્ત્ર ચલાવતા શીખવવા માંડયું. અંગ્રેજો સામે બળવો કરવા મન અધીરું થવા લાગ્યું. લોકમાન્ય ટિળકે એને બળ પૂરું પાડયું. 

આ અરસામાં જ પૂનામાં પ્લેગ ફાટી નીકળ્યો. હાલ્લામાં ધાણી ફૂટે એમ ટપોટપ લોકો મરવા માંડયા. અંગ્રેજ સરકારે રોગીઓની સારવાર માટે કોઈ પગલાં તો ન લીધાં, ઊલટાનું તેમના દાઝ્યા શરીર ઉપર ડામ દેવા જેવું કર્યું. પ્લેગના જંતુનો નાશ કરવાના બહાને કેટલાય લોકોના ઘર સળગાવી દેવામાં આવ્યા. રોગી લોકો બેઘર બન્યા. સારવાર તો એક બાજુ રહી. આ અત્યાચારનું મૂળ પૂનાનો ક્રૂર કમિશનર રેન્ડ હતો. હદ તો ત્યારે થઈ કે લોકો આ ભયંકર રોગને કારણે પાયમાલ થઈ રહ્યા હતા ત્યારે અંગ્રેજ સરકાર તરફથી મહારાણી વિક્ટોરિયાના રાજ્યારોહણના હીરક મહોત્સવની તડામાર તૈયારી થઈ રહી હતી. ૨૨ જૂન, ૧૮૮૭ના રોજ આ મહોત્સવ રંગેચંગે મનાવવાનો હતો. દામોદરે આ દિવસે જ રેન્ડને ખતમ કરીને પ્લેગમાં માર્યા ગયેલા લોકોનો બદલો લેવા નિર્ણય કર્યો. તે દિવસે રેન્ડ ગવર્નમેન્ટ હાઉસ પર હશે તેમ માની તેઓ બપોર થતાં ત્યાં પહોંચી ગયા. પણ રેન્ડ ત્યાં નહોતો. ત્યાંથી તેઓ સેંટ મેરી ચર્ચ પર ગયા. રેન્ડ ત્યાં હતો. પરંતુ અહીં ભીડમાં તેમને મારવા જતાં નિર્દોષ લોકો પણ ઝપટમાં આવી જશે એમ માની એમણે બળપૂર્વક અધીરાઈ પર કાબૂ મેળવ્યો. રાત્રે ગવર્નમેન્ટ હાઉસમાં જવા નીકળ્યો ત્યારે તેની હત્યા કરવામાં દામોદરને સફળતા ન મળી. રેન્ડની બગીની આસપાસ એ વખતે અનેક બગીઓ હતી. પરંતુ કાર્યક્રમ પૂરો કરીને રેન્ડ રાતના બાર અને દસ મિનિટે પાછો ફરી રહ્યો હતો ત્યારે એમણે રેન્ડને ન છોડયો. નિર્ધારિત યોજના મુજબ નાનાભાઈ બાલકૃષ્ણે સાંકેતિક ભાષામાં 'નારયા' 'નારયા' કહ્યું કે વૃક્ષ પાછળ સંતાયેલા દામોદરે નિર્જન વિસ્તારમાંથી પસાર થઈ રહેલી રેન્ડની બગીના પાછળના પગથિયા પર ચડી ગયા. પરદો ઊંચો કરીને પૂરી સાવધાનીથી તેમણે ગોળી છોડી. રેન્ડ ત્યાં જ ઢળી પડયો. એની બીજી જ ક્ષણે નાનાભાઈ બાલકૃષ્ણે અંગ્રેજ અધિકારી આયરિસ્ટને ઠાર કર્યો. લક્ષ્ય હાંસલ કરી બેઉ ભાઈ ફરાર થઈ ગયા. બે મહિના પછી દેશદ્રોહી દ્રવિડબંધૂની બાતમીને કારણે દામોદર પકડાયા. તેમના પર મુકદ્દમો ચલાવીને ૧૮ એપ્રિલ, ૧૮૮૮ના રોજ તેમને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા.

- જિતેન્દ્ર પટેલ