Magazines

આપણા સ્વાતંત્ર્ય નાયકો : ભોળાનાથ ચેટરજી

By GS TEAM
9 Jan 20262 mins read
આપણા સ્વાતંત્ર્ય નાયકો : ભોળાનાથ ચેટરજી

- પોલીસ હજુ શસ્ત્રોના સોદા અંગે વધુ માહિતી મેળવા માગતી હતી આ માટે એણે ભોળાનાથને પાર વગરની પીડા આપવા માંડી. ભોળાનાથે બહાદુરીપૂર્વક આ યાતના સહન કરીને પોલીસને કોઈ માહિતી ન આપી. પોલીસ હવે છેલ્લા પાટલે બેસી ગઈ.

ભોળાનાથ ચેટરજી બંગાળના વતની હતા. બંગાળના એ વખતના પ્રખર ક્રાંતિકારી જ્યોતિન્દ્રનાથ મુખરજી (જતીન બાઘા)ના ક્રાંતિકારી સંગઠનના તેઓ અગ્રગણ્ય સૈનિક હતા. એ વખતે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. જેમાં જર્મની અને બ્રિટન આમને સામને હતા. ભારતમાં સરકાર સામે વિદ્રોહ જગાવવા જતીન બાઘાએ જર્મનીના રાજદૂત સાથે જર્મનીની સહાય અંગે માંગણી કરેલી. જેમાં જર્મન સરકારે સહયોગ આપવા ખાતરી આપેલી. સહયોગમાં જર્મની તરફથી ક્રાંતિકારીઓને હથિયાર અને ધન આપવાનું નક્કી થયું હતું. આ હથિયાર લાવવા માટે જતીન બાઘાએ નરેન્દ્રનાથ ભટ્ટાચાર્યને સી. માર્ટીનના છૂપા નામથી જર્મની મોકલ્યા હતા. જર્મનીથી આવનારાં હથિયારોને કેવી રીતે હાથવગાં કરવાં અને ક્યાં રાખવાં તેની જવાબદારી ક્રાંતિકારી ભોળાનાથ ચેટરજીને સોંપવામાં આવી. આ માટે ભોળાનાથ ગોવા ગયા. પરંતુ ભોળાનાથ ખરેખર ભોળા સાબિત થયા. ગોવાથી તેમણે નરેન્દ્ર ભટ્ટાચાર્યને કુશળ હશો એવો તાર કર્યો. તારમાં તેમણે બંનેનાં છૂપાં નામ ન લખતાં સાચાં નામ લખ્યાં. તાર દ્વારા મોકલાયેલો આ સંદેશો બ્રિટીશ સરકારના ગુપ્તચર વિભાગના હાથમાં આવી ગયો. જેના દ્વારા તેમને આખી યોજનાની કડી મળી આવી. બ્રિટિશ સરકારે ગોવાની પોર્ટુગલ સરકાર પર ભોળાનાથની ધરપકડ કરીને સોંપી દેવા માટે દબાણ કર્યું. પોર્ટુગલ સરકારે ભોળાનાથની ધરપકડ તો ન કરી, પરંતુ એમને હદપાર જરૂર કર્યા. ભોળાનાથ જેવા ગોવા બહાર નીકળ્યા કે બ્રિટિશ પોલીસે તેમની ધરપકડ કરી લીધી. તેમના પર શસ્ત્ર અધિનિયમ અંતર્ગત મુકદમો ચલાવવામાં આવ્યો. વિના કોઈ દલીલ, સફાઈ કે સાક્ષી સીધા તેમને પૂનાની જેલમાં મોકલી આપવામાં આવ્યા. પોલીસ હજુ શસ્ત્રોના સોદા અંગે વધુ માહિતી મેળવા માગતી હતી આ માટે એણે ભોળાનાથને પાર વગરની પીડા આપવા માંડી. ભોળાનાથે બહાદુરીપૂર્વક આ યાતના સહન કરીને પોલીસને કોઈ માહિતી ન આપી. પોલીસ હવે છેલ્લા પાટલે બેસી ગઈ. એણે ભોળાનાથ પર વધારે ને વધારે દમન કરવા માંડયું. તો પણ ભોળાનાથે મોં ન ખોલ્યું. પોતે કેવી રીતે પોલીસને દળની ગુપ્ત માહિતી આપી શકે ? અગર એવું કરે તો બીજા અનેક ક્રાંતિકારીઓ માટે જોખમ ઊભું થાય. એના કરતાં બહેતર છે કે ખુદ પોતાનું જીવન ટૂંકાવી દે. આવું વિચારી એક દિવસ જેલની પીડા અસહ્ય બનતા ભોળાનાથ ધોતીનો ગાળિયો બનાવી તેમાં લટકી ગયા. ધન્ય હો આ ક્રાંતિકારીને ! પોતાનું બલિદાન આપીને સાથીઓ સામે ઊભું થનારું જોખમ ટાળ્યું.

- જિતેન્દ્ર પટેલ