Magazines

આપણા સ્વાતંત્ર્ય નાયકો - બંતાસિંહ ધામિયા

By GS TEAM
7 Nov 20252 mins read
આપણા સ્વાતંત્ર્ય નાયકો - બંતાસિંહ ધામિયા

- દળમાં દેશદ્રોહીઓને ઠાર કરવા માટે સુધાર નામનો એક વિભાગ શરુ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત બન્તાસિંહે કેટલાય દેશદ્રોહીઓને ઠાર કર્યા. બન્તાસિંહને પકડવા શક્ય ન બનતાં અંગ્રેજ સરકારે એક ગદ્દારનો સહારો લીધો.

બન્તાસિંહ પંજાબના ધામિયાકલાં ગામના વતની હતા. પંજાબમાં એ વખતે ધામિયા સંપ્રદાયનું ખૂબ વર્ચસ્વ હતું. બન્તાસિંહ એ સંપ્રદાયમાંથી આવતા હોવાથી તેમના નામ પાછળ ધામિયા લખાતું. બાળપણમાં તેમને અભ્યાસ કરતાં ખેલકૂદમાં વધારે રસ હતો. આ કારણસર તેઓ અભ્યાસ પૂરો કરીને ફોજમાં જોડાયેલા. બબ્બર અકાલી દળના નેતાઓની હાકલ સાંભળી તેઓ નોકરી છોડી બબ્બર અકાલી દળમાં સામેલ થઈ ગયા. આટલો સમય અંગ્રેજ સવારની નોકરી કરવા બદલ પસ્તાવો કર્યો. એમનું મન હવે અંગ્રેજો પ્રત્યે ઘૃણાથી ભરાઈ ગયું. 

પોલીસની છાવણીમાં જઈ તેનો ઘોડો ઉઠાવી લાવ્યા. પિસ્તોલ પણ ત્યાંથી ઉઠાવી. મોડે મોડે પોલીસને આ ચોરી અંગે માહિતી મળી. સમસમી ઉઠેલી સરકારે તેમની ઘરપકડ માટે ઇનામ જાહેર કર્યું. તોયે હાથ ન લાગ્યા. બબ્બર અકાલી દળમાં જોડાઈને બન્તાસિંહની સાહસિક પ્રવૃત્તિને એક નવો માર્ગ મળ્યો. દળમાં દેશદ્રોહીઓને ઠાર કરવા માટે સુધાર નામનો એક વિભાગ શરુ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત બન્તાસિંહે કેટલાય દેશદ્રોહીઓને ઠાર કર્યા. બન્તાસિંહને પકડવા શક્ય ન બનતાં અંગ્રેજ સરકારે એક ગદ્દારનો સહારો લીધો. જગતસિંહ નામનો એક ગુનેગાર જેલમાં પુરાયેલો હતો. સરકારે તેને લાલચ આપી કે જો તે બન્તાસિંહની ધરપકડમાં મદદરૂપ થશે. તો તેને જેલમાંથી મુક્ત કરવામાં આવશે. આ લાલચે જગતસિંહ દેશદ્રોહ કરવા તૈયાર થયો. જેલમાંથી છૂટીને એણે બન્તાસિંહ સાથે મિત્રતા બાંધી. બબ્બર અકાલીદળમાં જોડાવવાનું નાટક પણ કર્યું. એક દિવસ તેણે બન્તાસિંહ અને તેમના બે મિત્રો જ્વાલાસિંહ અને વાર્યામસિંહને પોતાને ઘેર ભોજન માટે આમંત્ર્યા. ત્રણે ક્રાંતિકારીઓ આ દુષ્ટની વાતથી ભોળવાઈને તેને ઘર બહાર નીકળી ગયો. પોલીસને તેણે અગાઉથી જાણ કરી દીધી હોવાથી પોલીસે મકાન ઘેરી લીધું. 

ક્રાંતિકારીઓને જ્યારે ખબર પડી કે પોતે પોલીસથી ઘેરાઈ ગયા છે ત્યારે મોડું થઈ ગયું હતું. એકેય બાજુથી નીકળવું શક્ય નહોતું. પોલીસે મકાનની છત ઉપર મશીનગન રાખી ગોળીબાર કરવા માંડયો. ક્રાંતિકારીઓ એના જવાબમાં સામો ગોળીબાર કર્યો, ક્યાંય સુધી સામસામો ગોળીબાર ચાલ્યો. પોલીસ ક્રાંતિકારીઓનો વાળ વાંકો ન કરી શકી. કોઈ વિકલ્પ ન બચતાં પોલીસે મકાન સળગાવ્યું. ગોળીબાર પણ ચાલુ રાખ્યો. જેમાં જવાલાસિંહ મરાયા. બન્તાસિંહ ઘાયલ થયા. વર્યામસિંહને બંતાસિંહે પોતાના સોગંદ આપી નસાડયા. આગ ઓલવાઈ ત્યારે પોલીસે અંદર જઇને જોયું તો બન્તાસિંહનું અડધું બળી ગયેલું શબ ત્યાં પડયું હતું.

- જિતેન્દ્ર પટેલ