Magazines

ઓસ્કર જોનારું ઓડિયન્સ ઘટી રહ્યું છે

By GS TEAM
2 Apr 20262 mins read
ઓસ્કર જોનારું ઓડિયન્સ ઘટી રહ્યું છે

ઓસ્કર લાંબા સમયથી હોલિવુડમાં લોકોની રૂચિનો માપદંડ રહ્યો છે. જોકે ઓસ્કર જોનારા લોકોની સંખ્યાના છેલ્લા આંકડા સૂચવે છે કે આટલો પ્રતિષ્ઠિત કાર્યક્રમ પણ દર્શકોની બદલાતી આદતોથી બાકાત નથી રહી શક્યો. કોનન ઓ બ્રાયન દ્વારા સંચાલિત ૯૮મા એકેડમી એવોર્ડ્સને અમેરિકામાં ૧૭.૯ મિલિયન લોકોએ લાઇવ જોયો, જે આગલા વર્ષ કરતા ૯ ટકા ઓછા છે. ૨૦૨૨ પછીનો આ સૌથી ઓછો આંકડો છે. 

આ ઘટાડો અપવાદરુપ નથી. જાન્યુઆરીમાં યોજાયેલા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સને ૮.૬૬ મિલિયન દર્શકો મળ્યા હતા, જે ૬ ટકાનો ઘટાડો સૂચવે છે, જ્યારે તેના પછી ફેબુ્રઆરીમાં યોજાયેલા ગ્રેમી એવોર્ડ્સને ૧૪.૪ મિલિયન દર્શકો મળ્યા હતા, જે પણ ૬ ટકાનો ઘટાડો સૂચવે છે. આનો અર્થ એ નીકળે કે  પરંપરાગત રીતે ટીવી પર દેખાડાતા એવોર્ડ સમારંભો ધીમેધીમે દર્શકો પરથી પકડ ગુમાવી રહ્યા છે. દર્શકોની, ખાસ કરીને યુવા વર્ગની બદલાયેલી પ્રાયોરિટી તેમજ ઓટીટી પ્લેટફોર્મ્સની લોકપ્રિયતા મહત્ત્વનાં પરિબળ સાબિત થયા છે.

લેટેસ્ટ ઓસ્કર સમારોહે ૧૮-૪૯ વયના પુખ્તોમાં ૩.૯૨ની રેટિંગ હાસંલ કરી જે ગયા વર્ષની ૪.૫૪ કરતા ઓછી હતી, પણ ૨૦૨૪ની ૩.૮૨ કરતા સહેજ વધુ હતી. અન્ય મહત્વની  બાબત છે કાર્યક્રમની વધતી ડિજિટલ ફૂટપ્રિન્ટ. પ્રસારણ દરમ્યાન સોશિયલ મીડિયાનો ઉપયોગ ૪૨ ટકા વધી ગયો હતો અને ૧૮૧ મિલિયનના આંકડાને વટાવી ગયો હતો. આ તીવ્ર વધારો સૂચવે છે કે આવા કાર્યક્રમો જોવા માટે દર્શકોના વ્યવહારમાં કેવા ફેરફાર થયા છે. સમગ્ર શો ટીવી પર જોવાની બદલે અનેક દર્શકોએ હાઈલાઈટ્સ, ક્લિપ્સ અને ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવ ચર્ચાઓ જોઈ હતી.

ભૂતકાળનો વિચાર કરીએ તો ઓસ્કરે અગાઉ પણ દર્શકોની સંખ્યામાં ફેરફાર અનુભવ્યા છે. ૨૦૨૧માં કોવિડ મહામારીને કારણે કાર્યક્રમને ૧૦.૪ મિલિયન લોકોએ જોયો હતો જે અત્યાર સુધીની સૌથી ઓછી સંખ્યા છે.૧૯૯૮માં ૫૭ મિલિયન દર્શકો સાથે ઓસ્કર ટેલિકાસ્ટ ટોચ પર હતું. તે વર્ષે  'ટાઈટેનિક' ફિલ્મે મોટાભાગના એવોર્ડ જીતી લીધા હતા. 

ઓસ્કર જેવા કાર્યક્રમોએ પોતાની સુંસગતતા જાળવી રાખવા પોતાનામાં બદલાવ કરવો પડશે. પછી તે પ્રસારણની વ્યૂહરચના હોય, કે ફાર્મેટમાં નવીનતા હોય. ઓડિયન્સના ટેસ્ટ સાથે તાલ મિલાવ્યા વગર ઓસ્કરને ચાલવાનું નથી.