Magazines

સાધારણ હેર એક્સેસરીઝે નવા વાઘા સજીને ધારણ કર્યું 'હેર હાર્ડવેઅર' નામ

By GS TEAM
12 Aug 20252 mins read
સાધારણ હેર એક્સેસરીઝે નવા વાઘા સજીને ધારણ કર્યું 'હેર હાર્ડવેઅર' નામ

- પીન, ચીપિયાં, ક્લિપ, બક્કલના નામ-રૂપ જૂજવાં

વીંખાઈ જતાં વાળને સખણાં રાખવા પીન અને ચીપિયાનો ઉપયોગ હમેશાંથી થતો આવ્યો છે. સમયાંતરે તેમાં વિવિધ પ્રકારના બક્કલ, રબરબેન્ડ, ચપટી પીનો ઇત્યાદિનો ઉમેરો થતો ગયો. ધીમે ધીમે આ એક્સેસરીઝને ડેકોરેટ કરવાનું શરૂ કરવામાં આવ્યું. બજારમાં આસાનીથી મળતી આ હેર એક્સેસરી સામાન્ય યુવતીઓમાં પણ લોકપ્રિય થઈ ગઈ. પણ હવે સેલિબ્રિટી સ્ત્રીઓએ તો વિવિધ પ્રકારની પીનોને ફેશન સ્ટેટમેન્ટ બનાવી દીધી છે. ચાહે તે સેલિબ્રિટી નતાશા પૂનાવાલા હોય, કિમ કર્દાશિયન હોય કે પછી સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર બહેનો સ્નેહા અને જ્યોતિ હોય.

હેરસ્ટાઇલિસ્ટો કહે છે કે વાળને આકર્ષક બનાવવા હમણાં એક નવો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. સેલિબ્રિટી માનુનીઓ વિવિધ પ્રકારની હેર એક્સેસરીનો ઉપયોગ વાળને શણગારવા માટે કરી રહી છે. તેઓ ખુલ્લા કેશમાં પણ હીરા કે રત્નજડિત, મેટલ પર પેઇન્ટ કરેલી, કોઈક બ્રાન્ડના આકારને નોખા પ્રકારે રજૂ કરતી પીન, બેરેટ્સ, લોગો ક્લિપ્સ, સ્ટેટમેન્ટ કફ્સ એવી રીતે લગાવે છે કે તે ઉડીને આંખે વળગે. વળી તે પણ એકાદ-બે નહીં, પણ ત્રણ-ચાર.

હેરસ્ટાઈલિસ્ટો કહે છે કે વાળને શણગારવાનો આ લેટેસ્ટ ટ્રેન્ડ છે. સેલિબ્રિટીઓએ વર્ષોથી ઉપયોગમાં લેવાતી હેર એક્સેસરીને નવા રૂપરંગ અને 'હેર હાર્ડવેઅર' જેવું નોખું નામ આપીને ફેશન સ્ટેટમેન્ટ બનાવી દીધી છે. હવે આ એક્સેસરી વીંખાઈ જતાં વાળને વ્યવસ્થિત રીતે ગોઠવી રાખવા માટે નહીં, બલ્કે કેશના સૌંદર્યમાં ઉમેરા કરવા માટે ઉપયોગમાં લેવાય છે.

તેઓ વધુમાં કહે છે કે જો કોઈને અચાનક ક્યાંક જવાનું થાય અને વ્યવસ્થિત રીતે તૈયાર થવાનો સમય ન હોય તો આકર્ષક હેર હાર્ડવેઅરનો ઉપયોગ કરીને તે થોડી મિનિટોમાં નવો લુક પ્રાપ્ત કરી શકે છે. વળી તેમાં ઝાઝો ખર્ચ પણ નથી થતો, તેને વાળમાં લગાવતાં પણ વાર નથી લાગતી, અને તમે ગણતરીની મિનિટોમાં તૈયાર થઈને નિર્ધારિત સ્થળે જવા રવાના થઈ શકો છો. આ કારણે જ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅર્સને અનુસરીને સામાન્ય યુવતીઓ પણ સાધારણ ક્લિપ્સ, પીન, બક્કલ ઇત્યાદિના સ્થાને ધ્યાનાકર્ષક હેર હાર્ડવેઅર તરફ વળી છે.

- વૈશાલી ઠક્કર