''એક વૃક્ષ માં કે નામ'' .

''પરોપકારાય ફલન્તિ વૃક્ષ:''
આ વૃક્ષોનું જીવન આપણાં માટે જ છે. આપણા માટે જ આ વૃક્ષો ફળ આપે છે. આપણા માટે જ આ નદીઓ વહે છે. આપણા માટે જ ભગવાન સૂર્યનારાયણ ઉગે છે અને પ્રકાશ આપે છે. સંતોનું જીવન પણ સદાને માટે પરોપકારી જ હોય છે. આવા આ વૃક્ષો-વનસ્પતિ, ઝાડ-પાન આપણા જીવનના ધોળીયાથી લઈને અંતિમ સંસ્કાર માટે ઉત્પન્ન થયેલા છે. એના વિના આપણું જીવન જીવવું અશક્ય છે.
આ ફળના ઝાડને પત્થર મારે તો પણ તે આપણને ફળ આપે છે. કાળઝાળ ગરમી સહન કરીને આપણને છાંયો આપે છે. ઘરની સજાવટ માટે પણ ફર્નિચર તરીકે આ વૃક્ષોનું લાકડું જ ભાગ ભજવે છે. શ્વાસોશ્વાસમાં જે ઓક્સિજન લઈએ છીએ તે પણ આ વૃક્ષોને આભારી છે. આપણા ઘરઆંગણાંનું વૃક્ષ એ આપણી શોભા છે. આ વૃક્ષોના છાંયે બેસીને સમૂહ ભોજન કરવાનો પણ કેટલો આનંદ આવે છે. પક્ષીઓનું રહેઠાણ આ વૃક્ષો છે. અને પક્ષીઓના બચ્ચાને મોટા કરીને આકાશમાં ઉડવાની શક્તિ પણ આ વૃક્ષોને આભારી છે.
આયુર્વેદની ઔષધિઓ પણ આ વૃક્ષો અને વનસ્પતિમાંથી જ મેળવીને આપણે દીર્ઘ આયુષ્ય અને આરોગ્ય મેળવી શકીએ છીએ. શીતળ પવન આપીને આપણને મીઠી નિદ્રામાં પોઢાડનાર પણ આ વૃક્ષો છે. ઋષિમુનિઓએ હજારો વર્ષ તપસ્યા કરીને આ વૃક્ષની નીચે જ ભગવાનની કૃપા પ્રાપ્ત કરી છે. કાળઝાળ ગરમીમાં ગરમ થયેલી ધરાને પણ આ વૃક્ષો વરસાદને લાવીને ઠંડક પ્રદાન કરે છે અને આપણને મીઠી સુગંધ પ્રાપ્ત કરીને હજારો ટન અનાજ ઉગાડીને આપણી બંને ટાઈમની ક્ષુધાની તૃપ્તિ કરીને પ્રાપ્ત થયેલું આયુષ્ય ભોગવી શકીએ છીએ અને તે રીતે જોઈએ તો આપણા જીવનનો તમામ પ્રકારનો આધાર આ વૃક્ષોને આભારી છે.
યાદ રાખજો આપણે વાવેલા આંબાના ફળ આપણે ન ખાઈ શકીએ તો કાંઈ નહીં પરંતુ આપણી આવનાર પેઢીઓ તેના ફળ ખાઈને આપણને યાદ કરશે. એક લાખ બીલીનું વૃક્ષ ઉછેરીને મોટું કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને આપણા સંતાનો પણ શિવને બિલીપત્ર ચડાવીને શિવકૃપા પ્રાપ્ત કરી શકશે. એક કદંબનું વૃક્ષ, એક લીમડો કે એક પીપળો અનેકને આ કાળઝાળ ગરમીમાં છાંયો આપીને સૌના આશિર્વાદ પ્રાપ્ત કરાવશે.
અંતમાં માતાની યાદગિરી માટે માતાના નામે કોઈ પણ એક વૃક્ષ વાવીને માતાના આશિર્વાદ મેળવીએ.
- નૈષધ દેરાશ્રી









