Magazines

વન નેશન, વન ઈલેકશન ભાજપના મોટા રાજકીય દાવનો એક મહત્વનો ભાગ

By GS TEAM
26 Apr 20264 mins read
વન નેશન, વન ઈલેકશન ભાજપના મોટા રાજકીય દાવનો એક મહત્વનો ભાગ

- ઓપિનિયન-પી.ચિદમ્બરમ્

- એક રાષ્ટ્ર, એક ચૂંટણી વ્યવસ્થા રાજ્યસ્તરના સ્થાનિક પક્ષોને અદ્રશ્ય કરી નાખશે

નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળનો ભારતીય જનતા પક્ષ (ભાજપ) ભારતમાં ભૂતકાળના અને હાલના અન્ય પક્ષોની સરખામણીએ એકદમ અલગ છે. તેમનું લક્ષ્ય શકય એટલી વખત ચૂંટણી જીતવાનો જ નહીં પરંતુ ચૂંટૅણી જીતવાની સાથોસાથ કાયમ માટે સત્તા પર ચીટકી રહેવાનો પણ છે. આ દ્રષ્ટિકોણથી  ભાજપ ચીનના સામ્યવાદી પક્ષ (સીપીસી) જેવો છે. સીપીસીનો સત્તા સુધીનો માર્ગ ,જાપાનના આક્રમણખોરો સામે ઘાતકી યુદ્ધ અને ૧૯૪૫માં જાપાનની શરણાગતિ બાદ ક્યુઓમિન્ટાંગ (કેએમટી)  સામે ૧૯૪૯માં કડવા ગૃહયુદ્ધ મારફત પસાર થયો છે. ત્યારથી સીપીસી સત્તા પર છે. 

માઓ ઝેડોંગે ૧૯૪૯માં ચીનમાં વન-પાર્ટી રાષ્ટ્રની નીતિ જાહેર કરી હતી. ભારત ૧૯૪૭માં બ્રિટનથી આઝાદ થયું અને ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક તથા પ્રજાસત્તાક બંધારણ લખાયું. ભારતનું બંધારણ ૧૯૫૦માં સ્વીકારાયું જેમાં અનેક રાજકીય પક્ષો, સમયાંતરે ચૂંટણી તથા કેન્દ્ર તથા રાજ્ય સ્તરે સત્તાના શાંતિપૂર્ણ રીતે હસ્તાંતરની જોગવાઈ કરવામાં આવી. ભારત તથા ચીન વચ્ચે આ એક મુખ્ય તફાવત છે. 

ભાજપ તથા આરએસએસ

 જનસંઘ અને પછી ભારતીય જન સંઘ અને હાલમાં ભારતીય  જનતા પાર્ટી તેમની રચના વખતે ભારતના બંધારણમાં માનતી હતી. તેનો ઉછેર લોકતાંત્રિક પક્ષ તરીકે થયો હતો અને રાજકીય ક્ષેત્રમાં જમણી બાજુ કબજે કરી હતી. કેન્દ્રમાં ડાબી બાજુ મેળવી ચૂકેલીઈન્ડિયન નેશનલ કોંગ્રેસ કરતા પોતાને અલગ પાડવાનો પ્રયાસ કર્યો હતો. શ્યામા પ્રસાદ મુખરજી, દીન દયાલ ઉપાધ્યાય, એ. બી. વાજપેયી તથા એલ. કે. અડવાણીની નેતાગીરી હેઠળ વર્ષો સુધી ભાજપ લોકતાંત્રિક પક્ષ તરીકે જળવાઈ રહ્યો હતો. જો કે ભાજપના રાજકીય ગુરુ, આરએસએસ રાજનીતિ તથા ભારતના રાજકીય બંધારણ બાબત અલગ મત ધરાવે છે. ભારત એક ભાષા, એક સંસ્કૃતિ અને શકય હોય તો એક ધર્મ સાથેનો દેશ હોવો જોઈએ એમ આરએસએસ માને છે. 

વડા પ્રધાન અને ભાજપના સર્વેસર્વા નરેન્દ્ર મોદી એક એવા વિચારધારક છે, જેમણે ભારત માટેના આરએસએસના મતને સ્વીકાર્યો છેપરંતુ સાથોસાથ, આરએસએસનું લક્ષ્ય માત્ર ચૂંટણીમાં વિજય મેળવીને જ સિદ્ધ નહીં થઈ શકે તે તેઓ સારી રીતે સમજી ચૂકયા છે આ માટે સંભાળપૂર્વકના પગલાં નિશ્ચિત કરવાના રહેશે. ૨૦૧૪થી જ્યારથી મોદી સરકાર દ્વારા બંધારણિય, ધારાકીય તથા વહીવટી પગલાં લેવાયા છે તેના પર બારીક નજર નાખવી રહી. નાગરિકત્વ (સુધારા) ધારા અને સમાન નાગરિક ધારા માટે મોદીની કટ્ટર તરફદારી, જમ્મુ અને કાશમીર પુન:ગઠન ધારાની રચના, બંધારણની કલમ ૭૩, કલમ ૧૬૨ તથા ભાગ ૧૧, ૧૨ તથા ૧૪ની જોગવાઈઓનું રચનાત્મક અર્થઘટન  તથા વન નેશન, વન ઈલેકશનનો અમલ કરવાના સજ્જડ પ્રયાસ જેવા પગલાં કહેવાતા વિકસિત ભારત  તરફ આગળ વધવાના ગણતરીપૂર્વકના પગલાં છે. 

અપેક્ષા અને નિરાશા

૨૦૧૪થી ૨૦૨૪ સુધી નરેન્દ્ર મોદી પ્રગતિશીલ રહ્યા હતા. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં દેશના લોકો તેમના પક્ષને ૪૦૦થી વધુ બેઠકથી જીત અપાવશે તેવો તેમને વિશ્વાસ હતો. પરંતુ તેમને મોટો ફટકો પડયો અને તેમના પક્ષને માત્ર ૨૪૦ બેઠકો જ મળી, જે ૫૪૩ બેઠકો સાથેની લોકસભામાં સાદી બહુમતિ કરતા પણ ઓછી છે. ૨૦૨૪થી તેમના દરેક પ્રયાસો  ગુમાવેલી શાખ ૨૦૨૯ પહેલા પાછી મેળવવા માટેના છે.  બંધારણિય (૧૩૧માં સુધારા) ખરડા, ૨૦૨૬ને પસાર કરાવવામાં ધારો કે, ભાજપ સફળ રહ્યું હોત તો, તેનાથી મહિલા અનામતના નામે  ડીલિમિટેશન અને રાજકીય ચાલાકીનો માર્ગ મોકળો થાત. નવા કાયદાથી દક્ષિણના રાજ્યો દેશના વહીવટમાં અસંગત બની જાત. આ ઉપરાંત, ભાજપને ૨૦૨૯માં વન નેશન વન ઈલેકશનના  તેમના વિચારનો અમલ કરવા સહિત અન્ય બંધારણિય સુધારા ધારા હાથ ધરવા બળ મળી જાત. 

૨૦૨૪ની લોકસભા ચૂંટણી સુધી, ભાજપ માનતુ હતું કે, તેની પાસે ચૂંટણીઓ જીતવા માટેની વિજયી ચાવી છે- ગુજરાત અને  નવ હિન્દીભાષી રાજ્યોમાં નિર્દયી સંગઠનાત્મક યંત્રણા, હિન્દી જાણતા રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ તથા જમ્મુના જિલ્લાઓમાં બંધ બેસતા પક્ષ, મની પાવર, કહ્યાગરા ગવર્નરો, ભયભીત અમલદારશાહી, તપાસ, જપ્તિ, અટક તથા કામ ચલાવવાની શક્તિ સાથેની આધીન તપાસ સંસ્થાઓ, પોતાની બાજુએ કરી લીધેલા મીડિયા, ભારતના ચૂંટણી પંચનો યુક્તિબદ્ધ ટેકો તથા ન્યાયતંત્ર. દક્ષિણના રાજ્યો તથા પશ્ચિમ બંગાળ સંપૂર્ણ સત્તા મેળવવામાં અવરોધરૂપ છે.

વન નેશન, વન ઈલેકશનને નિષ્ફળ બનાવવું જ રહ્યું

મને ડર છે કે  વન નેશન, વન ઈલેકશન ખરડો જો પસાર થઈ જશે તો, તેનાથી વિપક્ષ વિખૂટા પડી જશે. પ્રાદેશિક તથા  રાજ્ય સ્તરના પક્ષો અને કોંગ્રેસ સાથે મળી વિપક્ષી જૂથ ધરાવે છે. તેમની વચ્ચે મતભેદો છે અને તેઓ રાજ્ય વિધાનસભાની અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં એકબીજા વિરુદ્ધ લડે છે. સાથોસાથ, ૨૦૨૪ની જેમ લોકસભાની ચૂંટણીમાં તેઓ એક જૂથ થવાની શકયતા પણ ધરાવે છે. લોકસભા તથા રાજ્ય વિધાનસભા (આગળ જતા સ્થાનિક સંસ્થાઓ)ની ચૂંટણીઓ સાથોસાથ યોજાતી થઈ જશે તો, એક સાથે આવવાનું  અને જુથની રચના કરવાનું પ્રાદેશિક પક્ષો માટે મુશકેલ બની જશે. જુથની રચનાથી લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવાની તેમને સારી તક મળી રહેશે. વન નેશન, વન ઈલેકશન આ તકને સફળ થવા નહીં દે માટે જ ભાજપ વન નેશન, વન ઈલેકશન ખરડાની સફળતાને પોતાની એક મોટી રચનાના એક મહત્વના  હિસ્સા તરીકે જોઈ રહ્યું છે. 

અનેક પક્ષોએ આઈ.એન.ડી.આઈ. એ. જુથની રચના કરી હોવા છતાં, ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનો બોધપાઠ એ છે કે,  તેઓ સાથે મળીને પણ ભાજપને હરાવી શકયા નહોતા અને ૨૪૦ બેઠક સાથે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો હતો. આપો અને લો, સાથે આઈ. એન.ડી.આઈ.એ. જુથ પોતાનું વિસ્તરણ કરવાની ક્ષમતા ધરાવે છે. જો પક્ષો આ બોધપાઠને ધ્યાનમાં નહીં લે તો તેઓ ફેંકાઈ જશે અને અદ્રષ્ય થઈ જશે. બે મોટા જુથો  લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રમાં ભાજપને સત્તાની ઈજારાશાહી ભોગવતા અટકાવી શકશે. એક વૈકલ્પિક રાજકીય પસંદગી પૂરી પાડશે અને ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક તથા ભારતના પ્રજાસત્તાક બંધારણને ટકાવી રાખશે.