Magazines

'આત્મકલ્યાણના માર્ગે અડગ રહેવું પડે' .

By GS TEAM
24 Jun 20265 mins read
'આત્મકલ્યાણના માર્ગે અડગ રહેવું પડે'                                        .

- ઇચ્છા પૂરી કરવા જેનું મન ગરોળીની કપાયેલી પૂંછડીની માફક તરફડતું નથી, જે છત અને અછતની તીવ્રતા વખતે આત્મનિષ્ટ રહી શાંત રહે છે. જે સારા દેખાવા માટે નહિ સારા બનવા પ્રયત્નશીલ છે એ જ માનસિક વૈરાગ્યનો સાધક બની શકે છે

કઠોપનિષદ્માં શ્રેય અને પ્રેય વિષેના અંતરતી એક કથા આવે છે. વાજશ્રવા નામના ઋષિએ સ્વર્ગ મેળવવાની ઇચ્છાથી વિશ્વજિત (સર્વમેઘ) નામનો યજ્ઞા કર્યો. આ યજ્ઞામાં તેમણે પોતાનું ધન અને ગાયો ઋષિઓને દાન કરી. વાજશ્રવાના પુત્રનું નામ નચિકેતા હતું. તેણે જોયું કે પિતાજી દાન આપવામાં પણ સારા ખોટાની ગણત્રી કરતા હતા. જે ગાયો દાન આપતા હતા તે નિર્બળ, અશક્ત અને કશા કામની નહોતી. આવા દાનથી શ્રેષ્ઠ ફળ નહિ મળે એ વિચારથી તે મૂંઝાયો. તેણે પિતાજીને પૂછયું.' આમ ગણત્રીપૂર્વક નબળી ગાયોનું દાન કરવાથી યજ્ઞાનું યોગ્ય ફળ નહિ મળે. દાન તો શ્રેષ્ઠ વસ્તુનું જ થાય- ચાહે તે ગાય હોય કે ધન ! પિતાજી હું પણ તમારૃં ધન છું ને- પુત્રધન ! જો તમે મને દાન કરવાના હો તો કયા ઋત્વિજને દાન કરશો ?' પિતાએ વિચાર્યું વડીલ સામે આવી ઉપદેશાત્મક વાતો કરવી નચિકેતાને શોભતી નથી. છતાં તે મૌન રહ્યા. નચિકેતા ફરી એ જ પ્રશ્ન પૂછતો રહ્યો. (તત કસ્મૈ માં દાસ્યમીતિ- તમે મને કોને દાન કરશો )' હવે પિતાજીને ગુસ્સો આવ્યો, એટલે તેમણે કહી દીધું,' (મૃત્યવે ત્વા દદાનીતિ) હું તને યમરાજને-મૃત્યુને-સોંપી દઇશ. વાતાવરણમાં ભારેખમ મૌન છવાઈ ગયું. બે પળ પિતા-પુત્ર એકબીજાને અનિમેષ જોતા રહ્યા. નચિકેતા ગંભીર થઈ ગયો. તે પિતાના ચરણસ્પર્શ કરી ચાલી નીકળ્યો. તે ખરેખર યમરાજના ઘરે પહોંચી ગયો. દ્વાર બંધ હતા. તે ત્રણ દિવસ ભૂખ્યો તરસ્યો આંગણામાં રાહ જોતાં બેસી રહ્યો. યમરાજ આવ્યા. નચિકેતાને જોયો. પોતાના આંગણે ત્રણ દિવસ ભૂખ્યા બેઠેલા નચિકેતાને જોઈ અતિથિ ધર્મનું પાલન બરાબર ના થયું કહેવાય એમ સમજી નચિકેતાને ત્રણ વરદાન માંગવા કહ્યું. નચિકેતાએ પહેલું વરદાન પિતાજી માટે બીજું વરદાન અગ્નિવિદ્યા માટે માંગી ત્રીજા વરદાનમાં આત્મવિદ્યા માંગી. આત્મવિદ્યા પચાવવી કઠિન હોય છે. એટલે યમરાજે તેને સુખ સગવડવાળા સાંસારિક, વિલાસી જીવન માટે  ઘણી લાલચ આપી. પણ તે વિચલિત ના થયો. છેવટે યમરાજે તેને આત્મવિદ્યા આપી. કઠોપનિષદના પ્રથમ અધ્યાયની બીજી વલ્લીના શરૂઆતની બે કંડિકા આત્મકલ્યાણનો સાધક માટે અસરકારક છે. (૧) અન્યચ્છ્રેયોન્યદુતૈવ પ્રેયસ્તે... (૨) શ્રેયશ્વ પ્રેયશ્ચ મનુષ્યમેતસ્તૌ...એનો અર્થ એ છે કે શ્રેય આત્મવિદ્યા છે અને પ્રેય સંસાર સાધનની અવિદ્યા છે. શ્રેય અને પ્રેયમાંથી કોઈ એકની પસંદગી કરવા માણસ સ્વતંત્ર છે. પુખ્ત સમજણવાળો શ્રેય પસંદ કરી આત્મકલ્યાણ માર્ગે જાય છે. જ્યારે વિલાસી માણસ પ્રેય પસંદ કરી શરીરાદિક વૃધ્ધિની રક્ષણ માટે ઐહિકસુખનો માર્ગ પસંદ કરે છે.

માણસ પાસે જીવનના બે રસ્તા છે. એક શ્રેય માર્ગ, બીજો પ્રેય માર્ગ. શ્રેય એટલે શુભ, હિત, કલ્યાણ, યશ, પુણ્ય, સારાશ કે મોક્ષદાયક અને પ્રેય એટલે ઐહિક, સાંસારિક, દુન્યવી, પાર્થિવ સુખ. પણ માણસનું મન વિચિત્ર છે. તેને સુખ-સગવડવાળું વિલાસી જીવન જીવવું છે અને સાથે સાથે આત્માનું કલ્યાણ પણ કરવું છે જો કે એમ બનતું નથી. કબીર સાહેબે કહ્યું છે (ચીંટી ચાવલ લે ચલી બીચ મેં મિલ ગઈ દાલ, કહત કબીર દો ના મિલે, ઇક લે દુજી ડાલ) એક કીડી મોંમાં ચોખાનો દાણો લઈને જતી હતી. રસ્તામાં તેને દાળનો દાણો મળ્યો. કીડીને એ પણ લેવાની ઇચ્છા થઈ. પણ મોંમાં ચોખાનો દાણો પહેલેથી હતો પછી દાળનો દાણો કેવી રીતે લેવાય ? દાળ લેવા જાય તો ચોખાનો દાણો છોડવો પડે એટલે કબીર કહે છે. ગમે તે એક જ મળે-બન્ને નહિ ! કાં તો શ્રેય કાં તો પ્રેય. કાં તો મુક્તિ કાં તો સંસાર.

'મને માનવયોનિમાં જન્મ કેમ મળ્યો છે?' એનો સાચો જવાબ જેને મળી જાય તે દેહ કરતાં આત્માની વધુ સંભાળ રાખતો થઈ જાય છે. બિધાનચન્દ્રનો જન્મ એક સંસ્કારી કુટુંબમાં થયો હતો. તે અભ્યાસી જીવ હતા. તેમણે મહેનત કરી બંગાળની પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજમાં એડમિશન લીધું. એક વખત લેબોરેટરીમાં એક પ્રોફેસરના હાથે અકસ્માત થઈ ગયો. કોલેજને મોટું નુકસાન થયું. કોર્ટમાં કેસ થયો. આ ઘટનાના બિધાનચન્દ્ર એકમાત્ર સાક્ષી હતા. પ્રોફેસરે ખોટી જુબાની આપવા તેમને બચાવવા ધાકધમકી આપી. પણ બિધાનચન્દ્રએ ડગ્યા વગર સાચી જુબાની આપી. પ્રોફેસરને દંડ ભરવો પડયો. આ અપમાનનો ખાર રાખી તેમણે બિધાનચન્દ્રને તેમના વિષયમાં નાપાસ કર્યા. બિધાનચન્દ્રનું એક વરસ બગડયું. છતાં તે નિરાશ ના થયા. આત્મગૌરવ સાચવવા તેમણે સત્ય સાથે સમાધાન ના કર્યું તેનો તેમને સંતોષ હતો. તેમના પિતા કહેતા આત્મકલ્યાણના માર્ગે કસોટી થવાની, અડચણો આવવાની-પણ અડગ રહેવાનું. આગળ જતાં આ બિધાનચન્દ્ર બંગાળના મુખ્યમંત્રી બન્યા હતા.

કોઈપણ ઇચ્છા પૂરી કરવા જેનું મન ગરોળીની કપાયેલી પૂંછડીની માફક તરફડતું નથી. જે છત અને અછતની તીવ્રતા વખતે આત્મનિષ્ટ રહી શાંત રહે છે. જે સારા દેખાવા માટે નહિ સારા બનવા પ્રયત્નશીલ છે એ જ માનસિક વૈરાગ્યનો સાધક બની શકે છે.

એક જાતક કથા પ્રમાણે વારાણસીમાં બોધિસત્વ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તક્ષશિલા વિદ્યાલયમાં જ્ઞાાન મેળવ્યા બાદ તે જંગલમાં સાધના કરવા ગયો. કમળના સરોવર કિનારે એક ઝૂંપડી બાંધી. એકાંતમાં તે ધ્યાન ધરતો. પુનમની એક રાતે તેણે જોયું સરોવરમાં અસંખ્ય કમળો ખીલ્યાં હતાં. ચાંદની રાત, કમળોથી ભરેલું સરોવર ! તે સરોવર નજીક ગયો. કમળ તોડયા વગર સૂંઘવા લાગ્યો. ત્યાં અચાનક એક દેવકન્યા પ્રગટ થઈ. ' શ્રમણ તમે આ શું કરો છો ! કમળના ફૂલ સૂંધી રહ્યા છો ! એ તો સુગંધની ચોરી ગણાય !! બોધિસત્વએ કહ્યું,'પણ હું ફૂલ તોડયા વગર દૂરથી સૂંધું છું. પછી ચોરી કયાંથી થઈ ? ' દેવકન્યાએ કહ્યું,' જે શ્રમણ છે (સાધુ-ંસત) નિત્ય આત્મતત્વની પવિત્રતા માટે પ્રયાસ કરે છે. તે જે વાળની ઘાર જેટલો માનસિક કામ-વિકાર કરે તો તેની પવિત્રતા મેલી થાય છે. તમે આવું ના કરો. તમારૃં પુણ્ય ઘટી જશે.

આત્મકલ્યાણના માર્ગે માનસિક કામનાપૂર્તિના વિચારો પણ બાધક ગણાય છે. દરેક પળે સાવધ રહેવું પડે છે, ચીવટ રાખવી પડે છે જાગૃત રહેવું પડે છે. આળસ નથી ચાલતી. ઢીલ નથી ચાલતી. આ માર્ગે પગલાં ભરતા પથિકે શારીરિક જ નહિ માનસિક કામનાઓનો પણ સામનો કરવો પડે છે. અનાસકત અડગ રહેવું પડે છે. એકવાર...બસ, એકવાર ઇશ્વરના ખોળાની જેને ફૂંક મળી જાય તેને દુનિયાનું ઉચ્ચતમ સિંહાસન પણ આકર્ષતું નથી. તે જાણે છે આત્મકલ્યાણનો આ તરાપો જ તોફાની ભવસાગરને પાર કરાવશે.

- સુરેન્દ્ર શાહ