Magazines

'ઓમ કાર' મહામંત્ર... .

By GS TEAM
27 May 20262 mins read
'ઓમ કાર' મહામંત્ર...                                        .

આ પૃથ્વી, આકાશ, પાતાળ, ત્રિભુવન કે પછી સમસ્ત બ્રહ્માંડમાં સૌપ્રથમ ઓમ ની ઉત્પત્તિ થઈ. ભાષા કે વાણી વગર વિશ્વની કલ્પના થઈ શકે નહીં. સૌપ્રથમ સ્વર અક્ષર કે શબ્દ ઓમ કાર જ છે. અ... ઉ... મ... ત્રણ અક્ષર નો એક જ અક્ષર 'ઓમ' થયો. તેને પ્રણવ પણ કહે છે. ઓમ કાર પરબ્રહ્મ સ્વરૂપ છે. આથી જ તેને બીજ મંત્ર પણ કહેવાય છે. જેમ બીજમાંથી અંકુર ફૂટે પછી પર્ણ તેમાંથી છોડ અને ત્યારબાદ વિશાળ વૃક્ષ બને છે, તેમ 'ઓમ' કાર સ્વયં એક મહામંત્ર છે. અને તેમાંથી બીજ મંત્રો, સ્ત્રોતો, ઉપનિષદો, વેદો, ગ્રંથો અને મહાપુરાણોની રચના થઈ.

ઓમ કાર મંત્રના ઉચ્ચારણ સાધક ના મનને, અંતઃકરણને, મગજને, વિચાર ધારાને સન્માર્ગ તરફ પ્રેરે છે. આ મહામંત્રના ઉચ્ચારણથી તન મનમાં અજબની શક્તિનો સંચાર થાય છે. એક દિવ્ય આંદોલન ઉત્પન્ન થાય છે. આથી સાધક પવિત્ર સારા કર્મો કરવા પ્રેરાય છે, જેનો લાભ સમાજને મળે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો, જીભમાંથી જે શબ્દો નીકળે છે તેમના ઉચ્ચારણ, કંઠ, તાળવું, મૂર્ધા, હોઠ, દાંત જેવા મુખના વિવિધ અંગો દ્વારા થાય છે. શબ્દ કે મંત્રના ઉચ્ચાર કરતી વખતે મુખમાંથી જે ધ્વનિ નીકળે છે, તેની અસર શરીરના વિવિધ ભાગો સુધી ફેલાય છે. અને એ વિવિધ ગ્રંથિઓને ધ્રુજાવે છે અને મંત્ર દ્વારા અનુપમ શક્તિનો આવિર્ભાવ થાય છે. આજનો માનવી કેટલાય અસાધ્ય રોગોથી પીડાય છે. ઓમ કાર મંત્રમાં રોગ નિવારણની અદ્ભુત શક્તિ સમાયેલી છે. કળિયુગનો માનવી અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. બીમારી, બેકારી, ગૃહકલેશ જેવી વિટંબણાથી ઉત્પન્ન થતાં નિરાશા, ભય, ચિંતા, ગભરાટ, નિરૂત્સાહ, મૂઢતાથી ઘેરાતો જાય છે. ત્યારે ધૈર્ય, સાહસ, શાંતિ અને શ્રદ્ધા રાખી પ્રભુમાં મન રાખી શાંત ચિત્તે 'ઓમ' કાર મહામંત્રનું ગાન કરવું જોઈએ.

સાધકે પ્રભાતે વહેલા ઉઠી, પ્રાતઃ કર્મથી પરવારી સ્વચ્છ થઈ, જ્યાં સૂર્ય પ્રકાશ અને ચોખ્ખી હવા મળે તેવા સ્થાને બેસી 'ઓમ'કારને નજર સમક્ષ રાખી આંખો બંધ કરવી. બંધ આંખે 'ઓમ'કારને નિહાળો, આજુબાજુનું ભાન ભૂલી 'ઓમ'માં ઓતપ્રોત થઈ જાઓ, અને ઉચ્ચ સ્વરે જેટલું લંબાવાય તેટલો અવાજ લંબાવીને 'ઓમ'નું ઉચ્ચારણ કરો. 'ઓમ'કારના ઉચ્ચારણ વખતે મનમાં એવો ભાવ રાખવો કે મારા શરીરમાંથી દુર્વૃત્તિ, અવિશ્વાસ, શરીરનો કચરો, રોગીષ્ઠ જંતુઓ ઉચ્છશ્વાસ સાથે બહાર ફેંકાય છે અને તાજગી સભર હવા મારા શરીરમાં પ્રવેશી રોમ રોમમાં ફેલાય છે. જેનાથી મારામાં વિશ્વાસ, સદ્વૃત્તિ, સ્ફૂર્તિ, આસ્થા, પવિત્રતા અને સદ્વિચારનો આવિર્ભાવ થાય છે. 'ઓમ' કાર અખિલ સૃષ્ટિનો પ્રાણધાર છે.

- રોહિણી હિતેન્દ્ર જોષી