Magazines

નટખટ સાબુ .

By GS TEAM
27 Mar 20262 mins read
નટખટ સાબુ                                                    .

- ટપ્પુએ કહ્યું, 'આપણે સાબુને દોરીથી બાંધી દઈએ? પછી એ ક્યાં જશે?'  બધા હસ્યા. 'પણ દોરી તો ગૂંચવાઈ જાય! પતંગની દોરીની જેમ...'  પિંકીએ કહ્યું, 'સાબુને ગુંદર લગાવીએ તો? પછી હાથમાંથી છૂટે જ નહીં!' ફરી બધા હસવા લાગ્યા. 'તો પછી ફીણ જ ન થાય!'

- વાસુદેવ સોઢા

ગોલુ નામનો એક નાનકડો અને ગોળમટોળ છોકરો હતો. ગોલુને નહાવાનું ગમે, પણ સાબુ સાથે તેને કાયમ 'કુસ્તી' થાય!

એક રવિવારની સવારે ગોલુ બાથરૂમમાં નાહવા ગયો. તેણે જેવો લાલ રંગનો સાબુ હાથમાં લીધો અને ઘસવાનું શરૂ કર્યું, ત્યાં જ સાબુ જાણે જીવતો થયો. નટખટ હોય તેમ 'સરરર... ! દે ધના ધન...' કરતો હાથમાંથી છટકી ગયો!

સાબુને પકડવા ગોલુએ ઉતાવળ કરી, પણ સાબુ તો લપસીને ડોલની પાછળ સંતાઈ ગયો. નટખટ ખરો ને! ગોલુએ આંખો ખોલીને જોવા પ્રયત્ન કર્યો, પણ અરેરે! સાબુનું ફીણ તો તેની આંખોમાં ગયું. આંખો બળવા લાગી અને ગોલુ જોરજોરથી રડવા લાગ્યો, 'મમ્મી... મમ્મી...! આ સાબુ મને રોવડાવે છે!'

મમ્મી દોડતી આવી. ગોલુની આંખો સાફ કરી અને હસતાં હસતાં સાબુ શોધી આપ્યો. મમ્મીએ કહ્યું, 'બેટા, સાબુ તો ચીકણો જ હોય! એટલે નટખટની જેમ છટકી જાય છે.' 

પણ ગોલુને આ વાત  ગમતી નહોતી. તેણે નક્કી કર્યું કે આ 'નટખટ લપસણા દુશ્મન'નો કંઈક તો ઈલાજ કરવો જ પડશે.

બીજા દિવસે ગોલુએ તેના મિત્રો ચિંટુ, પિંકી અને ટપ્પુને બોલાવ્યાં. બધાની એક જ ફરિયાદ હતી - આ સાબુ હાથમાં કેમ નથી ટકતો?

ટપ્પુએ કહ્યું, 'આપણે સાબુને દોરીથી બાંધી દઈએ? પછી ક્યાં જશે?' 

બધા હસ્યા. 'પણ દોરી તો ગૂંચવાઈ જાય! પતંગની દોરીની જેમ...'

પિંકીએ કહ્યું, 'સાબુને ગુંદર લગાવીએ તો? પછી હાથમાંથી છૂટે જ નહીં!'

ફરી બધા હસવા લાગ્યા. 'તો પછી ફીણ જ ન થાય!'

છેવટે ગોલુને એક જોરદાર આઇડિયા આવ્યો. તેણે મમ્મીનાં જૂનાં રબરના ચંપલ નીચે જોયું. જેમાં નાના-નાના ડોટ્સ હતા. તેનાથી પકડ મજબૂત રહેતી હતી.

...અને આ બાળકોની ટોળીએ ભેગા મળીને એક નવો સાબુ બનાવ્યો. તેમણે સાબુની સપાટી પર નાના-નાના ઉપસેલા 'ડોટ્સ' બનાવી દીધા. આ સાબુ દેખાવમાં જાણે કોઈ સ્પેસ શિપ હોય તેવો લાગતો હતો!

જ્યારે ગોલુએ આ 'ડોટ્સવાળા સાબુ'થી નહાવાનું શરૂ કર્યું છે ત્યારે તે હાથમાંથી બિલકુલ લપસ્યો નથી. ડોટ્સને લીધે સાબુ હાથમાં બરાબર પકડાઈ રહેતો હતો. હવે તો ગોલુ અને તેના મિત્રો જાતે જ નહાવા લાગ્યા. બધી મમ્મીઓ પણ ખુશ થઈ ગઈ કે હવે કોઈ બાથરૂમમાં રડતું નથી! 

સાચ્ચે, નટખટ સાબુ બરાબરનો પકડાઈ ગયો!