મિમિક્રી નહીં, બહુરૂપિયો AI એક્ટર સુનીલ ગ્રોવર

- સુનીલ ગ્રોવરે સલમાન, આમિર, શાહરૂખ અને ઇવન ગુલઝારની નકલ કરીને સૌને દંગ કરી દીધા હતા, પરંતુ તાજેતરમાં એને કાદર ખાનના અવતારમાં નિહાળીને બધાની આંખો પહોળી થઈ ગઈ છે. કાદર ખાનનું આસુંદર અનુકરણ ભૂતકાળમાં ક્યારેય થયું નથી. વરૂણ ધવનથી લઈને ગજરાજ રાવ સુધી અને સલીમ મર્ચન્ટથી માંડીને રાઘવ જુયાલ સુધીના સૌએ સુનીલ ભરપૂર પ્રશંસા કરી છે.
આર્ટિસ્ટમાં ટેલેન્ટ હોય તો એ વહેલો-મોડો કોઈ પણ મીડિયમમાં ચમકી શકે છે. વરસો સુધી ફિલ્મોમાં નાના નાના રોલ કરીને લગભગ ગુમનામ રહેનાર સુનીલ ગ્રોવર ઓટીટી પર મોટો સ્ટાર બની ગયો છે. 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ના એક એપિસોડ માટે એક્ટર રૃા.૨૫-૩૦ લાખ ચાર્જ કરે છે. કોમેડી શોમાં સલમાન ખાન, અજય દેવગન અને આમિર ખાન જેવા ટોપના સ્ટાર્સના વેશ ધારણ કરી ગ્રોવરે બોલિવુડમાં બધાને ખુશ કરી દીધા છે. હમણાં છેલ્લે સુનીલે શોમાં કાદર ખાન અને એની પહેલાં આમિર ખાન બનીને 'મિસ્ટર પરફેક્શનિસ્ટ'ને ખુશ કરી દીધો હતો. એ એપિસોડના પ્રસારણ બાદ આમિરે બીજા જ દિવસે ગ્રોવરના ભારોભાર વખાણ કર્યા હતા.
સુનીલ સેલિબ્રિટીઝના વેશ ભજવવાની પોતાની કળાને સસ્તી મિમીક્રી નહિ પણ ઇમ્પર્સોનેશન (બહુરૂપિયા બની પાત્રો ભજવવાની આવડત) ગણે છે. હમણાં એક મીડિયા ઇન્ટરવ્યુમાં એણે એ વિશે વિગતવાર અને ખુલા દિલથી વાતો કરી. પહેલા જ પ્રશ્નમાં ૪૮ વરસના ગ્રોવરને પૂછાયું કે તમે જાણીતા સ્ટાર્સના અવાજ અને એમની બોલચાલને કઈ રીતે આત્મસાત કરી લો છો? એના જવાબમાં એક્ટર કબુલે છે, હું પોતે પણ સમજી નથી શકતો કે એ કઈ રીતે થઈ જાય છે. વો હો જાતા હૈ. કઈ બાર ચીઝેં ક્લિક કર જાતી હૈ. એ અંદરથી આપમેળે આવી જાય છે. હું તો એને કુદરતી દેન ગણું છું. ક્યારેક હું પોતાને પણ આશ્ચર્યમાં મૂકી દઉ છું. મને મારો એક્ટ જોઈને મનમાં વિચાર આવે છે કે શું આ ખરેખર મેં કર્યું છે? ક્યારેક તમારું પરફોર્મન્સ પરફેક્ટ નથી પણ હોતું. બટ ઈટ્સ અ પાર્ટ ઓફ ધ ગેમ. જબ નહીં હોતા તો સમજ લેના ચાહિયે કી અભી તૈયારી ચલ રહી હૈ.
અલબત્ત, બહુરૂપિયા બનવું સહેલું નથી. એ સંદર્ભમાં પોતાનો તાજો અનુભવ શેર કરતા સુનીલ કહે છે, 'મારે ગુલઝાર સાબનો વેશ ભજવવાનો હતો. એની આગલી રાતે મને મનમાં એકધારો વિચાર આવતો રહ્યો કે મારે એમનું પાત્ર ભજવવાનો પ્રયાસ કરવો જોઈએ કે નહિ અને એને કેવો આવકાર મળશે. ગુલઝાર સાબ એક આદરણીય શાયર, ગીતકાર અને લેખક છે. એમને કોમિક શૈલીમાં પેશ કરતી વખતે બહુ સાવચેતી રાખવી પડે. ખાસ તો એટલા માટે કે અમારે એ એક્ટમાં રમુજ સાથે પૂજ્યભાવનું મિશ્રણ કરવાનું હતું.' મનમાં ખચકાટ છતાં ગ્રોવર ગુલઝાર બન્યો અને લોકોએ એને બિરદાવ્યો પણ ખરો.
આટલાં બધા પાત્રો પડદા પર સાકાર કર્યા બાદ આજે પણ પોતે દરેક એક્ટ વખતે મનમાં થોડો ગભરાટ અનુભવે છે. એવું સ્વીકારતા એક્ટર કહે છે, 'ક્યારેક મગજમાં ચિંતા નહિ પણ ઉથલપાથલ મચી જાય છે. પરંતુ હું માનું છું કે પ્રેશર તો હોવું જ જોઈએ. એ તમને તમારું શ્રેષ્ઠ કૌવત દેખાડવામાં મદદરૂપ થાય છે. અહીં એક બીજી વાત કરી દઉ કે તમે વધુ પડતું પ્રેશર લઈ લો તો સારું પરફોર્મ ન કરી શકો. એક્ટર તરીકે તમને કામમાં મજા પડવી જોઈએ. બાકી, ખરું પ્રેશર તો ત્યારે રહે છે જ્યારે તમારી પાસે કોઈ કામ ન હોય.'
સુનીલને બીજાની મિમીક્રી કરવાનો ચસકો નાની વયે જ લાગી ગયો હતો. એ વિશે વાત કરતા કોમેડિયન કહે છે, હું છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે મેં પહેલીવાર કોમેડિયન રાજેન્દ્રનાથની નકલ કરી હતી. આજે પણ તેઓ મારા ફેવરીટ છે. એમની ફિલ્મો જોવાનો બહુ આનંદ આવતો. જોકે એ વખતે હું મારા ટીચર્સ અને રિલેટિવ્સની મિમીક્રી પણ કરી લેતો. બસ ત્યાંથી જર્ની શરૂ થઈ.
હમણાંથી સેલિબ્રિટીઝ કોર્ટમાં જઈને પોતાના પર્સનાલિટી રાઇટસ માટે પ્રોટેક્શન મેળવતા થયા છે. આ નવા ટ્રેન્ડ વિશે પૂછાતા ગ્રોવર એને હળવાશથી લેતા કહે છે, જિસ કામ કો મૈં કર રહા હૂં, મૈં ચાહતા હું કોઈ ઉસ પર રોક ન લગાયે. મારા એક સાથીએ હમણાં મને એવું સૂચન કર્યું કે તારે પણ તારા પર્સનાલિટી રાઇટ્સ લઈ લેવા જોઈએ. મેં એને કહ્યું કે હું પોતે બીજાની નકલ કરું છું અને તું મને પર્સનાલિટી રાઇટ્સ લેવાનું કહે છે, હું લોકોને મારો ક્યો એક્ટ કરતા રોકી શકું એમ છું?
સમાપનમાં સુનીલ ગ્રોવર એક સીરિયસ વાત કરે છે, તમને એક વાત કરી દઉં કે કોઈ વ્યક્તિ મને ખરેખર ગમતી ન હોય તો હું એનો વેશ ભજવી ન શકું. વ્યક્તિમાં કોઈક અસાધારણ અને નોખો ગુણ હોવો જોઈએ, જે મને મંત્રમુગ્ધ કરી દે. એના પાત્રને આત્મસાત કરવામાં મને આનંદ આવવો જોઈએ. એટલે જ હું મારા એક્ટને માત્ર મિમીક્રી નથી ગણતો. મારે મન એ લોકોના સદ્ગુણોની ઉજવણી છે. દાખલા તરીકે, મને આમિર ખાનનું કામ પ્રત્યેનું પેશન બહુ ગમે છે. પોતાના કામને તેઓ અનહદ પ્રેમ કરે છે.








