લગ્નના ખર્ચમાં કરકસર: ઈ-ઈન્વાઈટ અને ઇન્ટરચેન્જેબલ જ્વેલરી દ્વારા
વર્ષાઋતુ પૂરી થતાં જ તહેવારો અને લગ્નની મોસમ શરૂ થઈ જાય છે. દેવદિવાળીએ તુલસીવિવાહ થયા બાદ અનેક યુગલો લગ્નગ્રંથિથી બંધાય છે. જોકે આ લગ્નની તૈયારીઓ તો મહિનાઓ અગાઉ શરૂ થઈ ગઈ હોય છે. આજકાલ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. બધી જ વસ્તુના ભાવ આભને આંબી રહ્યા છે. આવી સ્થિતિમાં લગ્નપ્રસંગ પાછળ લખલૂટ ખર્ચ કરવો પરવડે નહિ. આથી જ મોટા ભાગના પરિવારો ખોટા દેખાડા પાછળ પૈસો વેડફવાને બદલે વાસ્તવવાદી અભિગમ અપનાવતાં થયા છે. હવે લગ્નની તૈયારી શરૂ કરતાં પૂર્વે જ બજેટ નક્કી કરવામાં આવે છે. કરકસર અને થોડી બાંધછોડ કરીને લગ્નના ખર્ચને અંકુશમાં રાખવાનો પ્રયત્ન કન્યા અને વર પક્ષ બન્ને કરતાં થયા છે. આ જ કારણે હવે ઇ-ઇન્વાઈટ, ઇન્ટરચેન્જેબલ જ્વેલરી, બાદમાં સ્કર્ટ તરીકે પહેરી શકાય તેવા લહેંગા કે પછી સલવાર-સુટ સીવડાવી શકાય તેવી ડિઝાઈનની સાડીની પસંદગી કરવામાં આવે છે.
થોડા સમય પહેલાં સુધી નવવધૂઓ પોતાના લહેંગા-ચોલી એકદમ ભારે અને આગવા હોય તે માટે પોણોથી એક લાખ જેટલી રકમ ખર્ચ કરતાં અચકાતી નહોતી. પણ હવે 'બજેટ વેડિંગ'ની થિયરી પ્રમાણે ફેશન ડિઝાઈનરોએ જ રૂા. ૨૫થી ૩૦ હજારની અંદર બ્રાઈડલ લહેંગા-ચોલી બનાવવાનું શરૂ કર્યું છે. આને 'પ્રેટ લહેંગા' કહેવામાં આવે છે. ડિઝાઈનરોના મતે આધુનિક નવોઢા ભારે એમ્બ્રોઈડરી સાથે સ્ટાઈલિશ કટ હોય તેવા લહેંગા પસંદ કરે છે.
વળી આજકાલ 'ડેસ્ટિનેશન વેડિંગ' (બહારગામ જઈને લગ્ન કરવા)નું ચલણ વધી ગયું છે. એટલે કોઈને પોતાની સાથે પટારા ભરીને ભારે પરિધાન લઈ જવા ગમતા નથી. આથી જ સ્ટાઈલીશ, આગવા અને હળવા બ્રાઈડલ પ્રેટની માગ વધી રહી છે. વળી નવવધુઓ માત્ર લગ્નને નહિ પણ ભાવિ જીવનને ધ્યાનમાં રાખીને જ્વેલરી પણ પસંદ કરે છે. લગ્ન બાદ લહેંગાને સ્ટાઈલીશ સ્કર્ટ તરીકે પહેરી શકાય કે કેમ તેવો પ્રશ્ન મોટા ભાગની નવવધૂઓ પૂછતી હોય છે. તે જ રીતે લગ્ન માટે ખરીદેલી ભારે સાડીમાંથી પછી સલવાર-સુટ કે ફેન્સી સ્કર્ટ બનશે કે કેમ તેનો વિચાર પણ બ્રાઈડ કરતી હોય છે.
એક સમયે લગ્નમાં ભારે દાગીનાઓ પહેરવાનો ટ્રેન્ડ હતો. પારિવારિક સમૃદ્ધિનો દેખાડો કરવા નવોઢાને દાગીનાથી લાદી દેવામાં આવતી હતી. અને લગ્ન બાદ આ તમામ દાગીના તિજોરીમાં મૂકી રાખવામાં આવતા હતા. પરંતુ આધુનિક નવવધૂઓ આ પ્રથાને અનુસરવાને બદલે હળવા, મોડર્ન ડિઝાઈનના અને ક્રિસ્ટલ કે અર્ધ કિંમતી રત્નો જડેલા આભૂષણો પસંદ કરે છે. સોનાનો ભાવ આભને આંબી રહ્યો છે એટલે અમેરિકન ડાયમન્ડની કે ચાંદી પર સોનાનો ઢોળ ચઢાવેલી હોય તેવી જ્વેલરી ખરીદે છે.
૧૦મી ડિસેમ્બરે લગ્ન કરનારી અપેક્ષા શાહે અત્યંત 'ઇકોનોમીકલી' પોતાના લગ્નનું બજેટ બનાવ્યું છે. 'મેં સોનાના ભારે સેટ ખરીદવાને બદલે હળવી અને નાજુક ડિઝાઈનની જ્વેલરી પસંદ કરી છે. આ જ્વેલરી હું પાર્ટી કે અન્ય નાના પ્રસંગોએ પણ પહેરી શકીશ તેનો મને આનંદ છે. તે જ પ્રમાણે મેં રિસેપ્શન માટે એવી સાડી ખરીદી છે જે હું પછી દિવાળી જેવા તહેવાર કે અન્ય કૌટુંબિક પ્રસંગે પહેરી શકું. આ ઉપરાંત ઇન્ટર ચેન્જેબલ જ્વેલરી પણ ખૂબ જ સારો વિકલ્પ પૂરો પાડે છે. આમાં વસ્ત્રોના રંગ પ્રમાણે જ્વેલરીના રત્નોના રંગને બદલી શકાય છે,' એવું અપેક્ષાએ જણાવ્યું હતું.
આજની નવોઢા નવી ડિઝાઈનના બ્લાઉઝ, કોર્સેટ અને ચોલીના પણ પ્રયોગ કરી શકે છે જેને બાદમાં વારે-પ્રસંગે પહેરી શકાય. જો લહેંગો-સીવડાવવાની ઇચ્છા ન હોય તો ભારે સાડીને લહેંગાની જેમ પહેરી શકાય છે અને આવી સાડી સાથે હોલ્ટર બ્લાઉઝ, સ્ટ્રીંગ ચોલી, ઑફ શૉલ્ડર બ્લાઉઝ, બેકલેસ બ્લાઉઝ અને સ્પેગિટી સ્ટ્રેપ બ્લાઉઝ પણ પહેરી શકાય છે. અહીં મહત્ત્વની વાત એ છે કે કોર્સેટ અને કોર્સેટ બ્લાઉઝને બાદમાં અન્ય પરિધાન સાથે પણ પહેરી શકાય છે.
આજના જુવાનિયાઓ લગ્નમાં કંકોત્રી પાછળ પણ વધુ ખર્ચ કરવા ઇચ્છતા નથી. લગ્નના ખર્ચમાં કરકસરનેટસેવી યુગલો ઇ-ઇન્વાઈટ તૈયાર કરીને બધાને મોકલી દેવામાં માને છે. એક કંકોત્રી પાછળ ૫૦-૧૦૦ રૂપિયાનો ખર્ચ કરવાનો અને પછી તેને બધાને પહોંચતી કરવાનો વિચાર જ તેમને સમય અને પૈસાના વેડફાટ સમાન લાગે છે. આના બદલે પાવર-પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં લગ્નનું આમંત્રણ તૈયાર કરીને બધાને ઈ-મેઈલ દ્વારા મોકલી આપવાનું તેમને સગવડભર્યું લાગે છે.
- નીપા