ટેમ્પરેચરના આંકનું અવનવું
કોઈપણ સ્થળનું તાપમાન જાણવા માટે સેલ્શિયસ ડિગ્રી કે ફેરનહીટ ડિગ્રીના આંકડા દર્શાવાય છે. સેન્ટિગ્રેડ અને સેલ્શિયસ એક જ પ્રમાણ છે. સેન્ટિગ્રેડ પ્રમાણને વિજ્ઞાાની સેલ્શિયસનું નામ આપવામાં આવેલું છે. ગરમીના આંકનો પણ રસપ્રદ ઇતિહાસ છે.
ડેનિયલ ફેરનહીટ નામના વિજ્ઞાાનીએ ઇ.સ.૧૭૧૪માં થર્મોમીટરની શોધ કરેલી. ઘણા બધા પ્રવાહી ઉપર ગરમીની અસર તપાસી અંતે તેણે થર્મોમીટરમાં પારો વાપરવાનું નક્કી કર્યું. પારો પ્રવાહી ધાતુ છે. પાણી થીજીને બરફ બને તેટલી ગરમીને ૩૨ ડિગ્રી અને જેટલી ગરમીથી પાણી ઉકળે તેને ૨૧૨ ડિગ્રી પ્રમાણ નક્કી કરી તેણે થર્મોમીટર પર ૩૨ થી ૨૧૨ આંક પાડયા તેને ફેરનહીટ ડિગ્રી કહે છે.
ઇ.સ.૧૭૮૯માં તાપમાનના આંકમાં સૌને અનુકુળ એવી મેટ્રિક સિસ્ટમવાળુ થર્મોમીટર સ્વીડિશ વિજ્ઞાાની સેલ્શિયસે બનાવ્યું તેણે થર્મોમીટર પર શૂન્યથી શરૂ કરી ૧૦૦ સુધીના આંક પાડયા. શૂન્ય ડીગ્રીએ પાણી ઠરીને બરફ બને અને ૧૦૦ ડિગ્રીએ પાણી ઊકળે. સેલ્શિયસે તેને સેન્ટિગ્રેડ નામ આપ્યું. હાલમાં તે વિજ્ઞાાનના નામ ઉપરથી સેલ્શિયસ ડિગ્રી કહેવાય છે.
સેલ્શિયસ અને ફેરનહીટ સુક્ષ્મ ચોકસાઈ દર્શાવતા નથી. રોજિંદા જીવનમાં ચોકસાઈની જરૂર નથી. વિજ્ઞાાનીઓ પ્રયોગશાળામાં અત્યંત ચોકસાઈ માટે કેલ્વીનનું પ્રમાણ ઉપયોગ કરે છે. ઇ.સ. ૧૮૪૮માં લોર્ડ કેલ્વિન નામના વિજ્ઞાાનીએ વધુ સંશોધનો કરીને માઈનસ ૨૭૩.૧૫ સેલ્શિયસ ડિગ્રીએ પદાર્થની મોલેક્યુલર પ્રવૃત્તિ અટકી જાય છે તેવી શોધ કરી સુક્ષ્મ પ્રમાણ દર્શાવતું થર્મોમીટર બનાવ્યું. તેને કેલ્વીન ડિગ્રી કહે છે.