ન્યુ ઈન્ડિયા: નવનિર્માણ માટે શું થયું, શું થવાનું છે?
સમય સાથે પરિવર્તન ન અપનાવે તેને કાટ લાગી જાય. કાટ ન લાગે એટલા માટે ભારતમાં પણ પરિવર્તનો થઈ રહ્યાં છે. 'ન્યુ ઈન્ડિયા' નામે અનેક સુધારા દેશભરમાં ચાલી રહ્યાં છે. અલબત્ત, રાજકીય પક્ષોની ન્યુ ઈન્ડિયાની પોતાની વ્યાખ્યા છે અને પોતાના વિવાદો પણ છે. બીજી તરફ દેશમાં છેલ્લાં એક-બે દાયકામાં એવા ઘણા પરિવર્તનો આવ્યા છે, જેને ખરા અર્થમાં 'ન્યુ ઈન્ડિયા' કહી શકાય. આજનો કોઈક નાનકડો ફેરફાર આવતીકાલે મોટી ક્રાંતિનું સ્વરૂપ પણ ધારણ કરી શકે અને તેને જ ખરા અર્થમાં ન્યુ ઈન્ડિયા કહેવું જોઈએ. ન્યું ઈન્ડિયાના એવા જ કેટલાક ઉદાહરણો...
સિક્કીમ: નાના રાજ્યની ખેતી ક્ષેત્રે મોટી સિદ્ધિ
સિક્કીમ સંપૂર્ણપણે કુદરત આધારીત (ઓર્ગેનિક) ખેતી કરનારું દેશનું પ્રથમ રાજ્ય બની ચૂક્યું છે. છેક ૨૦૧૫થી નાનકડું રાજ્ય આ મોટી સિદ્ધિ ધરાવે છે. સિક્કીમ પાસે માંડ ૭૫,૦૦૦ હેક્ટર જેટલી કૃષિલાયક જમીન છે. સરકારે ક્રમશઃ એ જમીન સંપૂર્ણ કુદરત આધારીત ખેતીમાં ફેરવી નાખી છે. કૃત્રિમ ખાતરો અને જંતુનાશક બિયારણનો ઉપયોગ બંધ કરી દીધો છે.
સરકારના 'નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોગ્રામ' હેઠળ નક્કી થયેલા તમામ ધારાધોરણોનું સિક્કીમે પાલન કર્યા પછી રાજ્યને પ્રથમ ઓર્ગેનિક સ્ટેટનો દરજજો આપવામાં આવ્યો હતો. કેમિકલ દ્વારા ખેતી થતી હોય એવી જમીનના વેચાણ પર પણ સિક્કીમ સરકારે પ્રતિબંધ મુકી દીધો છે.
એક તરફ વિશ્વમાં બીમારીઓ વધી રહી છે, ત્યારે સામે પક્ષે કુદરત આધારીત ખેતી અને ખેતપેદાશોની ડિમાન્ડ પણ વધી રહી છે. એ સંજોગો વચ્ચે સિક્કીમની આ સફળતા વિશ્વ કક્ષાએ મહત્ત્વની બની રહેશે. સિક્કીમના અર્થતંત્રમાં ખેતીનો ફાળો મોટો છે, માટે કૃષિ સુધારા સિવાય એ રાજ્ય પાસે બીજો વિકલ્પ ન હતો.
પહાડી રાજ્ય સિક્કીમ મુખ્યત્વે એલચી, સુંઠ, ફૂલ-છોડ, શાકભાજી, ચોખા વગેરેની ખેતી કરે છે. પણ એચલી અને સુંઠ મુખ્ય ઉત્પાદનો છે. હવે સિક્કીમ પછી પડોશી રાજ્યો મિઝોરમ અને અરૃણાચલ પ્રદેશ પણ ઓર્ગેનિક ફાર્મિંગ પર વધારે જોર આપી રહ્યાં છે. કેમ કે પશ્ચિમી દેશોમાં ભારતની ઓર્ગેનિક પ્રોડક્ટની ડિમાન્ડ રાત-દિવસ વધી રહી છે.
સમાનવ અવકાશયાત્રાની તૈયારી
ગગનયાન ભારતનું પ્રથમ સમાનવ અવકાશ મિશન છે અને ૨૦૨૨માં લૉન્ચ થવા જઈ રહ્યું છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરો માટે આ પ્રોજેક્ટ મોટો પડકાર છે. કેમ કે ઉપગ્રહો લોન્ચ કરવા અને અવકાશમાં માનવયાત્રા મોકલવી બન્નેમાં ઘણો ફરક છે. અવકાશમાં મનુષ્યને મોકલવાનું કામ ઘણુ અઘરંન છે. એ માટે ખાસ પ્રકારની કેપ્સ્યુલથી માંડીને ટેકનોલોજીની જરૃર પડે, જે માટે ઈસરોએ તૈયારી આદરી દીધી છે. મિશન માટે બેંગાલુરુ ખાતે ઈસરોના હેડક્વાટર પાસે જ સ્પેસ પ્રવાસ મથક બનાવી દેવાયું છે.
અહીં સ્પેસ શટલ, સ્પેસ ક્રાફ્ટ સહિતની તૈયારીઓ થઈ રહી છે. અવકાશયાત્રીઓને રશિયા તાલીમ આપશે. તો વળી અવકાશયાત્રીઓને અકસ્માત વખતે સલામત રીતે પૃથ્વી પર લઈ આવે એ માટેની ક્રૂ એબોર્ટ સિસ્ટમ તૈયાર કરી લેવાઈ છે. ભારતે અડધી સદીમા ઉપગ્રહ બનાવવા અને રોકેટ દ્વારા લૉન્ચ કરવાની દિશામાં અઢળક સફળતા મેળવી છે. એ સિવાયના અવકાશ સંશોધન ક્ષેત્રોમાં ભારત થોડું પાછળ છે. માટે ભારત હવે અવકાશમાં સમાનવ મિશન મોકલવા તૈયારી કરી રહ્યું છે.
અત્યાર સુધીના આયોજન પ્રમાણે ૩ અવકાશયાત્રીઓ સાત દિવસ સુધી અવકાશ પૃથ્વી ફરતે પ્રદક્ષિણા કરશે. ભારતનું ગગનયાન ઈસરોના શ્રીહરિકોટા લૉન્ચિંગ મથકેથી અવકાશમાં જવા રવાના થશે. સાત દિવસના પ્રવાસ બાદ એ સંભવત ઃ ગુજરાતના કાંઠે ક્યાંક ઉતરાણ કરશે. અત્યાર સુધીમાં માત્ર અમેરિકા, રશિયા અને ચીન એ ત્રણ દેશો જ અવકાશયાત્રીઓને સ્પેસમાં મોકલવાની ટેકનોલોજી વિકસાવી શક્યા છે. ભારત એ લિસ્ટમાં ચોથો દેશ બનવા જઈ રહ્યો છે.
ભારતની પ્રથમ પેપરલેસ સરકારી મીટિંગ
૧૫મી સપ્ટેમ્બર-૨૦૧૪માં આંધ્રપ્રદેશ સરકારની કેબિનેટ બેઠક મળી હતી. એ બેઠક ભારતની પ્રથમ પેપરલેસ સરકારી મીટિંગ હતી. તત્કાલિન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ એને ઈ-કેબિનેટ નામ આપ્યું હતું. એમાં તમામ કેબિનેટ મિનિસ્ટર્સ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આપ્યું હતું અને કાગળનો ઉપયોગ બિલકુલ કર્યો ન હતો.
આઈપેડ કે લેપટોપ લઈને આવેલા કેબિનેટ મિનિસ્ટર્સે કાગળનો ઉપયોગ કર્યા વગર આખી ય બેઠક પૂરી કરી હતી. ૨૧મી સદીના ન્યૂ ઈન્ડિયામાં પેપરલેસ કેબિનેટ મીટિંગ મળી હોય એવો એ સત્તાવારી રીતે પહેલો બનાવ હતો. એમાં જે મંત્રીઓએ વર્ક રીપોર્ટ આપવાનો હતો, તેમણે પણ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આપ્યું હતું અને તેની શરૃઆત ખુદ મુખ્યમંત્રીએ કરી હતી.
જે તે મંત્રાલયને લગતા મુદ્દાઓ જે તે મંત્રીઓએ જાતે ઓનલાઈન લખીને નોંધ્યા હતા. એટલું જ નહીં, મંત્રાલયો વચ્ચે સહયોગ કરવાનો આવ્યો ત્યારે મંત્રીઓએ મુખ્યમંત્રીની હાજરીમાં એક-બીજાને ઈ-મેઈલ કરીને ફાઈલોની આપ-લે કરી હતી.
નકશા સર્જન માટે ડ્રોનનો સદ્ઉપયોગ
હુમલો કરવામાં લશ્કરી ડ્રોન વપરાય છે. પરંતુ ડ્રોનના ઘણા સારા ઉપયોગ પણ છે. ભારતના નકશા તૈયાર કરતી સરકારી સંસ્થા 'સર્વે ઑફ ઈન્ડિયા'એ ડ્રોન દ્વારા આખા દેશનું મેપિંગ કરી આધુનિક અને બારિકાઈભર્યો નકશો તૈયાર કરવાની કામગીરી આરંભી દીધી છે. અલબત્ત, આ નકશો ડિજિટલ હશે, પરંતુ જરૂર પડયે તેની પ્રિન્ટ મેળવી શકાશે. દુનિયાના કોઈ પણ દેશની પ્રાથમિક ઓળખ તેના નકશાથી જ થાય છે, માટે નકશા સર્જનમાં આધુનિકીકરણ જરૂરી છે.
અત્યારે જે નકશા તૈયાર થાય છે, તેમાં સ્કેલ એક સેન્ટિમીટર દીઠ દસ લાખથી પચાસ લાખ સેન્ટિમીટર જેટલો હોય છે. એટલે કે નકશામાં આખો દેશ સમાવવા એક સેન્ટિમીટરમાં ૧૦ લાખ સેન્ટીમીટર જગ્યા સમાવી લેવાય છે. જ્યારે ડ્રોનથી તૈયાર થઈ રહેલા નકશામાં એક સેન્મિીટરમાં ૫૦૦ સેન્ટિમીટરના સ્કેલનો સમાવેશ થશે. તેનાથી નકશા વધારે પરફેક્ટ બનશે. વધુમાં ડ્રોન દ્વારા લેવાતા હોવાથી આ ડિજિટલ નકશો થ્રીડી સ્વરૂપમાં તૈયાર થઈ શકશે.
૩૦૦ જેટલા ડ્રોન વિમાન આ પ્રોજેક્ટ માટે કામે લગાડી દેવાયા છે. લગભગ ૨ વર્ષમાં દેશના ૩૨ લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાંથી ૨૪ લાખ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર આવરી લેવાશે. જંગલ, નદી, પહાડી વિસ્તાર અત્યારે મેપિંગમાંથી બાકાત રખાશે, કેમ કે ત્યાં ખાસ ફેરફારો થતા હોતા નથી. આ પ્રોજેક્ટ માટે 'નેટવર્ક ઑફ કન્ટિન્યુઅસલી ઓપરેટેડ રેફરન્સ સ્ટેશન (કોર્સ)' નામના કમ્યુટર સોફ્ટવેર પર આધારિત છે. મળતાં નકશાની વિગતો આ સોફ્ટવેરમાં નખાશે અને તેના આધારે મેપ તૈયાર થશે.
અર્થતંત્ર: બ્રિટનના ૧૫૦ વર્ષ બરાબર ભારતના ૩૦ વર્ષ!
કોઈ દેશનો આર્થિક વિકાસ એક સરખો રહે નહીં. વળી એક વખત વિકાસદર વધે એટલે સતત વધતો રહે એવુ પણ નથી. પરંતુ ભારત માટે એટલી વાત નક્કી છે કે અર્થતંત્રના પાયા મજબૂત હોવાથી નાના-મોટી મંદીની અસર થતી નથી. વધુ નોંધપાત્ર વાત એ છે કે આર્થિક વિકાસની ભારતની સ્પીડ વધારે છે. સ્પીડ વધારે હોવાનું સર્ટિફિકેટ નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી પોલ ક્રૂગમેને આપ્યું હતુ. માર્ચ ૨૦૧૮માં દિલ્હીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ક્રૂગમેને જણાવ્યુ હતુ કે ભારતનું અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે. બ્રિટને જે વિકાસ કરવામાં ૧૫૦ વર્ષ લગાડયા, તેટલો વિકાસ ભારતે છેલ્લા ૩૦ વર્ષમાં કરી બતાવ્યો છે.
ભારતના આર્થિક વિકાસના વખાણ કરતાં તેમણે કહ્યું હતુ કે ભારતે દુનિયાના કોઈ દેશમાં જોવા ન મળે એવી ઝડપ કરી દેખાડી છે. અત્યારે પણ ભારત રોકાણ માટે ઉત્તમ જગ્યા છે. પરંતુ ભારતમાં સરકારી કર્મચારીઓ અને ભ્રષ્ટ્રાચાર બે મોટા વિઘ્ન છે. તેને દૂર કરવા રહ્યા. વિકાસની આગેકૂચ છતાં ભારતની પૂર્ણ ક્ષમતા હજુ સુધી બહાર આવી નથી. એ માટે સરકારે સતત સક્રિય રહેવુ પડશે એવી સલાહ તેમણે આપી હતી.
એન્થ્રેક્સની રસી ભારતમાં તૈયાર થઈ હતી
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) તથા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના વિજ્ઞાાનીઓએ મળીને ઘાતક બિમારી એન્થ્રેક્સની નવી રસી તૈયાર કરી દેખાડી હતી. પશુઓમાં જોવા મળતાં બેક્ટેરિયામાંથી આ રોગ ફેલાય છે. આ રોગ વધારે પડતો ગાય, ઘોડા, ઘેટાં અને બકરામાં જોવા મળે છે. ડુક્કર, કૂતરાં તથા મનુષ્યમાં તેની અસર ઓછી જોવા મળે છે.
૨૦૦૧માં આ રોગચાળાએ અમેરિકામાં હાહાકાર મચાવ્યો હતો. અમેરિકામાં વિવિધ અગ્રણી લોકોને અજાણ્યા કવર મળતાં હતા. એ કવરમાંથી પાઉડર નીકળતો હતો અને પાઉડર એન્થ્રેક્સનો હોવાનું કહેવાતું હતું. માટે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
એન્થ્રેક્સ ફેલાવતા બેસિલસ એન્થ્રેક્સિસ નામના બેક્ટેરિયા જમીનમાં ભળેલાં હોય છે અને વર્ષો સુધી સુષુપ્ત અવસ્થામાં રહે છે. પછી જ્યારે આ બેક્ટેરિયાને અનૂકુળ વાતાવરણ મળે ત્યારે સક્રિય થઈને રોગચાળો ફેલાવે છે. એન્થ્રેક્સનો ચેપ લાગ્યા પછી તુરંત ખબર પડતી નથી, ઘણી વખત ચેપની જાણકારી મળે ત્યાં સુધીમાં ઘણુ મોડું થઈ ચૂક્યુ હોય છે. અમેરિકામાં એન્થ્રેક્સના બાયો-ટેરર પછી રસી તૈયાર થઈ હતી. ભારતના વિજ્ઞાાનીઓએ વધારે શક્તિશાળી અને અગાઉની રસી કરતા વધારે અસરકારક દવા તૈયાર કરી દેખાડી હતી.
સેટેલાઈટ તોડવાની ક્ષમતા હાંસલ કરી
સર્જન કરતાં વિસર્જન સહેલું છે, પરંતુ ભારત માટે સેટેલાઈટનું સર્જન કરવું સહેલું છે, આકાશમાં તેને ગોઠવી દીધા પછી તેનું વિસર્જન કરવું અઘરું છે. સદ્ભાગ્યે ભારતે એ સિદ્ધિ પણ ૨૦૧૯માં મેળવી લીધી હતી.'ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)' દ્વારા લૉન્ચ થયેલા ઉપગ્રહને ભ્રમણકક્ષામાં જ મિસાઈલ વડે તોડી પાડવામાં આવ્યો હતો.
ભ્રમણકક્ષામાં ઘૂમતા અને કાર્યરત (લાઈવ) ઉપગ્રહોને પૃથ્વી પરથી કોઈ મિસાઈલ કે અન્ય ઉપકરણ દ્વારા ઉડાવી દેવાની ક્ષમતા અત્યાર સુધી દુનિયાના ત્રણ દેશો- રશિયા, અમેરિકા અને ચીન પાસે જ હતી. એ ક્લબમાં ભારતનો સમાવેશ થયો હતો. સેટેલાઈટ તોડી પાડવાનું કામ 'ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)' દ્વારા બનાવેલા મિસાઈલે કર્યું હતું.
ભવિષ્યના યુદ્ધ વખતે આ ટેકનોલોજી ખુબ મહત્ત્વની સાબિત થવાની છે. આપણી રોજીંદી અનેક જરૂરિયાતો ઉપગ્રહો પૂરી કરે છે. જીપીએસ ચાલુ કરવાનું હોય કે મોબાઈલમાં લાઈવ મેચ જોવાની હોય, આફત વખતે સેટેલાઈટ ઈમેજિસથી નુકસાન તપાસવાનું હોય કે પછી દેશના રેલવે ટાઈમટેબલને સાચવવાનું હોય.. બધામાં ઉપગ્રહો અનિવાર્ય છે.
હવે કોઈ દેશ બીજા દેશનો ઉપગ્રહ તોડી પાડે તો મોટું નુકસાન થઈ શકે. અમેરિકી સરકારનું ૯૦ ટકા કામ ઉપગ્રહ આધારીત છે. એ રીતે ભારતમાં પણ સેટેલાઈટ્સનું મહત્ત્વ વધતું જાય છે. કોઈ દુશ્મન દેશ ભારતના ઉપગ્રહો તોડી પાડવાની હિંમત ન કરે એટલા માટે આ ટેકનોલોજી ભારતે વિકસાવી છે.
આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની મદદથી 'સ્માર્ટ ખેતી'
આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ ઘણાં ક્ષેત્રોમાં ગેમચેન્જર બન્યો છે. અસંખ્ય સેક્ટર્સમાં ડ્રોન અને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો બહોળો ઉપયોગ થવા માંડયો છે, પરંતુ ખેતીમાં હમણાં સુધી તેનો ખાસ ઉપયોગ શરૂ થયો ન હતો. ભારતના ખેડૂતો વિદેશી ખેડૂતોની તુલનાએ ખેતીમાં વધારે પરંપરાગત પદ્ધતિઓ અપનાવવાનું પસંદ કરતા આવ્યા છે. પરંતુ નવી જનરેશના ખેડૂતોએ દેશમાં સ્માર્ટ ખેતીની શરૂઆત કરી દીધી છે.
સરકારની એગ્રી ઉડાન યોજના પણ એગ્રીકલ્ચરને લગતા નવા સંશોધનોને બળ આપે છે. ખેતીમાં સ્માર્ટનેસ આવે એવાં તમામ ડિવાઈસ અને શોધોને પ્રોત્સાહન આપવાનું શરૂ થયું છે.
આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં ૫૦૦૦ એકર જમીનમાં પાક ઉપર નજર રાખવાનું કામ મારૂત ડ્રોનટેક દ્વારા ખાસ ખેતીને ધ્યાનમાં રાખીને બનાવેલા ડ્રોન કરવા લાગ્યા છે. આખા ય પાકનું આકાશી અવલોકન કર્યા પછી ડ્રોન તેનો અહેવાલ ખેડૂતને આપે છે. ખેડૂત એ તસવીરો પરથી નક્કી કરે છે કે ખેતીને પાણીની જરૂર છે કે નહીં. ક્યા વિભાગમાં પાક ઉપર શું અસર થઈ છે. પાકમાં કોઈ રોગ લાગુ પડયો હોય તો એની પણ માહિતી ડ્રોન આપે છે. ખેતરથી થોડાંક ઉપર ઉડીને આ ડ્રોન નિરીક્ષણ કરી શકે છે.
ખેતીમાં અત્યારે ડ્રોનનો ઉપયોગ અવલોકન કરવા થઈ રહ્યો છે અને તે સિવાયની સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ મુખ્યત્વે પાક લણવામાં અને જમીન ઉપર દેખરેખ રાખવા થાય છે. જમીન ખેડવામાં મદદ કરે એવી સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ પણ ભારતના ખેડૂતો કરતા થયા છે. આગામી વર્ષોમાં ભારતના અસંખ્ય ખેડૂતો સ્માર્ટ ખેતી કરતા થાય એવો માહોલ સર્જાવા લાગ્યો છે.
બાળકોને વાર્તાથી શિક્ષિત કરતી કથા ખજાના એપ
બાળકોને બોધકથાઓના માધ્યમથી શિક્ષણ આપવાની પરંપરા હતી. સંયુક્ત કુટુંબમાં દાદા-દાદી કે નાના-નાનીના માધ્યમથી બાળકોને પેઢી દર પેઢી વાર્તાઓ મળતી, પરંતુ સમયાંતરે સંયુક્ત કુટુંબપ્રથા સીમિત થઈ ગઈ. હવે એવી વાર્તાઓ બાળકો સુધી પહોંચતી નથી. એ કમી પારખીને કથા ખજાના એપ અસ્તિત્વમાં આવી. કથા નામના સંગઠને ભારતના બાળકોને ધ્યાનમાં રાખીને કથા ખજાના નામનું એપ પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું.
૧૯૮૮થી કાર્યરત આ સંસ્થાએ એપના માધ્યમને ઓળખ્યા પછી એમાં વિડીયો, પુસ્તકો અને રમતો ઉપલબ્ધ કરાવીને અસંખ્ય બાળકોને બોધકથાઓ અને પ્રેરકકથાઓ વાંચવા પ્રેર્યા. છેવાડાના વિસ્તારોમાં રહેતા બાળકોને વાંચવા માટે પુસ્તકો મળતા નથી. શાળાઓમાં જ લાઈબ્રેરીનો અભાવ છે. બાળકોને શું વાંચવું કે દેખાડવું તે બાબતે ઘણાં અર્ધશિક્ષિત પેરેન્ટ્સ અજાણ છે.
મજૂરીમાંથી માંડ રોજીરોટી મેળવતા આવા માતા-પિતાના બાળકોને વાર્તા-વિડીયો, પ્રેરક કથા પહોંચાડવાનું કામ આ એપના માધ્યમથી થયું. નિ:શુલ્ક વાચન ખજાનો આપતી આ કથા ખજાના એપને અસંખ્ય પુરસ્કારો પણ મળ્યા છે. દેશની આ પ્રકારની પ્રથમ એપ કથા ખજાનાને સાઉથ એશિયાનો પ્રતિષ્ઠિત એમબિલિયન્થ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
એપ એક કરોડ કરતા વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. સંગઠને ૧૭ રાજ્યોની શાળાઓ સાથે મળીને એપના માધ્યમથી શાળાઓમાં વિડીયો, ઓનલાઈન પુસ્તકોનું રીડિંગ થાય તેવી વ્યવસ્થા કરી છે. બાળકોને સમજાય તેવી સરળ ભાષામાં આ એપમાં કથાઓ કહેવામાં આવે છે. બાળકો જાતે સ્ક્રીનને ટચ કરીને રમી શકે એવી સરળ રમતો પણ પ્લેટફોર્મ ઉપર છે, જેમાં ઘર સ્વચ્છ રાખવું સહિતના મેસેજ આપતી સરળ ગેઈમ્સ અવેલેબલ છે.
પવનઊર્જામાં ભારતની આગેકૂચ ૨૦૧૫માં ભારતે ૨૬૨૩ મેગાવોટ
વીજળી વિન્ડ એનર્જી દ્વારા પેદા કરી હતી. એટલે કે પવન ઊર્જા ઉત્પાદનમાં ૨૬૨૩ મેગાવોટની વૃદ્ધિ કરી હતી. ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલના રિપોર્ટ પ્રમાણે ભારત પવન ઊર્જા ક્ષેત્રે ચોથા ક્રમે પહોંચ્યુ હતું. અગાઉ સ્પેન ચોથા ક્રમે હતું. એ સમૃદ્ધ દેશને પાછળ ધકેલી ભારતે આગળ સ્થાન મેળવ્યું હતું.
તો બીજી તરફ ઈન્ડિયન વિન્ડ એનર્જી એસોસિએશનના આંકડા પ્રમાણે પવન ઊર્જા પેદા કરવામાં ગુજરાત ત્રીજા ક્રમે છે. ૨૦૧૫ના આંકડા પ્રમાણે આખા ભારતમાં ૨૩૪૩૯ મેગાવોટ વીજળી પવન દ્વારા પેદા કરાઈ હતી. ભારતમાં સૌથી વધુ પવન ઊર્જા તમિલનાડુ (૭૪૫૬ મેગાવોટ)માં થઈ હતી. બીજા ક્રમે મહારાષ્ટ્ર (૪૪૩૭ મેગાવોટ) અને ત્રીજા ક્રમે ગુજરાત (૩૬૪૨ મેગાવોટ) રહ્યુ હતું. આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટક પણ પવન ઊર્જામાં આગળ પડતા રાજ્યો છે.
રોબોટિક ટેલિસ્કોપની દૂર દૃષ્ટિ
ભારતે ૨૦૧૮માં દેશનું પ્રથમ રોબોટિક ટેલિસ્કોપ લદ્દાખના હાનલે ખાતે શરૂ કર્યું હતું. 'ગ્લોબલ રીલે ઓફ ઓબ્ઝર્વેટરિઝ વૉચિંગ ટ્રાન્ઝીટ હેપ્પન (જીઆરઓટીડબલ્યુએચ-ગ્રોથ)' નામનું આ ટેલિસ્કોપ ભારત ઉપરાંત અન્ય દેશોની સહાયથી બન્યું છે. માટે તેનું નામ 'ગ્રોથ-ઈન્ડિયા' રાખવામાં આવ્યું છે. રોબોટિક હોવાને કારણે આ ટેલિસ્કોપનું સંચાલન ઓટોમેટિક થાય છે, તેમાં માનવીય દખલગીરીની જરૂર નથી.
બ્રહ્માંડમાંથી આવતા તરંગોનો ટેલિસ્કોપ પોતાની રીતે જ અભ્યાસ કરીને કન્ટ્રોલ મથક સુધી માહિતી મોકલતું રહેશે. આ પ્રોજેક્ટમાં ભારત ઉપરાંત યુ.કે., ઈઝરાયેલ, જર્મની, જાપાન, તાઈવાન અને અમેરિકા પણ શામેલ છે. ભારત વતી આ ટેલિસ્કોપમાં મુંબઈ સ્થિત આઈઆઈટી અને બેંગાલુરુ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ મુખ્યત્વે સંકળાયેલી છે. એ ઉપરાંત બેંગાલુરુ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ સહિતની વિવિધ સંસ્થાઓનું તેની સાથે જોડાણ છે. ૧૪,૭૦૦ ફીટની ઊંચાઈએ આવેલું આ ટેલિસ્કોપ જગનના સૌથી ઊંચા ટેલિસ્કોપમાં સ્થાન ધરાવે છે. ભારતે આ ટેલિસ્કોપના નિર્માણ પાછળ ૩.૫ કરોડનો ખર્ચ કર્યો છે. ટેલિસ્કોપનો વ્યાસ ૭૦ સેન્ટિમીટર છે.
મધદરિયે માછીમારોની રખેવાળી કરતી એપ્સ
મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના નેજા હેઠળ કામ કરતી નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઓસન ટેકનોલોજીમાં કાર્યરત વિજ્ઞાાનિકોએ મધદરિયે માછીમારોનું રક્ષણ કરે એવી ટેકનોલોજી વિકસાવી છે. મોબાઈલ એપ્સથી લઈને સેટેલાઈટ ટ્રેકિંગ સુધીની ટેકનોલોજીની મદદથી માછીમારોના બચાવ માટે કાર્યવાહી કરવામાં આવે છે. વિજ્ઞાાનીઓએ માછીમારોને સાવચેત કરવા માટે અલગ કોમ્યુનિકેશન સિસ્ટમ વિકસાવી છે, જે ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ અંગે માછીમારોને માહિતગાર કરે છે.
આ ઈન્સ્ટિટયૂટમાં કાર્યરત વિજ્ઞાાનિકોએ સેન્સર્સ સિસ્ટમ તૈયાર કરી છે. આ ટેકનોલોજી સમુદ્રના બદલાતા વાતાવરણને પારખીને તેનો રીઅલ ટાઈમ ડેટા મેળવી આપે છે. આ સેન્સર્સ સિસ્ટમ ચક્રવાતના રસ્તાને શોધી કાઢે છે ને દૂરથી જ તેની આગાહી કરી શકે છે. એના કારણે મધદરિયે રહેલા માછીમારોને સમયસર પાછા બોલાવી લેવાનો સંકેત આપી શકાય છે.
૨૦૧૭માં ઓખી વાવાઝોડામાં ૩૫૦ જેટલા માછીમારોનો ભોગ લેવાયો તે પછી આધુનિક વૉર્નિંગ સિસ્ટમ વિકસાવીને હવે અસંખ્ય માછીમારોને વરસાદ-વાવાઝોડાંની રીઅલ ટાઈમ સ્થિતિ અંગે એપના માધ્મયથી વાકેફ કરાય છે. નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રીસર્ચ, ઈન્ડિયન સેન્ટર ફોર ઓસન ઈન્ફર્મેશન સર્વિસ, ઈસરો વગેરેની પણ આમાં ખૂબ મદદ મળી. માછીમારોની સુરક્ષા વધે તે માટે ટેકનોલોજીની મદદથી ભારતીય વિજ્ઞાાનિકોએ અભૂતપૂર્વ બચાવ સિસ્ટમ વિકસાવી છે.
સૌપ્રથમ તો ભારતના દરિયામાં ૧૨ બૉઈ તૈનાત કરવામાં આવ્યા. પાણીમાં તરતા આ પીપા હવામાનનો ડેટા સેન્ટર સુધી પહોંચાડે. એ પછી તુરંત ડેટાનું એનાલિસિસ થાય અને જે વિસ્તારમાં જોખમ હોય એ વિસ્તારના માછીમારોને 'થૂન્ડિલ' નામની એપના માધ્યમથી ઓટો એલર્ટ પહોંચી જાય. આ એપ મધદરિયે કેવું વાતાવરણ છે અને કલાકો પછી કેવું વાતાવરણ હશે તેનું નોટિફિકેશન માછીમારોને આપે છે. એટલું જ નહીં, બચાવ ટૂકડીની મદદ માટે પણ આ એપનો ઉપયોગ કરી શકાય છે.
માછીમારોના લોકેશન પરથી એપ જ માહિતી આપે છે કે તેમની નજીક ક્યું સલામત સ્થળ છે અને કઈ બચાવ ટૂકડી સુધી પહોંચી શકાય તેમ છે. એપ એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે ઓફલાઈન પણ બચાવ ટૂકડીનો સંપર્ક કરી શકાય છે. કેરળ અને તમિલનાડુના લગભગ પાંચ-સાત હજાર માછીમારો આ ડિવાઈસની તાલીમ લઈ ચૂક્યા છે અને એના કારણે તેમનું રોજિંદા કામનું જોખમ ઘણું ઘટયું છે. આગામી વર્ષોમાં આ સિસ્ટમ દેશભરના માછીમારો સાથે જોડી શકાય એવું ય આયોજન થઈ રહ્યું છે. આ ટેકનોલોજી દરિયાઈ કટોકટી વખતે માછીમારો ઉપર મંડરાતું જીવનું જોખમ ૭૦થી ૮૦ ટકા સુધી ઘટાડે છે.
૨૦૩૫માં ભારતના શહેરોની બોલબાલા!
'ઓક્સફર્ડ ઈકોનોમિક્સે' વિશ્વના શહેરોના વિકાસ અંગે 'ગ્લોબલ સિટીઝ' અહેવાલ ૨૦૧૯માં રજૂ કર્યો હતો. એ અહેવાલ મુજબ ૨૦૩૫ સુધીમાં દુનિયાના સૌથી વધુ ઝડપે વિકસતા પહેલા દસ શહેરો ભારતના જ હશે. એમાં પણ વાર્ષિક ૯.૧૭ ટકાના દરે સુરત પહેલા ક્રમે હશે. ગુજરાતનું જ બીજું શહેર રાજકોટ આ લિસ્ટમાં સાતમા ક્રમે છે. એ સિવાય ભારતના આગ્રા, બેંગાલુરુ, હૈદરાબાદ, નાગપુર, તિરપુર, તિરૂચિરાપલ્લી, ચેન્નઈ અને વિજયવાડાનો સમાવેશ થયો છે.
આ રીપોર્ટમાં કહેવાયુ છે કે અત્યારે જે ન્યુયોર્ક, લંડન, ટોકિયો અને લોસ એન્જલસ જેવા શહેરો જગતના સુપર પાવર છે, એ સુપર પાવર જ રહેશે. પરંતુ એ શહેરોનો થઈ શકે એટલો મહત્તમ વિકાસ થઈ ગયો છે. માટે હવે વિકાસ એવા શહેરોનો થશે, જે બાકી રહ્યા છે. આ શહેરોમાં ભારત અને ચીનના શહેરોનો સમાવેશ થાય છે. આર્થિક દૃષ્ટિએ ભારતના શહેર દુનિયામાં તાકતવર નહીં બને પણ વિકાસ ઝડપી થશે.
એક માત્ર ઈન્ટરનેટ ઓફ થિંગ્સ પ્લેટફોર્મ
આપણને ઉપયોગી બધી જ ચીજવસ્તુઓનું ઈન્ટરનેટ સાથે જોડાણ થાય તેને 'ઈન્ટરનેટ ઓફ થિંગ્સ' (આઈઓટી) કહેવાય છે. એકથી વધુ ડિવાઈસનું આંતરિક ઓટોમેટિક જોડાણ એટલે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ. એક રીતે ડિવાઈસનું નેટવર્કિંગ એટલે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ. એનાથી આપણી રોજિંદી જિંદગી વધુ સરળ બને છે.
ઈન્ટરનેટ ઓફ થિંગ્સને લગતી પ્રોડક્ટનો માહોલ સર્જવા માટે ટાટા કોમ્યુનિકેશને દેશમાં પહેલી વખત એક માર્કેટપ્લેસ પ્લેટફોર્મ બનાવ્યું હતું. એમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સની બધી જ નવી પ્રોડક્ટ વેંચાણ માટે મૂકી શકાય છે. ગ્રાહકો ધારે તો એમને જોઈતી પ્રોડક્ટ ખરીદી પણ શકે છે. દેશમાં ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે શરૂ થયેલું આ પ્લેટફોર્મ આઈઓટી માર્કેટપ્લેસ કેટલાય નવા સંશોધકો માટે ખૂબ જ ઉપયોગી થયું છે. ઈન્ટરનેટ ઓફ થિંગ્સને સમર્પિત હોય એવું આ ભારતનું એકમાત્ર ઓનલાઈન પ્લેટફોર્મ છે.
ભારત પાસેથી જળ સંરક્ષણ શીખવા રાષ્ટ્સંઘની સલાહ!
માર્ચ ૨૦૧૮માં બ્રાઝિલમાં રાષ્ટ્રસંઘની બેઠક મળી હતી. તેમાં સલાહ આપવામાં આવી હતી કે જળ સંરક્ષણ કેમ કરવું એ દુનિયાએ ભારત પાસેથી શીખવું જોઈએ. અલબત્ત, એમાં આખા ભારતની વાત ન હતી, પરંતુ બે સફળ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાના બે ગામ હિવારે બજાર અને રાલેગણ સિદ્ધિના ઉદાહરણો અહેવાલમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ બન્ને ગામોએ સ્થાનિક પ્રયાસોથી જળની અછતને હરાવી બતાવી છે. ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં આ બન્ને ગામો સહિતનો વિસ્તાર પાણીની અછતનો સામનો કરતો હતો. દર વર્ષે અહીં સરકારે પાણીની મદદ પહોંચાડવી પડતી હતી, પરંતુ ૨૦૧૮માં રાલેગણ સિદ્ધિ અને હિવારે બજાર પાણીની બાબતે સ્વાવલંબી બન્યા હતા.
રાલેગણ સિદ્ધિની જળ અછત નિવારવામાં તો અણ્ણા હજારેએ સક્રિય ભાગ ભજવ્યો હતો કેમ કે એ ગામ તેમનું વતન છે. રાજસ્થાનમાં તરુણ ભારત સંઘ નામના સંગઠને ગામલોકો સાથે મળીને અંદાજે હજારેક ગામને પાણી બચાવતા કર્યા છે. ગ્રાઉન્ડવોટર હાર્વેસ્ટિંગ અને ચોમાસામાં વરસતા પાણીને બચાવીને અહીંના લોકોએ કમાલ કરી છે. રાજસ્થાન મોટું રણ ધરાવે છે અને વરસાદ બહુ ઓછો પડે છે.
એ સંજોગોમાં આખા રાજ્યમાં પાણીની અછત રહેવી જોઈએ. પરંતુ લોકોના પ્રયાસોને કારણે અહીં પાણીની અછત અન્ય રાજ્યોની સરખામણીએ ઓછી જોવા મળે છે. ૧૯૮૫-૮૬માં રાજસ્થાનના અલવરમાં પાણીની ભારે અછત સર્જાઈ હતી. એ વખતે વિસ્તારને ડાર્ક ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. એ પછી ત્યાં જળ સંરક્ષણ શરૂ થયું અને આજે તેના મીઠાં ફળ લોકો ચાખી રહ્યાં છે.
ભવિષ્યમાં આજની ખબર પડે એ માટે ટાઈમ કેપ્સ્યુલ
દર વર્ષે જાન્યુઆરીના આરંભે ભરાતી ઈન્ડિયન નેશનલ સાયન્સ કોંગ્રેસનું ૨૦૧૯માં આયોજન જલંધરમાં થયું હતું. એ વખતની બેઠકમાં સૌથી મોટુ આકર્ષણ ટાઈમ કેપ્સ્યૂલ હતી, જેને આજે જમીનમાં ઉતારવામાં આવી હતી. ટાઈમ કેપ્સ્યૂલ એ વૈજ્ઞાાનિક શબ્દ છે. વર્તમાન સમયની કોઈ પણ ચીજ-વસ્તુ, માહિતી વગેરેને સાચવીને જમીનમાં ઉતારી દેવામાં આવે અને તેને ચોક્કસ સમય પછી ખોલવામાં આવે તેને ટાઈમ કેપ્સ્યૂલ કહેવામાં આવે છે.
ભવિષ્ય કેવું હશે તેની કોઈને જાણકારી નથી હોતી. પરંતુ ભવિષ્યમાં જે પેઢી, લોકો કે પછી સજીવો રહેતા હોય તેમને વર્તમાન એટલે કે આપણે જીવીએ છીએ એ સમયગાળાની જાણકારી મળી રહે એટલા માટે ટાઈમ કેપ્સ્યૂલ દાટવાની દુનિયાભરમાં પ્રથા છે. ટાઈમ કેપ્સ્યૂલ એ મૂળભૂત રીતે એક પેટી છે, જેમાં વિવિધ ચીજો સમાવીને તેને બરાબર પેક કરી દાટી દેવામાં આવે છે.
ઈન્ડિયન કોંગ્રેસમાં દાટવામાં આવેલી કેપ્સ્યૂલમાં ભારતના મંગળયાનની પ્રતિકૃતિ, તેજસ ફાઈટર વિમાનનું મોડેલ, ટેપ રેકોર્ડર, લેપટોપ, સ્માર્ટફોન, સોલાર પેનલ, બારમા ધોરણની ટેક્સ્ટ બૂક વગેરે મુકવામાં આવ્યું છે. આ કેપ્સ્યૂલ સો વર્ષ પછી ૩જી જાન્યુઆરી ૨૧૧૯ના દિવસે ખોલવામાં આવશે. એટલે એ વખતના વિદ્યાર્થીઓ કે પછી યુનિવર્સિટીની જગ્યાએ જે કોઈ હોય તેને આ બધી ચીજો મળશે.
ભારતે તૈયાર કરી ઈલેક્ટ્રોમેગ્નેટિક રેલગન!
૨૦૧૭માં 'ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)'ના વિજ્ઞાાનીઓએ 'ઈલેક્ટ્રોમેગ્નેટિક રેલગન(ઈએમઆરજી)'નું સફળ ટેસ્ટિંગ કરી બતાવ્યુ હતું. સંરક્ષણ ટેકનોલોજીની દૃષ્ટિએ ભારતના વિજ્ઞાાનીઓએ બહુ મોટી સિદ્ધિ છે. કેમ કે અમેરિકા સહિતના તોતિંગ લશ્કરી બજેટ ધરાવતા દેશો પણ ઈલેક્ટ્રોમેગ્નેટિક રેલગનના હજુ પરીક્ષણ જ કરે છે. ભારત તેની બરોબરી કરી શક્યું છે. રેલગન એ આધુનિક યુગનું હથિયાર છે. તેની હાજરીને કારણે ભારતીય સૈન્યની તાકાતમાં અસાધારણ વૃદ્ધિ થશે.
સામાન્ય રીતે મિસાઈલ કે રોકેટ રવાના કરવા માટે બળતણની જરૂર પડતી હોય છે. પરંતુ ઈલેક્ટ્રોમેગ્નેટિક રેલગનમાં એવા પરંપરાગત બળતણની જરૂર પડતી નથી. આ ગન ઈલેક્ટ્રિસિટી, ચૂંબકત્વ અને લેસરના જોરે કામ કરે છે. જેમાં કોઈ પ્રકારની ઊર્જા વપરાતી નથી. મેગ્નિટક ફિલ્ડ જ એટલી શક્તિ સર્જે છે કે રવાના થતું હથિયાર (ગન) કલાકના ૭૪૦૦ કિલોમીટર સુધીની ઝડપ હાંસલ કરી શકે છે.
ઈએમઆરજીએ આવતીકાલનું હથિયાર છે. અવાજ કરતાં છ ગણી વધારે ઝડપે હુમલો કરી શકતી ગન ભવિષ્યમાં યુદ્ધનું પરિણામ બદલી શકે છે. દોઢસો કિલોમીટર દૂર રહેલી કોન્ક્રીટની દિવાલમાં પણ રેલગન દ્વારા છોડેલી બૂલેટ કાણુ પાડી શકે છે. રેલગાડીની જેમ પાટા પરથી દોડી રવાના થતી પ્રણાલી હોવાથી આ ગનને રેલગન નામ આપવામાં આવ્યુ છે. નાસા જેવી સંસ્થાઓએ તો ભવિષ્યના અવકાશ પ્રવાસો પણ રેલગન દ્વારા જ કરવાનું આયોજન પણ વિચાર્યુ છે. ભારતે માત્ર વિચાર કરવાને બદલે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી દેખાડી હતી.
બાયોફ્યુઅલ સંચાલિત વિમાન
દેશની પ્રથમ બાયોફ્યુઅલ ફ્લાઈટે ૨૦૧૮ના ઓગસ્ટ માસમાં સફળ ઉડાન ભરીને નવો ઈતિહાસ સર્જ્યો હતો. શાકભાજીના તેલ, રિસાઈકલ ગ્રીસ, પ્રાણીઓના ફેટ વગેરેની મદદથી બાયોફ્યુઅલ એટલે કે જૈવિક ઈંધણ તૈયાર કરવામાં આવે છે. પરંપરાગત પેટ્રોલિયમને બદલે આ ઈંધણ વાપરવાનો વિકલ્પ વધુ હિતકારી જણાયો છે. કારણ કે તેના કારણે કાર્બનનું ઉત્સર્જન ઘણું ઘટી જાય છે. જે સરવાળે પર્યાવરણ માટે વધુ ફાયદાકારક રહેશે.
એરલાઈન્સ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશને એવો નિર્ધાર કર્યો છે કે ૨૦૫૦ સુધીમાં એવિએશન ઈન્ડસ્ટ્રીમાંથી પેદા થતા કાર્બનમાં ૫૦ ટકાનો ઘટાડો કરવો છે. તેના ભાગરૂપે વિવિધ દેશોમાં આવા પ્રયાસો થાય છે. એ પ્રયાસના ભાગરૂપે બાયોફ્યુઅલ સંચાલિત વિમાન ઉડાડવામાં સફળ થયેલા દેશોમાં ભારત વિશ્વનો ચોથો સફળ દેશ બન્યો હતો. વિકાસશીલ દેશોમાં ભારત એકમાત્ર એવો દેશ છે, જેને બાયોફ્યુઅલથી સંચાલિત વિમાન વિકસાવીને સફળતાપૂર્વક ઉડાવવામાં સફળતા મળી છે.
સ્પાઈસજેટ બોમ્બાર્ડિયન ક્યુ૪૦૦ નામના વિમાને ઓગસ્ટ-૨૦૧૮માં દહેરાદૂનથી દિલ્હીની ઉડાન ભરી હતી. ૨૦ મુસાફરોને લઈને ઉડેલા આ વિમાનને દહેરાદૂનથી દિલ્હીનું અંતર પૂરું કરતા ૨૫ મિનિટનો સમય લાગ્યો હતો.
બાયોફ્યુઅલથી સંચાલિત દુનિયાની પ્રથમ ફ્લાઈટ ૨૦૧૮માં જ લોસ એન્જલસથી મેલબર્ન વચ્ચે ઉડી હતી. ભારત પહેલાં માત્ર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડાને જ બાયોફ્યુઅલ વિમાન ઉડાવવામાં સફળતા મળી હતી.
ટ્રેન -૧૮: એન્જીન વગર દોડતી રેલગાડી
ભારતનું રેલવે તંત્ર મોટું છે, પંરતુ જરૃરી ટેકનોલોજી માટે મોટે ભાગે અન્ય દેશો પર આધારિત રહેવું પડયું છે. હવે જોકે સરકારે મેક ઈન ઈન્ડિયા દ્વારા ભારતમાં જ જરૃરી રેલવે સર્વિસ તૈયાર થાય એ માટે કામગીરી હાથ ધરી છે અને સફળતા પણ મેળવી છે. તેનું ઉદાહરણ ટ્રેન-૧૮ '(અથવા વંદે ભારત એક્સપ્રેસ)' છે. અત્યારે આ એન્જીન વગરની ટ્રેન દિલ્હી-કટરા અને દિલ્હી વારાણસી વચ્ચે દોડે છે. ચેન્નઈ ખાતે આવેલી 'ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ)'માં બનેલી આ ટ્રેન મેક ઈન ઈન્ડિયા હેઠળ બની છે.
આ ટ્રેનની વિવિધ વિશિષ્ટતા પૈકી ઉડીને આંખે વળગે એવી વિશિષ્ટતા તેનું એન્જીન છે. સામાન્ય રીતે દરેક ટ્રેનમાં આગળ એન્જિન હોય, જ્યારે ટ્રેન-૧૮માં દરેક ડબ્બો પોતે જ એન્જીન છે. કોઈ પણ વાહન એન્જીન વગર તો ચાલી શકે જ નહીં. પરંતુ આખુ અલગ એન્જીન આગળ જોડેલું હોય એ ટ્રેનની સ્પીડમાં કેટલોક ઘટાડો આવી જાય. માટે આ ટ્રેનના દરેક ડબ્બામાં જ એન્જીન ફીટ કરી દેવાયા છે. એટલે એન્જીનની જગ્યાએ પણ ડબ્બો જ લાગેલો હશે, જેમાં મુસાફરો બેસી શકે છે.
આ ટેકનોલોજીને વિજ્ઞાાનની ભાષામાં 'ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ (ઈએમયુ)' કહેવામાં આવે છે. ભારતની અનેક મેટ્રો અને મુંબઈની લોકલ ટ્રેનો આ ટેકનોલોજીથી જ દોડે છે. તેનું વધારે જાણીતું નામ જોકે 'મલ્ટિપલ ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ (એમઈએમયુ-મેમુ)' છે. આગળ એન્જીન ફીટ કર્યા વગર જાપાનની શિન્કાનસેન બુલેટ દોડે છે, એવી જ રીતે આ ટ્રેન પણ દોડાવાશે. ટેકનોલોજી નવી નથી, પરંતુ ભારતમાં લાંબા અંતરની ટ્રેન માટે તેનો પહેલી વખત ઉપયોગ થઈ રહ્યો છે, એ પણ સફળતાપૂર્વક થઈ રહ્યો છે. હવે સરકાર વધુ સંખ્યામાં આવી ટ્રેન તૈયાર કરી રહી છે.