યુવાનીમાં સ્વાસ્થ્યની ઉપેક્ષા વયસ્ક વયે કટોકટી બની શકે

- સ્વાસ્થ્ય માત્ર વૃદ્ધોની સમસ્યા નથી
એવી વયે જ્યારે જોશ ભરપૂર હોય અને પરિણામો દૂરગામી લાગતા હોય ત્યારે ઘણા યુવાનો સ્વાસ્થ્ય માત્ર વૃદ્ધોની જ સમસ્યા હોવાની માન્યતા રાખવાની જાળમાં સપડાય છે. પછી જોયું જશે જેવો અભિગમ રેષાયુક્ત ખોરાકને ભોજનમાં સામેલ કરવો, હૃદયના આરોગ્યની સંભાળ રાખવી અને પ્રજનન અવયવો તેમજ હાડકાંના આરોગ્યની કાળજી લેવા જેવી જરૂરી આદતો ટાળવા તરફ લઈ જાય છે. ઘણી વાર સગવડ, ફાસ્ટ ફૂડ, મોડી રાત્રે ભોજન તેમજ અંતહીન સ્ક્રીન ટાઈમ માટે પોષણ અને સુખાકારીનો ભોગ લેવાય છે. પણ વાસ્તવિક્તા કડવી છે: હૃદય રોગ, ઓસ્ટીયોપોરોસીસ તેમજ માનસિક વિકાર મોટી વય સુધી રાહ નથી જોતા, ઘણીવાર તે વીસ વર્ષની વયથી જ દેખાવા લાગે છે. શરીરની હાઈડ્રેશન, ડીટોક્સીફિકેશન, આરામ અને યોગ્ય પોષણની જરૂરીયાત ખરી અને અત્યંત મહત્વપૂર્ણ છે, પછી ભલે કોઈપણ વય હોય. સ્વસ્થ આદતો વહેલેથી કેળવવામાં પ્રતિબંધની વાત નથી, પણ પૂર્વતૈયારીની બાબત છે. આરોગ્ય જ સંપત્તિ હોય, તો યુવા વય જ શ્રેષ્ઠ અને સમજદારીભર્યા રોકાણનો સમય છે. તમારી વૃદ્ધાવસ્થા આ બાબતે ચોક્કસ તમારો આભાર માનશે.
મોટાભાગના યુવાનો કેટલીક સામાન્ય જણાતી ભૂલો કરે છે જે તેમને મોટી વયે નડે છે. ઉપરાંત યુવાનોમાં એવી માન્યતા હોય છે કે જિંદગી માણી લેવી જોઈએ, તકેદારી મોટી વયે રાખશું તો ચાલશે. પણ ઘણીવાર સ્વાસ્થ્ય વયની રાહ નથી જોતું. આજે કેળવેલી સારી આદતો મોટી વયને સ્વસ્થ રાખે છે. તકેદારીનો અર્થ એવો નથી કે ભાવતા ભોજન ન કરવા. પણ તેનો અર્થ છે પોષણ અને સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો. નીચે જણાવેલા મુદ્દા ધ્યાનમાં રાખવામાં આવે તો જીવનશૈલી સુધારવામાં ઘણી સહાય મળશે જે મોટી વયે લાભદાયી પૂરવાર થઈ શકે.
૧. ફાઈબર (રેષા)નું મહત્વ
મોટાભાગના યુવાનો માને છે કે તેઓ ભોજનની સારી આદતો મોટી વયે પાળશે તો વાંધો નથી. તેમના મતે ભોજનના પ્રતિબંધો માત્ર વયસ્કો માટે છે. ખરુ જોઈએ તો નાની વયે જ ભોજનમાં ફાઈબરનું મહત્વ સમજી લેવું જોઈએ જેથી પાછલી વયે ગૂંચવણોથી બચી શકાય.
૨. હૃદયરોગ વિશે લાપરવાહી
ટીનેજરોમાં આ સૌથી મોટી લાપરવાહી છે. તેઓ માને છે કે હૃદયરોગ માત્ર ૬૦ કે ૭૦ની વય પછી જ શરૂ થાય છે. તેમના મતે માત્ર વૃદ્ધોને જ હૃદયની તકલીફ થતી હોય છે. પણ આંચકાજનક બાબત એ છે કે હૃદયરોગ વ્યક્તિની વયની પરવા નથી કરતો. તમામ વયે અને તમામ તબક્કે હૃદયનું ધ્યાન રાખવું મહત્વનું છે. એના માટે યોગ્ય વ્યાયામ, યોગ્ય ભોજન મહત્વના છે.
૩. ફોલિક એસિડ
મોટાભાગના યુવાનો ક્યારે પણ તેમના પ્રજનન તંત્ર વિશે વિચાર નથી કરતા. તેઓ લગ્ન કરે ત્યારે જ તેમને એના વિશે વિચાર આવે છે. તેઓ ક્યારે પણ સ્વસ્થ પ્રજનન તંત્ર વિશે ચિંતા નથી કરતા. વાસ્તવમાં ઘણી કન્યાઓને એટલી પણ જાણકારી નથી કે ફોલિક એસિડ સગર્ભા થવા પહેલા કેટલું ઉપયોગી હોય છે. યુવા પેઢીએ આવી બાબતો વિશે જાણકારી રાખવી જોઈએ.
૪. હાડકાં
યુવા વયે હાડકાં સલામત હોય તો જ મોટી વયે ઓસ્ટીયોપોરોસીસ જેવી બીમારીથી બચી શકાય છે. આથી જ નાની વયે કેલ્શિયમ અને પ્રોટીન યુક્ત આહારની આદત કેળવવી જોઈએ. આજના ફાસ્ટ ફૂડ અને બહારનું ખાવાના યુગમાં ઘણીવાર કઠોળ જેવી પ્રોટીનયુક્ત વસ્તુઓ આહારમાંથી બાકાત રહી જતી હોય છે.
૫. લોહતત્વ
આયર્ન શરીર માટે સૌથી મહત્વનું ખનિજ છે અને આપણને તેની યોગ્ય માત્રામાં જરૂર પડે છે. લોહતત્વની ખામીથી એનેમિયા જેવી ગંભીર વિકૃતિ સર્જાઈ શકે છે. યુવા વયથી જ ભોજનમાં લીલા શાકભાજી અને ફળો સામેલ કરવા જેવી સામાન્ય બાબતથી લોહ તત્વની પૂરતી થઈ શકે છે.
૬. ફાસ્ટ ફૂડ
યુવા પેઢીની આ સૌથી સામાન્ય ભૂલ છે. નાની વયે કેટલીક ખરાબ આદતો આકર્ષે છે પણ સમય જતા તે વ્યસન બની જાય છે. એમાંથી એક આદત છે બહારનું ખાવાની. જન્ક ફૂડ અસ્વસ્થ હોવાથી તેને શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ.
૭.અલ્પ નિદ્રા
ટીનેજરો ઘણી વાર સોશિયલ મીડિયા, અભ્યાસ અથવા મનોરંજન માટે નિદ્રાનો ભોગ લે છે. જો કે સતત ઓછી નિદ્રાના ગંભીર શારીરિક અને માનસિક પરિણામ આવી શકે. તેનાથી હતાશાનું જોખમ તેમજ પ્રતિકાર યંત્રણા નબળી પડી શકે. એકંદર સુખાકારી માટે સાતથી નવ કલાકની યોગ્ય નિદ્રા અત્યંત જરૂરી છે.
૮. ડીટોક્સિફિકેશન
ઘણા ટીનેજરો માને છે કે ડીટોક્સિફિકેશન માત્ર વયસ્કો માટે જ છે,પણ તેમની ધારણા ખોટી છે. યુવાનોએ પણ મહિનામાં ઓછામાં ઓછું એકવાર ડીટોક્સિફિકેશન કરાવી લેવું જોઈએ.
૯. શ્વસન તંત્ર
પોષણ યુક્ત આહાર ઉપરાંત યુવાનોએ ધૂમ્રપાન જેવી આદતોથી દૂર રહીને તેમના ફેફસાના આરોગ્ય પ્રત્યે પણ ધ્યાન આપવું જોઈએ.
૧૦. કેલરીની ગણના
મોટાભાગના યુવાનો માને છે કે કેલરીની ગણના સારું આરોગ્ય જાળવવા માટે પૂરતી છે. પણ યાદ રહે સારુ સ્વાસ્થ્ય પૂરતી કેલરી મેળવવા ઉપરાંત ઘણુ છે. યુવા વયે જરૂરી પોષક તત્વો વિશે જાણકારી રાખવી જરૂરી છે. સારી આદતો કેળવવા મોટી વય સુધી રાહ જોવાની જરૂર નથી.
૧૧. હાઈડ્રેશન
ઘણા યુવાનો હાઈડ્રેટ રહેવાના મહત્વને ઓછુ આંકે છે. ડીહાઈડ્રેશન માથાનો દુ:ખાવો, થાક અને એકાગ્રતાના અભાવ સહિત આરોગ્ય સંબંધિત અનેક પ્રકારની સમસ્યા સર્જે છે. આથી શરીરની યંત્રણા યોગ્ય રહે તેના માટે દિવસ દરમ્યાન પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવું જરૂરી છે.
૧૨. સ્ક્રીન ટાઈમ
સ્માર્ટફોન,કમ્પ્યુટર અને ટીવી સહિત વધુ પડતો સ્ક્રીન ટાઈમ બેઠાડુ જીવનશૈલી તરફ દોરી જાય છે તેમજ ઊંઘની ગુણવત્તા પર નકારાત્મક પ્રભાવ પાડે છે. સ્ક્રીન ટાઈમ માટે સમયની મર્યાદા નક્કી કરો અને વચ્ચે શારીરિક ક્રિયાઓ તેમજ સામાજિક સંપર્ક માટે સમય ફાળવો.
૧૩. લિવર
કોલેજના દિવસોમાં આલ્કોહોલ સેવન કદાચ કૂલ ગણાતું હશે પણ મોટી વયે આ આદત કૂલ નથી રહેતી. લિવર ક્યારે પણ ખોટકાઈ જવા અગાઉ કોઈ સંકેત નથી આપતું. આથી ધ્યાન રાખવું કે આલ્કોહોલની ફેશન ટેન્શન વધારશે.
૧૪. માનસિક આરોગ્ય
યુવાનોમાં સૌથી વધુ ઉપેક્ષિત કોઈ સમસ્યા હોય તો તે છે માનસિક આરોગ્ય. તણાવ, હતાશા અને તાણ શારીરિક તેમજ માનસિક પરેશાની વધારીને જીવનની ગુણવત્તા પર નકારાત્મક અસર કરે છે. માસિક સુખાકારી માટે વ્યાયામ, ધ્યાન, મિત્રો અને પરિવાર તેમજ માનસિક આરોગ્યના નિષ્ણાંતોનો સંપર્ક જાળવી રાખવો જરૂરી છે.
- ઉમેશ ઠક્કર









